લેખકની કલમે

“ઇનામ થી ‘ઇમાન’… આ નાનકડા બાળકોએ પોતાને ઈનામમાં મળેલ વસ્તુ પણ વહેચીને ખાધી, જીવનમાં આવો નાનો ત્યાગ જ વ્યક્તિને મહાનતા તરફ ખેંચે છે….

“ઇનામ થી ‘ઇમાન’…”

  • “મારી ખુશીમાં તને પણ, બનાવું હું હિસ્સેદાર.
  • અને એ રીતે પાંગરશે , આપણી વચ્ચે પ્યાર.
  • એકમેકમાં ઓગળી, અને પેદા કરીએ વિશ્વાસ,
  • આમ બનશે સંબંધ, આપણો ખૂબ ધારદાર…”

– અલ્કેશ ચાવડા ‘અનુરાગ’

અને તાલુકાનો રમતોત્સવ પૂરો થયો. જાત જાતની રમતોના વિભાગમાં શાળાના બાળકોએ ભાગ લીધો હતો. પોતાનું, પોતાના માતા પિતાનું, પોતાની શાળાનું અને ગામનું ગૌરવ વધારવા, બીજાને પછાડીને આગળ નીકળવાની ભાવનાથી નહિ પણ પોતાની ભીતર રહેલી શ્રેષ્ઠતા અને સામર્થ્ય ને દુનિયા સામે મુકવાના આશયથી ઘણા બાળકોએ એમાં હોંશે હોંશે ભાગ લીધેલો. જે દિવસે રમતોત્સવ ની જાહેરાત થઈ અને સ્પર્ધાની તારીખો આવી બસ એ દિવસથી એ શાળાના બાળકો ઉત્કૃષ્ટ દેખાવ કરવા આકરી પ્રેક્ટિસમાં લાગી ગયા હતા.

ભણવાની સાથે સાથે સવાર સાંજ ભાગ લીધેલ તમામ બાળકોના મનમાં એકજ સ્વપ્ન…”આ વખતે ખૂબ મહેનત કરી અને સ્પર્ધામાં પ્રથમ નંબર લાવવો છે…”

કહેવાય છે ને કે આકરી સાધના અને સાચી દિશામાં કરેલ મહેનત સામે નસીબને પણ ઝૂકવું પડે છે તો એમજ બન્યું અને એ શાળાના એક બે નહિ પણ નવ બાળકોએ વિવિધ સ્પર્ધામાં ખૂબ જ્વલંત સફળતા મેળવી. નવ બાળકો વિવિધ સ્પર્ધામાં પ્રથમ અને બીજા નંબરે રહ્યા. આખા તાલુકામાં સફળતાનો ડંકો વગાડી દીધો એ બાળકોએ…

બળકોએતો પોતાની શાળાને ગૌરવ અપાવવા પોતાની ફરજ બજાવી દીધી હતી. હવે બાળકોની સફળતા અને એમને શાળા પ્રત્યે બજાવેલી ફરજ ની યોગ્ય કદર કરવાનો અને બાળકોની સફળતાનાં ઉત્સાહને પાંખો આપવાનો વારો શિક્ષકોનો હતો. બાળકોએ ખૂબ મહેનત કરી આટલી જ્વલંત સફળતા મેળવી તો શાળાની પણ એમના પ્રત્યેની એમને યોગ્ય રીતે બિરદાવવાની ફરજ બને.

શાળાના મુખ્ય શિક્ષક દ્વારા બાળકોને પ્રોત્સાહક ઇનામ આપવાની જાહેરાત કરાઈ અને પછી ચિંતન શરૂ થયું કે બાળકોને ઇનામમાં શુ આપવું ??? કારણ ભૂતકાળમાં આવી સ્પર્ધાઓના વિજેતા બાળકોને ઘણા ઇનામો શાળા દ્વારા અપાઈ ચુક્યા હતા. શિક્ષકો એ પણ વિચારતા હતા કે દર વખતે ઇનામમાં એકની એક વસ્તુઓ આપીએ તો કઈ નવીનતા જેવું ન લાગે. તો આ વખતે બાળકોને એવું ઇનામ આપવામાં આવે કે જે કોઈએ વિચાર્યું પણ ન હોય. એમાં કઈક વિશેષતા હોય. જેનો તાત્કાલિક લાભ થાય અને અત્યાર સુધી કોઈએ એવું ઇનામ આપ્યું પણ ન હોય. સાથે સાથે શાળાના બજેટમાં પણ એ ફિટ બેસતું હોય.

આચાર્યશ્રીએ શાળાના એક શિક્ષકને ઇનામ લાવવાની જવાબદારી સોંપી. એ શિક્ષકે ખૂબ વિચાર્યું કે શું ઇનામ લાવવું ??? ખૂબ વિચારણાના અંતે એમને એક વિચાર સૂઝયો અને એ ઇનામ લેવાનું વિચાર્યું. બીજા દિવસે સવારે શાળાએ આવતા પોતે વિચારેલું અનોખું ઇનામ એ બાળકોને આપવા અલગ અલગ થેળીઓમાં પેક કરાવી લીધું અને એ શિક્ષક ઈનામની એ અલગ અલગ થેલીઓ લઈ શાળામાં પહોંચ્યા. પ્રાર્થના કાર્યક્રમ પૂર્ણ થયા બાદ રમતોત્સવમાં વિજેતા બાળકોના નામ બોલી એ દરેકને પેલું થેલીમાં પેક ઇનામ આપવામાં આવ્યું. ઇનામ સ્વીકારનાર બાળકોને પણ ખ્યાલ આવતો ન હતો કે થેલીમાં ઇનામના રૂપમાં શુ છે…!!! તો પછી બીજા બાળકોનેતો ખ્યાલ ન જ આવે ને !!!

