અમેરિકામાં આંધ્રપ્રદેશના 20 વર્ષિય વિદ્યાર્થીનું રહસ્યમય હાલતમાં મોત- પરિવારે લગાવ્યો હત્યાનો આરોપ

અમેરિકામાંથી છેલ્લા કેટલાક મહિનામાં સતત ગુજરાતી-ભારતીય વિદ્યાર્થીઓના રહસ્યમય મોત અને હત્યાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. હજુ તો જાન્યુઆરીમાં જ અમેરિકામાં એક સપ્તાહની અંદર ત્રણ ભારતીય વિદ્યાર્થીઓના મોત થયા હતા. ત્યારે હાલમાં વધુ એક આવી ઘટના સામે આવી. બોસ્ટન યુનિવર્સિટીના એન્જિનિયરિંગના વિદ્યાર્થી પરુચુરી અભિજીતનો મૃતદેહ જંગલમાંથી મળી આવ્યો. આંધ્રપ્રદેશના ગુંટુરના આ વિદ્યાર્થીનો મૃતદેહ કેમ્પસના જંગલમાં લાવારિશ કારમાંથી મળી આવ્યો.

જો કે, હત્યારાઓની હજુ સુધી ઓળખ થઈ શકી નથી એવી માહિતી સામે આવી છે. યુવક 20 વર્ષનો હતો અને મીડિયા રિપોર્ટ્સ અનુસાર વિદ્યાર્થીની લાશ કેમ્પસની અંદરના જંગલમાંથી મળી આવી હોવાથી અનેક સવાલો ઊભા થયા છે. એવું કહેવાય છે કે હુમલાખોરોએ પૈસા અને લેપટોપ માટે અભિજીતની હત્યા કરી હશે કાંતો પછી એવી શક્યતાને પણ ન નકારી શકાય કે અભિજીતની અન્ય વિદ્યાર્થીઓ સાથે કોઈ બાબતે બોલાચાલી થઈ હશે અને ગુસ્સામાં આવી કોઇએ તેની હત્યા કરી દીધી હશે.

File Pic

અભિજીતના માતા-પિતાના નામ પરુચુરી ચક્રધર અને શ્રીલક્ષ્મી બોરુના છે. તેના માતા-પિતાનું કહેવું છે કે 11 માર્ચે યુનિવર્સિટીના કેમ્પસમાં પુત્રની અજાણ્યા લોકોએ હત્યા કરી દીધી અને મૃતદેહ જંગલમાં એક કારમાં છોડીને ભાગી ગયા હતા. પરંતુ અહેવાલો અનુસાર, હાલ કોઇ ગડબડી હોવાનું તપાસમાં સામે આવ્યુ નથી. અભિજિત તેના માતા-પિતાનો એકમાત્ર પુત્ર હતો.

પહેલા તો પરિવાર તેને અમેરિકા મોકલવા માગતો નહોતો. પરંતુ અભિજિતે પોતાના ભવિષ્ય માટે અમેરિકા જઈ ડિગ્રી મેળવવાનો નિર્ણય લીધો હતો. પછી પરિવારે પણ દીકરાને વિદેશ મોકલ્યો હતો. જો કે, હવે દીકરાના મોત બાદ પરિવાર ઘેરા આઘાતમાં છે.

Shah Jina