જીવનશૈલી દિલધડક સ્ટોરી પ્રસિદ્ધ પ્રેરણાત્મક

એકેય ચોપડી ન ભણેલ ગીરનો ચારણ ડોલાવે છે આખા ગુજરાત ને ડાયરામાં, ગામઠી સ્ટાઈલથી જીવે છે આવું જીવન

આજના સમયમાં ડાયરાનું ચલણ પાછું ચાલુ થયું છે ત્યારે દેશ-વિદેશમાં લોકડાયરા માટે આપણા ગુજરાતી કલાકારોની ખૂબ જ માંગ છે. ત્યારે આપણા ડાયરાના કલાકારોના કાર્યક્રમમાં લોકોની ભીડ પણ ઉમટી આવે છે અને આ કલાકારોના બેમોઢે વખાણ પણ થાય છે. ડાયરાના આવા જ એક કલાકાર વિશે આજે વાત કરીશું, જેમણે કીર્તિદાન ગઢવી પ્રેમથી રાજો ચારણના નામે બોલાવે છે એવા ગીરના સાવજ રાજભા ગઢવીની.

Image Source

રાજભા ગઢવી એકપણ ચોપડી ભણ્યા ન હોવા છતાં ‘સાયબો રે ગોવાળિયો’ જેવા પ્રખ્યાત ગીતના રચયિતા છે. ગીરના જંગલોમાં ભેંસો ચરાવતા ચારણ રાજભા ગઢવીનું હાલ સૌરાષ્ટ્ર કાઠિયાવાડ સહિત આખા દેશમાં અને વિશ્વમાં એક પ્રસિદ્ધ લોકસાહિત્યકાર તરીકે નામ લેવાય છે. અમરેલીના કનકાઈ-બાણેજ ગીરના લીલાપાણી નેસમાં રાજભા ગઢવીનો જન્મ થયો હતો.

Image Source

33 વર્ષીય રાજભા ગઢવી ગીરના જંગલોમાં ભેંસો ચરાવતા અને સિંહો વચ્ચે કુદરતના ખોળે મોટા થયેલા છે અને તેમની આ જ જીવનશૈલી, તેમનો બુલંદકંઠ અને બોલવાની આગવી છટા તેમના ડાયરાના કાર્યક્રમોમાં રોનક લાવે છે. આ જ કારણ છે કે તેમના હજારો પ્રશંસકો છે. તેઓ ઉમદા કવિ અને લોકસાહિત્યકાર છે, અને તેમની ગાયનશૈલી અને તેમના લોકસાહિત્ય માટે તેઓ ખૂબ જ નામના ધરાવે છે.

Image Source

નાનપણથી જ પશુપાલન અને ભેંસ ચરાવવાનું કામ કરતા રાજભા ગીરમાં ભેંસ ચરાવવાની સાથે રેડિયો પર ભજન સાંભળતા, હેમુ ગઢવી સહિતના કલાકારોને સાંભળતા અને ત્યારથી જ તેમને લોકસાહિત્યમાં ખૂબ જ રસ હતો. કોઈ પણ પ્રકારના શાસ્ત્રીય સંગીતના જ્ઞાન વગર જ નાની ઉંમરમાં સારી રીતે ગાઈ શકતા હોવાના કારણે નજીકના લોકો તેમને ગાવા માટે પ્રોત્સાહિત કરતા રહેતા.

Image Source

વર્ષ 2001માં સત્તાધાર નજીક આવેલા રામપરા ગામમાં પોતાના જ સમાજના એક સંમેલનમાં તેમને ગાવાની તક મળી  હતી. થયું એવું કે આ કાર્યક્રમ માટે બોલાવેલા પ્રસિદ્ધ કલાકારને આવવામાં મોડું થયું, તો રાજભાને ગાવાની તક મળી અને તેમને આ કાર્યક્રમમાં દુહા-છંદ ગાઈને લોકોનું દિલ જીતી લીધું. લોકોને રાજભાનો અવાજ પસંદ પડતા ગીરની નજીકના ગામોમાં કાર્યક્રમો મળવા લાગ્યા. બસ પછી શું હતું! આ પછી રાજભાને પોતાની આ કલાને લોકો સમક્ષ પ્રસ્તુત કરવાની તક મળવા લાગી અને આજે તેઓ ગુજરાત સહિત નાસિક-ઓરિસ્સા અને આફ્રિકામાં પણ કાર્યક્રમ આપી ચુક્યા છે.

Image Source

ભજનગાયક, લોકસાહિત્યકાર સાથે જ ઉમદા કવિ તરીકે પણ પ્રખ્યાત રાજભા પોતાના કાર્યક્રમો આપવાની સાથે જ આજે પણ પશુપાલનની કામગીરી સાથે જોડાયેલા છે. રાજભા ગઢવીએ પોતે લખેલા દુહા-છંદ અને લોકગીતો ‘ગીરની ગંગોત્રી’ પુસ્તકમાં રજુ કર્યા છે. તેમને લખેલા ગીતોમાં ‘સાયબો રે ગોવાળીયો’ સહીત મરજીવા પાઘડીવાળા, દેવાયત બોદરને સપને આવી એની રાજપૂતાણી બેન અને સમરાટ ભાગ્યો શ્વાનથી જેવા ગીતોનો સમાવેશ થાય છે.

Image Source

તેમને લખેલા ગીત ‘સાયબો રે ગોવાળીયો’એ તો પ્રસિદ્ધ ગુજરાતી કલાકાર કિર્તીદાન ગઢવીને પણ ખૂબ જ પ્રસિદ્ધિ અપાવી છે. આ ગીત એ હદે પ્રખ્યાત છે કે લોકોએ આ ગીતને લોકગીત સમજી લીધું છે. કોઈ પણ પ્રકારના શાસ્ત્રીય સંગીતના જ્ઞાન વિના પણ તેઓ સૌરાષ્ટ્રની લોકશૈલી અને લોકબોલીના ગીતો, છંદ, સપારખાં પ્રભાવી રીતે ગાઇ શકે છે.

Image Source

રાજભા ગઢવી છેલ્લા 9 વર્ષથી ગીર છોડીને જૂનાગઢમાં સ્થાયી થયા છે. તેમના પરિવારમાં માતાપિતા અને પત્ની, 2 દીકરીઓ અને 1 દીકરો છે. તેમના દમદાર અને બુલંદ અવાજના પ્રતાપે આજે તેઓના ચાહકોની સંખ્યા ઘણી મોટી છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks