કૌશલ બારડ પ્રેરણાત્મક રસપ્રદ વાતો લેખકની કલમે

“આવા કઢીસટ્ટાઓએ જ દેશનું નખ્ખોદ કાઢ્યું છે!” – વિચારવાને મજબૂર કરે એવો પ્રસંગ વાંચો

લોકજીભે બોલાતી આવતી એક જાણીતી વાત છે. સમજવા જેવી છે, વીતેલી અને વર્તમાન સ્થિતીને મૂલવવા માટે ઉપયોગી થઈ પડે એવી છે :

પૂનમનો ચંદ્રમા આકાશમાં સોળે કળાએ ખીલી ઉઠ્યો છે. એનાં ધોળા દૂધ જેવાં તેજમાં તારલીયાઓના તેજની આજે કોઈ વિસાત નથી. એ વખતે એક રાજા પોતાના દરબારગઢની મેડી ઉપર ૧૫ દરબારીઓ સાથે બેઠા છે. અલકમલકની વાતો જામી છે.

Image Source

રાજાની નજર ચંદ્ર પર નોંધાણી અને એણે કહ્યું, “મને આજ ચાંદામાં રામાપીર દેખાય છે!”

મહારાજે આટલું કહ્યું ત્યાં તો એક પછી એક ‘હજૂરીયા’ દરબારીઓ બોલવા માંડ્યા :

“અરે હા, બાપુ! ચોખ્ખા રામદેવજી મહારાજ જ છે.” એક જણે રાજાની વાતમાં ટાપસી પૂરાવી.

બીજો પણ કેમ મોકો ચૂકે? “આ રહ્યો લીલો ઘોડો અને નેજો…રામદેવપીર જ છે હો મહારાજ!”

“હા…એ ઘોડાનાં ડાબલાં પણ આછાં-આછાં દેખાય છે. અદ્ભુત કહેવાય મહારાજ તમારી નજરને! એકદમ રામાપીર જ ભાસે છે.”

Image Source

આમ, ૧૪ જણે મહારાજાની વાતને વધાવી લીધી. મૂળ વાતને પણ વધારીને રાજાની વાતને સત્ય ઠરાવતા હોઁકારા કર્યા. પણ એક જણ કશું બોલ્યો નહી. એ બેસી રહ્યો.

રાજાએ પૂછ્યું, “તું કેમ ચૂપ છે? તને રામદેવપીર દેખાય છે?”

“ના બાપુ! મને ચંદ્રમામાં કાળાં ધાબા સિવાય કંઈ નથી દેખાતું.” એ યુવાન દરબારીએ જવાબ આપ્યો.

બીજા દરબારીઓ એના પર રીતસર તૂટી પડ્યા : “મહારાજને દેખાય છે, અમને ૧૪ જણાને દેખાય છે અને એક તને નથી દેખાતા? કોણે ભરતી કરી લીધો લ્યા તને?”

“ડફોળ! આંખો છે કે રંતાધળો છે? દીવા જેવું ચોખ્ખું દેખાય છે એ ભાળી નથી શકતો?”

“આનો બાપ પણ આના જેવો મૂર્ખો જ હતો. બિલકુલ એની પર ગયો છે આ…”

Image Source

છેલ્લી બાપ ઉપરની ટિપ્પણી એ જુવાન દરબારીથી સહન ના થઈ. કેડે બાંધેલા નોકરીના પટ્ટાને છોડીને એણે ઘા કરી દીધો અને મહારાજને કહ્યું,

“બાપુ! આ લ્યો તમારી નોકરી. જે દિ’ મારું પેટ નહી ભરાય તે દિવસે ફોડી નાખીશ બાકી તમારા આ છાપલૂચીયા પાસવાનોની ગાળ સાંભળવાને મેં નોકરી નથી લીધી. હું એક વાર નહી, હજાર વાર કહું છું કે મને ચાંદામાં રામાપીર નથી દેખાતા, નથી દેખાતા ને નથી દેખાતા!”

Image Source

“જુવાન!” રાજાએ કહ્યું, “તારો પટ્ટો બાંધી લે અને આ ૧૪ જણાના પટ્ટા છોડી નાખ! આવા કઢીસટ્ટાઓએ જ અમારું નખ્ખોદ કાઢ્યું છે!”
Author: કૌશલ બારડ GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.