લેખકની કલમે

“આંધળી મા ની આંખો…” – પોતાના સંતાનને આંખો આપી આખી જિંદગી અંધાપો ભોગવી રહેલ માતાની વ્યથા !! ખૂબ જ કરૂણ કહાની છે વાંચશો તો હૃદયના એક ખૂણે ડૂસકું જરૂર ભરાઈ જશે !!

“આંધળી મા ની આંખો…”

“કુરબાની તેં મા લાખ દીધી, જીવનપથમાં મારા.
ઇશ્વરથીયે અધિક છે મા, કોટી ઉપકારો તારા.
મારી ભૂલોને માફ કરે, વિશાળતા તારી ખૂબ,
મારી ઉપર સદા વરસાવે છે, તું આશિષ ધારા…”
– અલ્કેશ ચાવડા ‘અનુરાગ’

ભરયુવાનીમાં માત્ર ને માત્ર પોતાના એકના એક દીકરાના સહારે રંડાપો ગાળનાર પોતાના વિધવાપણા નું દુઃખ પણ પચાવી જનાર એ આંધળી મા આજે પોતાના દીકરાના ઘરના એક ખૂણે જીવન જીવી રહી છે એમ નહિ પણ દીકરાના અને વહુના મેંણા ટોણા સાંભળતી અને દિવસમાં ન જાણે કેટલીય વખત અપમાનિત થતી જીવતરને ઝેર નો કડવો ઘૂંટ સમજી પી રહી હતી. એ મા ને વહુ તરફથી થતા અપમાનનું એટલું બધું દુઃખ ન હતું કારણ એતો પારકી જણી હતી પણ જ્યારે જ્યારે એનો સગો દીકરો એનું અપમાન અને અવગણના કરતો ત્યારે તો એ મા ની દુઃખની કોઈ સીમા ન રહેતી…
હજી સવારના પહોરમાજ ઘરમાં દીકરા અને એની વહુ દ્વારા થયેલું એનું અપમાન એ મા આજે તો બપોર થવા છતાં ભૂલી શકી ન હતી. આમતો એનું અપમાન થવું એમાં કશું નવું ન હતું એ રોજનો ક્રમ બની ગયો હતો પણ આજે જે બાબતને લઈને દીકરો એની સામે બોલ્યો હતો એતો એ કમભાગી મા માટે સહન કરવાની સીમા થી બહાર હતું.
સવારમાં ઉઠી એ આંધળી મા જેવી પોતાના નાનકડા રૂમમાંથી બહાર દિવાનખંડ માં આવી કે ટેબલ પર પડેલ પાણીનો ગ્લાસ અજાણતા અને આંખોથી ન દેખાવાના કારણે દીકરાની ટેબલ પર પડેલી કેટલીક ફાઈલો પર ઢોળાઈ ગયો અને ફાઈલો પલળી ગઈ. બસ એ મા ના આટલાજ અજાણતા થયેલા દોષના લીધે દીકરો જે ઉગ્ર શબ્દો એને બોલ્યો હતો એ સાંભળી એમ થાય કે એનાથી તો દુશ્મન સારા કારણ દુશ્મનથી સ્નેહની કોઈ અપેક્ષા તો નથી હોતી ને !!!
પાણીનો ગ્લાસ ફાઈલો પર ઢોળાઈ જતા દીકરાએ મા ને સંભળાવી દીધું હતું કે…
“શુ જરૂર હોય છે તારે આમ ઘરમાં જ્યાં ત્યાં ફાંફા મારવાની. શાની માની ઘરમાં એક ખૂણામાં બેસી નથી રહેતી. ક્યાંય તારા જીવને જમ્પ કેમ નથી. ખબર છે કે તું આંધળી છે છતાં આખો દિવસ જંપીને બેસતી નથી. આજે પાણીથી મારી ફાઈલો ખરાબ કરી નાખી તને ખબર છે ઓફીસ ની કેટલી ઉપયોગી ફાઈલો હતી. આજે ફાઈલો બગાડી છે શું ખબર આગળ જતાં ઘરમાં તું શું નું શુ નુકશાન કરીશ !!! ”
અને પતિના સુરમાં સુર પુરાવતી એ આંધળા માજીની પુત્રવધુ પણ ઉગ્ર શબ્દોમાં બોલી ઉઠી કે…

