ભારત સરકારનાં સૂચના અને પ્રસારણ મંત્રાલયે દૂરદર્શન પર રામાનંદ સાગરની ‘રામાયણ’ રિ-ટેલિકાસ્ટ કરવાનો નિર્ણય કર્યો એ પછી લોકોને લોકડાઉનના સમયમાં સમય પસાર કરવાનું શ્રેષ્ઠ માધ્યમ મળ્યું. દરરોજ ટેલિવિઝન પર દેખાડવામાં આવતી રામાયણથી જાણે ત્રણેક દાયકા પહેલાનો સમય જીવતો થયો હોય એવું લાગવા માંડ્યુ. સાથે જ રામાયણ સાથે જોડાયેલી અનેક ચર્ચાઓ પણ લોકો રસપૂર્વક કરવા લાગ્યા.
રામભક્તોમાં રામાયણમાં આવતું વિભિષણનું પાત્ર પણ બહુ લોકપ્રિય છે. રામ પ્રત્યેની ભક્તિ, ધર્મ સાથે રહેવાની અડગતા અને સૌજન્યયુક્ત વર્તન કરનાર વિભિષણનો રોલ ભજવ્યો હતો મૂળે ગુજરાતી એવા મુકેશ રાવલે! તેમનું જીવન જેટલું ખુશનુમા હતું એટલું જ પાછળથી વિરહયુક્ત બન્યું! એક કરૂણ કહાણી આ અભિનેતા પાછળ જોડાયેલી છે.

૧૯૫૦માં મુકેશ રાવલનો જન્મ રવિશંકર રાવલનાં ઘરે મુંબઈમાં થયો. પિતા બેન્ક ઓફ બરોડામાં કર્મચારી હતા. રવિશંકરની એક્ટિંગ પ્રતિભા ત્યારે ખીલી જ્યારે તેમણે મુંબઈની ‘પોદ્દાર કોલેજ’માં ભણતા નાટકોમાં ભાગ લેવાનું શરૂ કર્યું. કોલેજમાં અભિનયને લગતા ઘણા એવોર્ડ તેમને મળ્યા.
આમ, તેમની અંદરની અભિનય પ્રતિભા જાગી. બાદમાં પિતાની જેમ તેમણે પણ બેન્ક ઓફ બરોડમાં નોકરી લીધી. આની સાથે-સાથે એક્ટિંગ તો ચાલુ જ રહી. જાણીતી ગુજરાતી અભિનેત્રી સુજાતા મહેતા સાથે કામ કરીને તેમણે ગુજરાતી ફિલ્મોમાં પણ કામ કરવાને ડગ માંડ્યા. એ પછી તો તેમણે ઘણી ગુજરાતી ફિલ્મોમાં નાના-મોટા રોલ નિભાવ્યા.
૧૯૮૬ના સમયગાળામાં રામાનંદ સાગર રામાયણ માટે થઈને પાત્રોની પસંદગી કરવા ફરતા હતા. ઇન્ડીયન નેશનલ થિયેટરમાં તેમણે મુકેશ રાવલને જોયા અને મનમાં જ નક્કી કરી લીધું કે, વિભિષણનું પાત્ર તો જડી ગયું! જો કે, તેમણે ઔપચારિકતા ખાતર મુકેશ રાવલને પૂછ્યું કે, ક્યો રોલ કરવો છે? તો મુકેશે કહ્યું કે, મેઘનાદનો! સ્ક્રીન ટેસ્ટ થયો. બંને પાત્રોમાં મુકેશ રાવલે એક્ટિંગ કરી. વિભિષણનું પાત્ર જ વધારે સારું લાગ્યું. અને આમ એક અવિસ્મરણીય સફરના તેઓ પણ સહયાત્રી બન્યા!

એ પછી તો મુકેશ રાવલને ઘણી ફિલ્મો અને ટીવી શો મળવા લાગ્યા. જિદ્દ, તિરંગા, યે મજધાર, લહૂ કે દો રંગ, કોહરામ, કસક, ઔઝાર અને સત્તા જેવી હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું. આમ, નાટકથી શરૂઆત કરીને મુકેશ રાવલ ફિલ્મો સુધી પહોંચ્યા. પણ તેમને ખરી સફળતા તો મળી રામાયણના વિભિષણથી!
પણ એક દિવસ એવો ઉગ્યો કે, જાણે મુકેશ રાવલે પોતાનું સર્વસ્વ ગુમાવી દીધું! તેમને ત્રણ સંતાનો હતાં : એક દીકરો અને બે દીકરી. ૨૦૦૦ની સાલમાં તેમનાં દીકરાનું ટ્રેન એક્સિડેન્ટમાં મૃત્યુ થયું. મુકેશનું તો જાણે બધું લૂંટાઈ ગયું. આ માણસને જાતનું જ ભાન ન રહ્યું. બેન્કની નોકરી છોડી દીધી.
એ પછીનો સમયગાળો તેમના માટે આઘાતનો હતો. સદા ખુશનુમા રહેતો આ માણસ હવે નાનકડી મુસ્કાન માટે પણ ફાંફાં મારવા માંડ્યો. ૧૬ નવેમ્બર, ૨૦૧૬ના રોજ મુકેશનો મૃતદેહ મળ્યો મુંબઈના કાંદિવલી રેલ્વે સ્ટેશન પાસેથી! શરતચૂકથી ટ્રેન આગળ તેઓ આવી ગયા હશે એવું કહેવાય છે. પરિવાર માથે આભ તૂટી પડ્યું. ગુજરાતી કલાકારો પણ ખૂબ દુ:ખી થયા. કહેવા લાગ્યા કે, માની જ ના શકાય કે આવું બન્યું!

રામાનંદ સાગરની ‘રામાયણ’માં રાવણના ભાઈ અને રામના મહાન ભક્ત વિભિષણનું પાત્ર ભજવીને અમર બનેલા મુકેશ રાવલ જીવનનો અંતભાગ સુખમાં ન ગાળી શક્યા. ઈશ્વર તેમના આત્માને શાંતિ અર્પે. સદા સૌજન્યશીલ આવા ગુજરાતીને વંદન જ હોય!
Author: કૌશલ બારડ: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.