હાલમાં પાકિસ્તાનની અંદર રસ્તાઓ ઉપર પરાક્રમી પાયલટ વિંગ કમાંડર અભિનંદન વર્ધમાન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તસવીરોના પોસ્ટરો જોવા મળી રહ્યા છે. એક બે નહિ પરંતુ ઘણા પોસ્ટરો લાહોરના રસ્તા ઉપર જોવા મળ્યા. જેની તસવીરો પણ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.

તમને જણાવી દઈએ કે આ પોસ્ટરો દ્વારા નવાઝ શરીફની પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીગના નેતા અયાઝ સાદિક ઉપર નિશાન સાધવામાં આવ્યું છે. ઘણા પોસ્ટરોમાં અયાઝ સાદિકને કૉમના ગદ્દાર જણાવતા મીર જાફર સાથે તુલના કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અયાઝ સાદિકે જ પાકિસ્તાની સંસદમાં અભિનંદનને છોડી મુકવા મુદ્દે ઇમરાન સરકારની પોલ ખોલીને રાખી દીધી હતી.

અયાઝ સાદિકના નિર્વાચન ક્ષેત્ર લાહોરના રસ્તાઓ ઉપર લાગેલા પોસ્ટરોમાં વિંગ કમાંડર અભિનંદન વર્ધમાન અને પીએમ મોદીની તસવીરો જાણી જોઈને લગાવવામાં આવી છે. તેની અંદર ઉર્દુમાં પીએમએલ-એન પાર્ટીના નેતા અયાઝ સાદિકને દેશદ્રોહી ગણાવવામાં આવ્યા છે. કેટલાક પોસ્ટરમાં સાદિકને વર્ધમાનના રૂપમાં બતાવવામાં આવ્યો છે. ઘણા પોસ્ટરમાં તેને ભારત સમર્થક પણ જણાવવામાં આવ્યો છે.

સમગ્ર પાકિસ્તાનની અંદર અયાઝ સાદિક વિરુદ્ધ વિરોધ પ્રદર્શન થઇ રહ્યા છે. ઇમરાન સરકારના મંત્રીઓ તો તેના વિરુદ્ધ મોરચો ખોલીને બેઠા છે. પાકિસ્તાનના ગૃહમંત્રી એજાજ અહેમદ શાહએ એક જનસભા દરમિયાન કહ્યું હતું કે: “અયાઝ સાદિકે ભારત ચાલ્યા જવું જોઈએ.” તેમને કહ્યું કે “પોતાના સૈન્ય વિરુદ્ધ જે વાત તેમને સંસદમાં કરી તે અમૃતસરમાં જઈને કહે.”

અભિનંદનને છોડી મુકવા મુદ્દે મોટું નિવેદન આપનારા પાકિસ્તાની સાંસદ અયાઝ સાદિકનું કહેવું છે કે તેમને ઘણા બધા મહત્વના રહસ્યોની જાણકારી છે. પરંતુ તેમને ક્યારેય ગેરજવાબદાર નિવેદન નથી આપ્યું. પીએમએલ-એનના નેતા અને રાષ્ટ્રીય એસેમ્બલીના પૂર્વ સ્પીકર સાદિકે ડોન ન્યુઝને કહ્યું હતું કે તે પોતાના નિવેદન ઉપર કાયમ છે. પરંતુ તેમને એ વાતની જાણકારી નથી આપી કે અભિનંદન વર્ધમાનને ધરપકડ લીધા બાદ શું થયું હતું.

માર્ચ 2019માં વિંગ કમાંડર અભિનંદન વર્ધમાનને છોડી મુકવા મુદ્દે ભારતના કડક વલણ માટે સાદિકે શનિવારે મોટો ખુલાસો કર્યો હતો. સાદિકે પાકિસ્તાનની રાષ્ટ્રીય એસેમ્બલીમાં કહ્યું હતું કે અભિનંદનને ના છોડી મુકવા ઉપર ભારત, પાકિસ્તાન ઉપર હુમલો કરવા માટે તૈયાર બેઠું હતું. સાદિકના આ ખુલાસા ઉપર પાકિસ્તાની સંસદમાં નવું તોફાન આવી શકે છે. સાદિકનું આ નિવેદન ઇમરાન ખાન સરકારમાં ચાલી રહેલા તણાવ અને વિવાદોની તરફ સંકેત કરે છે.