AC blast couple died Jaipur : હાલ દેશભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે અને ગરમીથી બચવા માટે લોકો અવનવા ઉપાયો પણ કરતા હોય છે, જેના ઘરમાં AC નથી એ કુલર કે બીજી કોઈ રીતે ગરમીનો સામનો કરે છે અને જેના ઘરમાં AC છે એ દિવસ રાત AC ચાલુ રાખીને જ બેસે છે, પરંતુ ઘણીવાર ACમાં ઓવર હિટિંગ થવાના કારણે બ્લાસ્ટ થવાની ઘટનાઓ પણ સામે આવતી હોય છે અને તેના કારણે કેટલાક લોકો મોતને પણ ભેટે છે, હાલ આવી જ એક ઘટના સામે આવી છે જેમાં પતિ-પત્નીનું મોત થયું છે.
આ ઘટના સામે આવી છે રાજસ્થાનના જયપુરમાંથી. જ્યાં એક ઘરમાં એસી બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ બાદ ઘરની અંદર આગ ફાટી નીકળી હતી. જેના કારણે પતિ-પત્નીનું શ્વાસ રૂંધાવાથી મોત નીપજ્યું હતું. પતિ ઇન્ટિરિયર ડિઝાઇનર હતો, જ્યારે પત્ની બેંક મેનેજરના પદ પરથી નિવૃત્ત થઈ હતી. સમાચાર મળ્યા બાદ પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા છે. થાઈલેન્ડમાં રહેતા મૃતકના પુત્રને પણ ઘટના અંગે જાણ કરવામાં આવી છે.
મીડિયા રિપોર્ટ અનુસાર આ ઘટના જયપુરના જવાહર નગર વિસ્તારની રામ ગલી કોલોની નંબર 7માં બની હતી. 15 જૂનની રાત્રે 65 વર્ષીય પ્રવીણ વર્મા અને તેમની 60 વર્ષીય પત્ની રેણુ તેમના રૂમમાં એસી ચાલુ રાખીને સૂઈ રહ્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ એસીમાં શોર્ટ સર્કિટ થયું હતું. જ્વાળાઓ વધવા લાગી. જ્યારે પડોશીઓએ ઘરની અંદર આગની જ્વાળાઓ જોઈ તો ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરી શરૂ કરી હતી.
ટીમ ઘરના કાચ તોડી અંદર પ્રવેશી હતી. આખું ઘર કાળા ધુમાડાથી ભરાઈ ગયું હતું. શોધખોળ દરમિયાન ફાયર બ્રિગેડની ટીમને બેડ પાસે દંપતી બેભાન હાલતમાં મળી આવ્યું હતું. તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. પરંતુ હોસ્પિટલ પહોંચતા સુધીમાં તેનું મોત નીપજ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, વૃદ્ધ દંપતીનો એકમાત્ર પુત્ર હર્ષિત વર્મા થાઈલેન્ડમાં ડોક્ટર છે. તે તેની પત્ની સાથે થાઈલેન્ડમાં રહે છે. આ ઘટના અંગે પોલીસે તેમને જાણ કરી છે. હવે જ્યારે પુત્ર અને પુત્રવધૂ આવશે ત્યારે મૃતદેહો તેમને સોંપવામાં આવશે.