“આતો અમે સારા છીએ કે તમને આ ઘરમાં રહેવા દઈએ છીએ. આતો લોક લાજ અને સમાજની ટીકા ની બીકથી અમે તમને વૃદ્ધાશ્રમ ભેગા નથી કરતા પણ હવે દિવસે દિવસે તમે અમારા પર બોજ બનતા જાઓ છો…”
દીકરા અને વહુ ના સવારમાં કહેલા આવા શૂળ સમાન શબ્દો બપોર સુધી એ કમભાગી મા ના કાનમાં જાણે ગુંજી રહ્યા હતા. એ શબ્દોમાં દીકરા દ્વારા પોતાને આંધળી કહેલું અને વહુ દ્વારા પોતાને બોજ કહેલું એ શબ્દો તો જાણે એ આંધળા માજીના હૃદયમાં કાંટાની જેમ ખૂંચતા હતા. એ માજી અતિ વ્યથિત મને મનોમન પોતાના રૂમમાં એકાંતમાં બેસી જાણે દીકરાને કહી રહ્યા હતા કે…

“દીકરા તમે આજે મને બોજ ગણી રહ્યા છો પણ તને શું ખબર કે એકજ તારા કારણે મેં ભરયુવાનીમાં જીવતરનો બોજ કઈ રીતે સહન કરી તને કાબેલ બનાવ્યો છે. એકજ તારા લીધે તારા નાનકડા મુખ સામે જોઈ હું વૈધવ્યના દુઃખનું વિષ પણ પી ગઈ હતી… દિકરા ગર્ભમાં નવ નવ મહિના સુધી તારો બોજ જો મેં સહન ન કર્યો હોત તો આજે તારી હયાતી સંભવ હોત ખરી !!!”
બપોરથી સાંજ સુધી ખાધા પીધા વગર એ મા જાણે પોતાના નસીબને કોશતી રહી અને આંખોમાં આંસુ અંતરમાં અપાર વેદના સાથે પોતે દીકરા માટે આપેલ બલિદાન ને યાદ કરતી રહી. પોતાની નીતરતી આંખોને પોતાના સફેદ સાડલા ના છેડાથી લૂંછતા લૂંછતા એને યાદ આવી ગયો એ દિવસ જેની જાણ આજ સુધી માત્ર એ ડોકટર સિવાય એને કોઈને થવા દીધી ન હતી. એ આંધળી મા યાદ આવ્યો ભૂતકાળ કે જ્યારે એનો દિકરો માત્ર નવ વર્ષનો હતો.

મહેનત મજૂરી કરી બાપ વિનાના એ નાનકડા દીકરા ને લાડથી મોટો કરી રહેલી એ વિધવા મા નો દીકરો સપડાયો હતો ભયંકર તાવમાં સતત વિસ પચીસ દિવસ સુધી તાવમાં સપડાયી ગયેલા એ દીકરા ના શરીર પર તાવની એવી તો ગંભીર અસર થઈ હતી કે તાવના અને દવાના રીએક્શનના કારણે દીકરાની આંખોની જ્યોતિ સદા માટે ચાલી ગઈ હતી અને એ આંધળો ભીંત થઈ ગયેલો. ઘરમાં રૂપિયા પૈસા ન હોવા છતાં પણ દીકરાને ફરી દેખતો કરવા માટે પોતે કેટકેટલા દવાખાનાના પગથિયાં ઘસી નાખ્યા હતા. કેટકેટલી બાધાઓ માનતાઓ લીધી હતી પણ તેમ છતાં દિકરાની આંખો પાછી આવવાની એની આશા નિરાશા જ બની રહી હતી. અંતે હારી થાકી એને ડોક્ટરને કહેલું…
“સાહેબ, ગમે તે કરો પણ મારા દીકરાને દેખતો કરો. મારા ઘડપણ અને જીવનનો એજ એકમાત્ર સહારો છે. જો એ આમ આજીવન આંધળો રહેશે તો પછી ભવિષ્યમાં એને અને મેં એને મોટો માણસ બનાવવાના અમારા સપનાઓનું શુ થશે ? સાહેબ , મારા દીકરાની આંખો પાછી લાવી આપો… પાછી લાવી આપો…”

અને ડોકટરે જવાબમાં કહેલું કે…
“જુઓ બેન, દવા કે ઓપરેશન થી પણ તમારા દીકરાને હવે ફરી દેખતો કરી શકાશે નહીં. હવે એનો એકજ ઉપાય એ છે કે કોઈ એને પોતાની આંખો આપે…”