પ્રાર્થના અને ઇનામ વિતરણ કાર્યક્રમ પૂર્ણ થયો અને બધા બાળકો પોતપોતાના વર્ગખંડમાં ગયા. શિક્ષકો હજી રમતોત્સવની ચર્ચા કરતા ઓફિસમાં જ હતા. અલગ અલગ ધોરણો માં પહોંચેલું પેલું થેલીમાં પેક ઇનામ પ્રત્યે બધા બાળકોની જિજ્ઞાસા ખૂબ વધી ગયેલી હતી. આખી શાળાનો એકજ પ્રશ્ન હતો કે થેલીમાં શુ છે ??? આઠમા ધોરણના એક વિજેતા વિદ્યાર્થીએ પોતાના વર્ગખંડમાં જતા જતા થેલીમાં રહેલું ઇનામ જોઈ લીધું. બસ ત્યારથી એના મગજમાં એક ઉમદા વિચારે જન્મ લઈ લીધો હતો. વર્ગખંડમાં ગયા બાદ તરતજ એ વિદ્યાર્થીએ અલગ અલગ ધોરણો માં ઇનામ મેળવનાર બાળકોને ઈનામની થેલી લઈ પ્રાર્થના હોલ માં તરત આવી જવા જણાવ્યું. વિજેતાઓ વચ્ચે કઈ પ્રાર્થના હોલમાં કઈ યોજના બની રહી છે એનાથી ઓફિસમાં બેઠેલા શિક્ષકો સાવ અજાણ હતા.

પ્રાર્થના હોલમાં એકઠા થયેલા રમતોત્સવના નવ વિજેતા અને બીજી શાળા કાંક્ષા ની અન્ય સ્પર્ધાઓના છ વિજેતા એમ કુલ પંદર બાળકો ને એ આઠમા ધોરણનો વિદ્યાર્થી સમજાવી રહ્યો હતો કે…

“જુઓ… આપણને ઇનામના રૂપમાં કેળા મળ્યા છે. દરેકની થેલીની અંદર ત્રણ ત્રણ કેળાં છે. એમ આપણી પાસે કુલ પિસ્તાલીસ કેળા છે. હવે જો આ કેળા આપણે ખાઈ જઈસુ તો આપણને પંદર જણ નેજ આનંદ મળશે. પણ આ કેળા આપણે બધા વચ્ચે વહેંચીએ તો…!!! ”

વચ્ચે એક બીજો વિજેતા વિદ્યાર્થી બોલ્યો…

“પણ આપણી આખી શાળાની સંખ્યા તો લગભગ બસ્સો ની છે તો આ પિસ્તાલીસ કેળા કઈ રીતે વહેંચાય…???”

પછી એ આઠમા વાળાએ પોતાની યોજના અને યુક્તિ કહેવી શરૂ કરતાં કહ્યું…

“આપણે એમ કરીએ આપણી પાસેના પિસ્તાલીસ કેળાના ચપ્પુથી પાંચ પાંચ ભાગ કરીએ એટલે બસ્સોને પચીસ ટુકડા થશે. આ કેળાના બસ્સો ને પચીસ ટુકડા આપણે આખી શાળામાં પ્રસાદના રૂપમાં વહેંચીએ… બધા ખૂબ રાજી થઈ જશે…
પ્રાર્થના હોલમાં એકઠા થયેલા એ પંદરે પંદર બાળકોએ પોતાના ઈનામને પ્રસાદ રૂપે વહેંચવાની સંમતિ દર્શાવી અને યોજના મુજબ પિસ્તાલીસ કેળાના બસ્સો પચીસ ટુકડા કરી મોટી તાસમાં ભરી અને સૌથી પહેલો પ્રસાદ ધરાવવા પોતાના શિક્ષકો પાસે આવ્યા. એમની યોજના સાંભળી શિક્ષકો આશ્ચર્ય ચકિત થઈ ગયા. ત્યારબાદ આખી શાળામાં પોતાના ઈનામને પ્રસાદ બનાવનાર એ બાળકોના પાવન હાથો વડેજ કેળાનો પ્રસાદ વહેંચવામાં આવ્યો.

તમામ શિક્ષકો… પોતાની વસ્તુને પોતાના લોકો વચ્ચે વહેંચતા માત્ર બાહ્ય સ્પર્ધાનાજ વિજેતાઓ નહિ પણ સાચા અર્થમાં
“મન ના વિજેતાઓ” ના આ ઉમદા અને માનવીય કર્મને જોઇજ રહ્યા…

● POINT :

ચોક્કસ કેળાના નાનકડા નાનકડા ટુકડાથી કઈ ધરાઈ જવાય નહિ. પણ આનંદની ક્ષણોને બધા વચ્ચે વહેંચવાથી જે આત્માની તૃપ્તિ થાય એનાથી મોટો આનંદ બીજો કયો હોય…

ઘણી વખત નાના બાળકો પણ જીવનનો ખૂબ મોટો પાઠ શીખવી જાય છે જે આપણે મોટાઓ અંજાયેલા આપણા અંગત સ્વાર્થોમાં ભૂલી ગયા હોઈએ છીએ…

જીવનમાં આવા નાના નાના ત્યાગો થીજ એક મહાન વ્યક્તિત્વ નું નિર્માણ થઈ શકે છે…

લેખક :- અલ્કેશ ચાવડા ‘અનુરાગ’ (શંખેશ્વર)

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
Author: Gujjurocks Team
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.