નાના હતા ત્યારે ઢીંગલા-ઢીંગલીનાં લગ્ન કરાવતા આપણે, એ ખ્યાલ તો બહુ મોડેથી આવ્યો કે લગ્ન એ તો જીવનસાગરને પાર કરવા માટેની જરૂરી નૌકા છે! આ સમંદર પાર કરવા માટે એક ખલાસી અપૂરતો છે અને માટે જ લગ્નની જરૂર છે. વિવિધ ધર્મોમાં લગ્નની રસમો અલગ-અલગ હોય છે.

આજે આપણે જાણીશું શીખ ધર્મમાં લગ્નની એવી રસમો વિશે, જેના વિશે તમે કદાચ બિલકુલ અજાણ હશો. શીખ લોકોમાં લગ્ન વખતે થતી અમુક વિધિઓ વિશે આજે પણ લોકોને જાણવાની ઉત્સુકતા હોય છે. તો ચાલો અહીં એ માહિતી આપેલી જ છે :
હિન્દુ ધર્મની જેમ શીખ ધર્મમાં પણ લગ્ન એ બે આત્માઓનું મિલન જ છે. શીખોના ધર્મગ્રંથ ગુરૂગ્રંથ સાહિબનાં સાંનિધ્યમાં લગ્નની વિધિઓ કરવામાં આવે છે. આપણે ત્યાં જેમ લગ્નપ્રસંગોમાં પહેલા અને હવે વચ્ચે એક પ્રકારનો ચોખ્ખો તફાવત જોઈ શકાય છે તેમ શીખોમાં પણ છે. પહેલા શીખ યુવતીઓ લગ્ન સમયે પટિયાલા સુટ પહેરતી તો હવે નવા ટ્રેન્ડ મુજબની ફેશનનાં કપડાં પહેરતી જોવા મળે છે. શીખોમાં લગ્નને ‘આનંદ કરાજ’ પણ કહેવામાં આવે છે, જેનો અર્થ આનંદિત એકજૂથતા થાય છે. એ પણ જાણી લો કે, શીખધર્મ સનાતન હિન્દુ ધર્મની જ એક શાખા છે.

સબંધ નક્કી થયા પહેલાની રસમ
સગાઈ પહેલાની આ રસમને ‘રોકા’ અથવા ‘થાકા’ કહેવામાં આવે છે. આ પ્રસંગે દુલ્હનના પિતા વરના કપાળે તિલક કરે છે અને તેને ભેટસોગાદો આપે છે. એ જ રીતે, વરની માતા દુલ્હનને તિલક કરીને શુભ શકુન કરે છે અને ભેટ અર્પે છે.
સગાઈ
શીખોની સગાઈ જોવા જેવી હોય છે. આપણે ત્યાં થતી વીંટી પહેરાવવાની વિધિ તો અહીં પણ થાય છે. ભાવિ વર-કન્યા એકબીજાને વીંટી પહેરાવે છે. પણ એ પછી થતી ‘કુરમાઈ’ નામની રસમ એકદમ અલગ છે. શીખ ધર્મગુરૂઓ પ્રાર્થના બોલે છે. કન્યાના પિતા વરને કડું, કિરપાણ (તલવાર), કંગા (પાઘડીમાં રખાતો કાંસકો) અને પ્રાર્થનાનું એક પવિત્ર પુસ્તક આપે છે. કડું, કિરપાણ અને કંગા શીખધર્મના પવિત્ર પાંચ પત્રિકોમાં આવે છે. એ ઉપરાંત, કન્યાના પિતા વરની ગરદન પર સ્ફાર્ફ જેવું કપડું પણ મૂકે છે અને હાથમાં ખારેક આપે છે.

ચુંદડીનો પ્રસંગ
આ પ્રસંગે વરની માતા કન્યાને ચુંદડી ઓઢાડે છે અને ઘરેણાં-બંગડીઓ પણ પહેરાવે છે. વરના પિતા દુલ્હનના ખોળામાં ફળફળાદિ મૂકે છે.
મહેંદી મૂકવાની રસમ
આ રસમ લગ્નના અગાઉના દિવસે કરવામાં આવે છે. કન્યાના હાથ પર મૂકાતી મહેંદીમાં એક વિશિષ્ટ વાત એ છે, કે મહેંદીમાં છૂપી રીતે વરરાજાનું નામ પણ લખવામાં આવ્યું હોય છે. લગ્નની પહેલી રાતે વરરાજાએ કન્યાના હાથમાંથી તે શોધી બતાવવાનું હોય છે!
લગ્નના દિવસની પહેલી વિધિ
દુલ્હનના મામા ચૂડલો લાવે છે. દુલ્હનને તે પહેરાવવામાં આવે છે. પણ તે પહેલાં આ ચૂડલાને દૂધ અને ગુલાબની પાંખડીઓનાં મિશ્રણમાં રાખવામાં આવે છે. આ વિધિ ધર્મગુરૂઓની હાજરીમાં થાય છે. લગ્નના દિવસની આ પ્રથમ વિધિ છે. ચૂડલીઓ પર દુલ્હનની બહેન દ્વારા કલીરસ (ઝૂમખાં, લટકણિયાં) લગાવવામાં આવે છે.