અને એક પણ સેકંડનો વિચાર કર્યા વિના પોતે પોતાની આંખો દીકરાને આપી દેવા તૈયાર થઈ ગઈ હતી. ડોકટરની આનાકાની છતાં પોતે ડોકટર ને કહેલું કે…
“સાહેબ, તમે ચિંતા ન કરો. ભલે હું આંધળી થઈ જાઉં પણ મારો દીકરો દુનિયાને ફરી વાર જોતો થશે તો એનાથી વધારે રાજીપો મારા માટે બીજો કયો હોઈ શકે. હું આંધળી બની જઇશ પણ મારો દીકરો મારી આંખો બનશે… મારો દીકરો આ આંધળી મા ની આંખો બનશે…”
અને પોતાની આંખો દીકરાને આપી આ વાત કોઈને ન જણાવવા નું કહી પોતે દીકરા માટે આજીવન અંધાપો વહોરી લીધો હતો…

એકાદ બે મિનિટ, પોતે દીકરા માટે આપેલ બલિદાન ની કહાની ના ભૂતકાળમાંથી એ માજી વર્તમાનમાં પાછા આવ્યા જ્યારે એને દિકરા અને વહુ ને વાત કરતા સાંભળ્યા કે…

“હવે સમાજનો ડર રાખ્યા વિના માજી ને આપણે વૃદ્ધાશ્રમ મોકલી જ દઈએ. એ પણ છૂટે અને આપણે પણ એમનાથી છૂટીએ…”
દીકરા વહુ નો આ વાર્તાલાપ જાણે એ આંધળી મા માટે જાણે મરણતોલ ફટકા સમાન હતો. એ મા હજી માનીજ શકતી ન હતી કે એનો સગો દીકરો એની સાથે આવું કરે !!!

અને એ રાત્રે છાતી પર દુઃખનો પથ્થર નહિ પણ જાણે આખો પહાડ પડ્યો હોય એટલા દુઃખના બોજથી એ આંધળી મા પોતાની પથારીમાં આડે પડખે થયા. દિકરા અને વહુ નો એમને આ ઘરથી દૂર કરવાનો નિર્ણય એ માજી માટે વિષ ના તિર સમાન સાબિત થયો અને એ અભાગણી આંધળી મા સદા માટે એ ઘરેથી વિદાય થઈ સ્વર્ગે સિધાવી ગઈ…
રીતરિવાજ મુજબ એ માજીના બેસણું રાખવામાં આવેલું અને એ માજીનો દીકરો સમાજમાં ઊંચું સ્ટેટ્સ ધરાવતો હોવાથી શહેર ના ઘણા નામાંકિત લોકો બેસણા માં આવેલા. હાજર રહેલા લોકોમાં એ ડોકટર પણ હતા કે જેમને વર્ષો પહેલા એની એ માજીની આંખો એ ભાઈને ફિટ કરવાનું ઓપરેશન કરેલું. એ દિવસે એ ડોક્ટરને લાગ્યું કે ભૂતકાળની એ મા ની કુરબાનીની વાત આજે એના દીકરાને કહી દેવી જોઈએ અને એ સમગ્ર વાત એ ડોકટરે એ આંધળી મા ના દીકરાને કહી સંભળાવી…

સંપૂર્ણ વાત સાંભળ્યા પછી એ દીકરાને અંદાજ આવી ગયો કે પોતે કેટલું મોટું પાપ કર્યું છે. આજે મનોમન એને જાણે જ્ઞાન થઇ આવ્યું કે જે મા એ માત્ર પોતાના માટે વૈધવ્ય નું વિષ પી લીધું, પોતાને દેખતો કરવા પોતે આજીવન અંધાપો ઓઢી લીધો એ મા પ્રત્યે પોતે કેટલું ક્રૂર વર્તન આચર્યું હતું. ઘડપણમાં જે મા નો સહારો બનવું જોઈએ એજ મા ની હાલત પોતે પશુ થી પણ બદતર કરી દીધી હતી.
આજે એને આંખોમાં પસ્તાવાના સાચા આંસુથી લાગી રહ્યું હતું કે…
“મારે તો મારી આંધળી મા ની આંખો બનવાનું હતું પણ હું રાક્ષસ થીએ હીન કૃત્ય કરી બેઠો…”
એ દીકરા પાસે હવે એની મા ન હતી, હતા તો માત્ર આંખોમાં પસ્તાવાના આંસુ…

● POINT :-
આવું કેમ બનતું હશે કે જીવનના હર પગથિયે સંતાનો માટે માત્ર માવતર જ કુરબાનીઓ આપે. જેમના વિના સંતાનની એટલે કે આપણી હયાતી સંભવ નથી એવા જીવનદાતા અને ઇશ્વરથીયે અધિક માતાપિતા ને આપણે એમના જીવનની ઢળતી સંધ્યાએ શા માટે કોઈ નકામી ‘વસ્તુ’ ગણી દૂર કરી દઈએ છીએ…
જરા વિચારીએ…

– અલ્કેશ ચાવડા ‘અનુરાગ’
Author: GujjuRocks Team

તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks