નિરાધાર બાળકનો કેસ ગણતરીના કલાકોમાં ઉકેલી દેનાર ગુજરાતના આ જાબાંઝ પોલીસ ઓફિસરો અગાઉ પણ કરી ચુક્યા છે એવા કામ, વાંચીને કરશો સલામ

ગાંધીનગરના પેથાપુરની અંદર રાત્રીના અંધારામાં માસુમ બાળકને છોડીને ચાલી જનાર વ્યક્તિની શોધ ગણતરીના કલાકોમાં જ થઇ ગઈ, આ કેસ ઉપર ગૃહ મંત્રી હર્ષ સંઘવી સીધી નજર રાખી રહ્યા હતા ત્યારે કેસને ઉકેલવામાં સૌથી મોટો ફાળો ગાંધીનગર રેન્જ આઇજી અભય ચુડાસમા અને ગાંધીનગર એસપી મયુર ચાવડાનો રહ્યો છે.

અભય ચુડાસમા અને મયુર ચાવડાની જોડી આ પહેલા પણ ઘણા કુખ્યાત આરોપીઓના દાંત ખાટા કરી ચુકી છે. આ બંને ભલે દેખાવમાં શાંત લાગતા હોય પરંતુ જયારે એક્શન મોડમાં આવે છે ત્યારે ભલભલા આરોપીઓ અને આતંકવાદીઓ પણ થરથર કંપવા લાગી જાય છે. આ જોડી અગાઉ પણ એવા કારનામા કરી ચુકી છે.

આ અગાઉ બંન્ને અધિકારીઓ વર્ષ 2008ના અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો ઉકેલ લાવ્યા હતા. અમદાવાદના આ બૉમ્બ બ્લાસ્ટે ગુજરાત સમેત આખા દેશને ઝગઝોરી દીધું હતું. ત્યારે આ જોડીએ માત્ર 19 દિવસમાં અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસ ઉકેલી નાખ્યો હતો. એટલું જ નહીં તેમને મુફ્તી અબુ બશીરને ઝડપી લઇને સમગ્ર ગુજરાતના સ્લીપર સેલના નેટવર્કને ભાંગી નાખ્યું હતું.

તે સમયના એક ઉચ્ચ પોલીસ અધિકારીએ આ બંન્નેની કાબેલિયતના વખાણ કરતા કહ્યું હતું કે, “આ કેસ ડિટેક્શન ભારતીય પોલીસ ઇતિહાસનું સૌથી મોટુ ડિટેક્શન છે. આ ડિટેક્શન બાદ ન માત્ર સમગ્ર ભારતમાં સ્લિપર સેલનું નેટવર્ક ભાંગી પડ્યું છે પરંતુ સિરિયલ બ્લાસ્ટની આખી પેટર્ન જ દેશમાંથી ખતમ થઇ ગઇ છે. ત્યાર બાદ કોઇ સિરિયલ બ્લાસ્ટ થયાની ઘટના સામે આવી નથી. આ તમામ શ્રેય અભય ચુડાસમા, મયુર ચાવડા અને ક્રાઇમબ્રાંચને જાય છે.”

આ બૉમ્બ બ્લાસ્ટ કેસમાં મુફ્તી અબુ બશીરની ધરપકડ બાદ ન માત્ર અમદાવાદ બ્લાસ્ટ પરંતુ સમગ્ર દેશમાં થયેલા અનેક બ્લાસ્ટના ખુલાસા થયા હતા. જેની નોંધ અનેક રાજ્યોની પોલીસ, સ્થાનિક સરકારો, કેન્દ્રીય એજન્સીઓ અને ગુપ્તચર શાખાઓએ પણ લીધી હતી. ત્યાર બાદ ભટકલ બંધુઓની ધરપકડ કરવામાં પણ સફળતા મળી હતી.
(સૌજન્ય: ઝી ન્યુઝ ગુજરાતી)

Niraj Patel