સોળ શ્રૃંગાર
‘મૈયા’ કહેવાતી રસમમાં વરનો પરીવાર દુલ્હન માટે આભૂષણો લાવે છે. દુલ્હનને બાજઠ પર બેસાડીને વાળમાં તેલ નાખવામાં આવે છે. પરંપરાગત લગ્નગીતો ગવાતાં હોય છે એમાં આ પ્રસંગ દીપી ઉઠે છે. આની પહેલાની એક વિધિમાં ગુરૂ કન્યાના ઉલ્ટા હાથ અને પગમાં લાલ ધાગો બાંધે છે, જે કન્યાને ખોટી નજરવાળા લોકોથી બચાવે છે.
પીઠી ચોળવી
પીઠી ચોળવાની રસમને શીખોમાં ‘વત્ના’ તરીકે ઓળખવામાં આવે છે. વત્નામાં સાત સૌભાગ્યવતી સ્ત્રીઓ કન્યાને પીઠી ચોળે છે અને ગળ્યું ધાન(ચોખા) ખવરાવી મોં મીઠું કરાવે છે.
ઘરોલી
કન્યાની ભાભી માટીના વાસણમાં નજીકના ગુરૂદ્વારામાંથી પવિત્ર જળ લાવે છે અને તેનાથી કન્યાને સ્નાન કરાવવામાં આવે છે. માટીના વાસણને ‘ઘરોલી’ કહેવામાં આવે છે, આથી આ રસમ પણ ‘ઘરોલી’ તરીકે ઓળખાય છે.

વધૂનો પોશાક
લગ્નમાં દુલ્હન લાલ કે ગુલાબી રંગનો પંજાબી પટિયાલા પોશાક પહેરે છે. અલબત્ત, આજના નવતર જમાનામાં લેંઘો પણ પહેરવામાં આવે છે. આ ઉપરાંત ચૂડલો, નેકલેસ, અન્ય આભૂષણો અને સેંથોમાં ભરેલ સિંદૂરથી કન્યા શોભી ઉઠે છે.
વરરાજાનું પોંખણું
શીખો આ પ્રસંગને ‘મિલની’ કહે છે. ગુરૂદ્વારામાં કન્યાના પરિવાર દ્વારા વરરાજાનું ભેટસોગાદો અને ફૂલહારોથી સ્વાગત કરવામાં આવે છે. આ પ્રસંગમાં પુરુષોની હાજરી વધારે હોય છે.

કન્યા પધરાવો સાવધાન!
બંને બાજુએથી ભાઈઓ દ્વારા પકડેલી ફૂલોની ચાદરની નીચે બહેનની સાથે આવતી કન્યા આ પ્રસંગે પવિત્ર તેજથી દેદિપ્યમાન લાગતી હોય છે. આ પ્રસંગનો ભભકો નિરાળો છે. બહેન તેમને વરરાજા પાસે દોરી જાય છે.
આનંદ કરજ
લગ્નની આ મુખ્ય વિધિ છે. શીખોમાં આનંદ કરજને અત્યંત પવિત્ર વિધિ માનવામાં આવે છે. વર-કન્યા એકબીજાની નજીક બેસે છે. મોં ગુરૂગ્રંથ સાહિબની તરફ રહે છે. વાહેગુરૂને અરદાસ આપવામાં આવે છે. વરકન્યાને લગ્ન પછી સંસારમાં તમારી શું જવાબદારીઓ છે અને કેવા સિધ્ધાંતો સાથે તમારે એનું પાલન કરવાનું છે એની શિખામણ આપવામાં આવે છે. એ પછી વર-કન્યા ઝૂકે છે. વરના માથા પર કન્યાના પિતા દ્વારા કેસરીયો સ્કાર્ફ મૂકવામાં આવે છે, જેનો બીજો છેડો કન્યાના હાથમાં રહેલો હોય છે.

મંગળફેરા
આ રસમમાં ગુરૂગ્રંથ સાહિબની આસપાસ વર-કન્યા ફેરા ફરે છે. આ સમયે ચાર પવિત્ર પ્રાર્થનાઓ બોલવામાં આવે છે, જેને ‘લાવન ફેરા’ કહેવામાં આવે છે. ઈશ્વર, પતિ-પત્નીનો સ્નેહ અને સંસારમાં એમનાં કર્તવ્યો જેવી બાબતો આ પ્રાર્થનાઓમાં સમાયેલી છે.
કન્યાવિદાયનો પ્રસંગ
કન્યાની વિદાય તો દુનિયાના દરેક ધર્મમાં માત્રને માત્ર કરૂણરસથી જ ભરેલો પ્રસંગ છે. અહીઁ બીજા કોઈ રસને સ્થાન નથી. એ ધર્મ પછી ગમે તે હોય, દીકરી જાય એટલે ઘરનો દીવડો જાય! શીખધર્મમાં લગ્નની રસમો પૂરી થઈ ગયા બાદ કન્યા પોતાના સસરાનાં ઘર દ્વારા મળેલો પોશાક પહેરે છે અને પિયરને અલવિદા કહે છે.
#Throwback pic.twitter.com/3PtTwF6OvV
— Tik Tok Tik Tok (@0__1) February 24, 2019
આશા છે, કે નવીનત્તમ જાણકારીયુક્ત આ આર્ટિકલ તમને ચોક્કસ પસંદ પડ્યો હશે. લેખની લીંક આપના મિત્રો સાથે પણ શેર કરશો એવી અપેક્ષા, ધન્યવાદ!
Author: કૌશલ બારડ GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.