બોલિવૂડ એક્ટર બોબી દેઓલ ભલે ફિલ્મી પડદા પર દર્શકોને વધારે પ્રભાવિત ન કરી શક્યો હોય, પરંતુ તેની વેબ સીરિઝ ‘આશ્રમ’ એ ચોક્કસપણે OTT પ્લેટફોર્મ પર ધૂમ મચાવી દીધી છે. ‘આશ્રમ’ની બીજી સીઝને પણ દર્શકોનું ઘણું મનોરંજન કર્યું છે અને હવે ચાહકો આતુરતાથી ‘આશ્રમ સીઝન 3’ની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે ગઇકાલના રોજ બોબી દેઓલે આશ્રમ 3નું મોશન પોસ્ટર રીલિઝ કર્યુ હતુ અને તે બાદ તેણે 13 મેના રોજ ટ્રેલર રીલીઝ થવાનું છે તેની જાહેરાત પણ કરી હતી. ત્યારે હવે આજે આશ્રમ 3નું ટ્રેલર રીલિઝ કરી દેવામાં આવ્યુ છે.
કાશીપુરના બાબા ફરી એકવાર પોતાની ડરામણી સ્ટાઈલથી ચાહકોને ચોંકાવી રહ્યા છે. બોબી દેઓલની મચઅવેટેડ સીરિઝ આશ્રમ 3નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ જોઈને લાગે છે કે આ સીઝન પણ અન્ય બે ભાગની જેમ ફેન્સની ફેવરિટ બનવાની છે. આ સિરીઝ 3 જૂને રિલીઝ થશે. સિઝન 3માં બાબા નિરાલાના નવા કાર્યોનું કાળું સત્ય બહાર આવશે. ઘણા રસપ્રદ ટ્વિસ્ટ સાથે આ સીરીઝ ચાહકોને ફરીથી આશ્ચર્યચકિત કરશે. આ વખતે બોબી દેઓલની સિરીઝમાં ચાહકોને અભિનેત્રી ઇશા ગુપ્તા પણ જોવા મળશે.
આ સિરીઝ અંધશ્રદ્ધા, રાજકારણ, બળાત્કાર અને ડ્રગ્સની આસપાસ ફરે છે. તેની પ્રથમ સિઝન 2020માં આવી હતી. આ સીરીઝે બોબી દેઓલની ડૂબેલી કારકિર્દીને નવી ઉડાન આપી. બંને સિઝનને લોકોએ ભરપૂર પ્રેમ આપ્યો છે. આશ્રમની તમામ સિઝનનું નિર્દેશન જાણીતા દિગ્દર્શક પ્રકાશ ઝા દ્વારા કરવામાં આવ્યું છે. સીરીઝમાં બોબી દેઓલ ઉપરાંત ત્રિધા ચૌધરી, ચંદન રોય, દર્શન કુમાર જેવા સ્ટાર્સ જોવા મળ્યા છે. આશ્રમ 3માં બદલાની વાર્તા, બાબા નિરાલાની ભગવાન બનવાની સફર બતાવવામાં આવશે.
બાબા નિરાલા હવે એક નવી દુનિયા બનાવવાના છે. તેઓ ભગવાન નિરાલા બનવાના સપના જોઈ રહ્યા છે. બાબામાંથી ભગવાન બનવાના માર્ગમાં અનેક અવરોધો આવશે, જે સિરીઝ રિલીઝ થયા બાદ જ ખબર પડશે.બાબા નિરાલાના રોલમાં બોબી દેઓલને જોવો એ ચાહકો માટે મોટી ટ્રીટ છે. આશ્રમની ત્રીજી સીઝન માટે ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે. આ સીરીઝ OTT પ્લેટફોર્મ MX પ્લેયર પર સ્ટ્રીમ થશે. પ્રકાશ ઝાની આ વેબ સિરીઝ ઘણી વિવાદોમાં રહી છે. ઓક્ટોબર 2021માં, બજરંગ દળના લોકોએ આ સીરીઝને નિશાન બનાવીને સેટની તોડફોડ કરી હતી.
પ્રકાશ ઝા પર હિન્દુઓ અને આશ્રમ વ્યવસ્થાને બદનામ કરવાનો આરોપ હતો. ‘આશ્રમ 3’ના 2.17 મિનિટના ટ્રેલરે રિલીઝ થતાની સાથે જ આગ લગાવી દીધી છે. દરેક લોકો આ ટ્રેલર જોઈ રહ્યા છે અને દમદાર ડાયલોગ્સથી લઈને એક્ટિંગના વખાણ કરી રહ્યા છે. છેલ્લી બે સીઝનની જેમ આ વખતે પણ બાબા નિરાલા પોતાના પૂરા ગૌરવમાં પરત ફર્યા છે. પરંતુ બાબા નિરાલા સિવાય જો કોઈ આ વેબ સિરીઝમાં ચાહકોનું ધ્યાન ખેંચવામાં સફળ થયું છે, તો તે ઇશા ગુપ્તા છે. આખા ટ્રેલરમાં લગભગ 6 વખત ઇશા ગુપ્તાની ઝલક જોવા મળી હતી.
આવી સ્થિતિમાં, તમે સમજી શકો છો કે આ વેબ સિરીઝમાં ઇશા ગુપ્તાનો રોલ પણ ખૂબ જ જોરદાર જોવા મળવાનો છે. આ ટ્રેલરમાં ઇશા ગુપ્તાના કેટલાક ડાયલોગ્સ પણ છે જે આ ટ્રેલરને વધુ શાનદાર બનાવી રહ્યા છે. જે ડાયલોગ હાલ વધારે ચર્ચામા છે તે છે ‘બાબા જી કી સદાય જય હો, હું તમારી અંદરના ભગવાનને આખી દુનિયાની સામે બહાર કાઢીશ.’ આ ટ્રેલર જોઈને એટલું તો સ્પષ્ટ થાય છે કે આ વખતે બાબા નિરાલા સંપૂર્ણપણે ભયમુક્ત છે.
ખાસ વાત એ છે કે ટ્રેલરમાં એક જગ્યાએ બોબી દેઓલ બાબાના ચોલામાં પોતાને સંપૂર્ણપણે ભયમુક્ત ગણાવતો જોવા મળ્યો હતો. આ ટ્રેલરે ચાહકોની ઉત્તેજના વધુ વધારી દીધી છે. આ જોયા પછી તમે પણ કહેશો કે આ વખતે પણ રાજનીતિથી લઈને બાબાના કુખ્યાત આશ્રમ સુધીની સીરિઝમાં રોમાન્સનો જબરદસ્ત જલવો જોવા મળશે. જેમાં ઇશા ગુપ્તા બાબા નિરાલાનો સાથ આપશે.