લોકલાડીલા ખજુરભાઈના હાથે ખુલ્લું મુકાયું આ ગામમાં ગુજરાતના ગામડાનું પહેલું AC શૌચાલય, રીબીન કાપીને કર્યુ ઉદ્દઘાટન

ગુજરાતના ગામડાનું સૌથી પહેલું AC જાહેર શૌચાલય બનીને થઇ ગયું તૈયાર, નીતિન જાનીએ ઉદ્દઘાટન કરીને જનતા માટે ખુલ્લું મૂક્યું.. જુઓ

આજના સમયમાં શહેર અને ગામડા વચ્ચે વધારે અંતર નથી રહ્યું. ગામડાઓ પણ હવે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ થવા લાગ્યા છે અને જે વસ્તુઓ શહેરમાં મળતી હોય છે તે હવે ગામડાઓમાં પણ મળવા લાગી છે. ત્યારે હાલ ગીર સોમનાથ જિલ્લામાં આવેલા ધોકડવા ગામમાં એક એવો જ નજારો જોવા મળ્યો.

આ ગામની અંદર એક જાહેર શૌચાલય બનાવવામાં આવ્યું અને આ શૌચાલય એકદમ આધુનિક છે. સાથે જ ગુજરાતના ગામડાનું પહેલું AC શૌચાલય છે. આ AC શૌચાલયનું ઉદ્દઘાટન ગુજરાતના લોકલાડીલા એવા સમાજ સેવક નીતિન જાની ઉર્ફે ખજુરભાઈના હાથે કરવામાં આવ્યું હતું.

આ આધુનિક શૌચાલય બનાવવા માટે 50 ટકા રકમ સરકારી ગ્રાન્ટમાંથી અને 50 ટકા રકમ સરપંચ દ્વારા ખર્ચ કરવામાં આવી હતી. આ સમગ્ર સામુહિક શૌચાલય 6 લાખના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું અને ગત રોજ ગામ લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું. આ શૌચાલયનું લોકાર્પણ કરવા માટે નીતિન જાનીને બોલાવવામાં આવ્યા હતા.

ખજુરભાઈએ રીબીન કાપીને આ શૌચાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. શૌચાલય ઉપરાંત તેની બહાર એક ઠંડા પાણીનું આરઓ મશીન પણ મુકવામાં આવ્યું છે, જેમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં રાહદારીઓ શીતળ પાણી પીને ટાઢક અનુભવશે. ધોકડવા ગામ ઉના અમરેલી હાઇવે પર આવેલું છે. જેના કારણે અહીંયાથી દિવ અને તુલસીશ્યામ જતા લોકો પસાર થાય છે.

ત્યારે દૂર દૂરથી ફરવા માટે કે કોઈ કામ અર્થે અહિયાંથી જતા લોકોને અગવડ ના પડે અને ગામની ખરાબ છબી ઉભી ના થાય તે માટે આ શૌચાલય બનાવવામાં આવ્યું છે. આ શૌચાલયમાં મહિલાઓ અને પુરુષો ઉપરાંત વિકલાંગ માટે પણ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. આ શૌચાલયને લઈને ગામના લોકોમાં પણ ખુશીનો માહોલ છવાયેલો છે.

ગામની અંદર શૌચાલયનું ઉદ્ઘાટન કરવા માટે આવેલા ખજુરભાઈનું ગામ લોકોએ ખુબ જ ધામધૂમથી સ્વાગત કર્યું હતું. તેમને તિલક કરી આરતી ઉતારીને શણગારેલા બળદ ગાડામાં બેસાડવામાં આવ્યા અને પછી ઢોલ નગારા સાથે તેમને શૌચાલય સુધી લઇ જવામાં આવ્યા. નીતિન જાનીએ ગામના લોકોને સંબોધિત પણ કર્યા હતા.

Niraj Patel