કૌશલ બારડ દિલધડક સ્ટોરી લેખકની કલમે

આજે લાખો દેતા પણ લગ્ન નથી થતાં ને ધૂળો 1 પૈસામાં વહુ લઈ આવ્યો!

અમુક વાતો એવી હોય છે, જે કોઈપણ ઉંમરે હોઠ પર હાસ્ય ફરકાવી જાય છે. અહીં પણ એક એવી જ વાત પ્રસ્તુત છે :

એક ગામડું ગામ. એમાં રહે એક ગરીબ ડોશી. ઘરમાં ખાવાને કોળીયો નહી ને ખર્ચી કરવાને પાવલી નહી! ડોશીને એક છોકરો. ધૂળો નામ એનું. ધૂળો જુવાન થયો, મૂછનો દોરો ફૂટ્યો. એક દિવસ છોકરો ડોશીને કહે, “મા! મારા લગ્ન કરાવી આપ તો મારી આવનાર પત્ની તને કામમાં મદદ કરે.”

Image Source

ડોશી કહે, “એટલા રૂપિયા હોત તો તો તને ક્યારનો પરણાવી દીધો હોત ને ભઈલા? ઘરમાં ખાવાનાં ફાંકાં છે એમાં તારા વિવાહનો ખર્ચો તો આપણું ભાંગલ ખોરડું વેંચવા છતાં પણ ન પૂરો થાય!”

છોકરો કહે, “વાંધો નહી! મને ખાલી એક પૈસો આપો. હું વહુ લેતો આવું!”

એક પૈસામાં તે વળી કોણ વહુ આપે? ડોશીને નવાઈ તો લાગી પણ એણે વધારે લપ કર્યા વગર કાપડાંની ખીસ્સીમાંથી એક પૈસો કાઢીને આપી દીધો.

Image Source

ધૂળો તો ઉપડ્યો. એક પૈસાના શેકેલા શણા લીધા અને નદી કિનારે જઈને બેઠો-બેઠો ખાવા લાગ્યો. બાજુમાં જ નગરનો ધોબી રાજાનાં કપડાં ધોતો હતો. એનો નાનો છોકરો પણ એની સાથે હતો. ધૂળાને ચણા ખાતો જોઈ ધોબીના છોકરાને પણ ભૂખ લાગી. એણે ધોબીને કંઈક ખાવાનું લઈ આપવા કહ્યું. ધૂળો કહે, “છોકરાને ભૂખ્યો થોડો રખાય? જાઓ, લઈ આવો બજારમાંથી નાસ્તો-પાણી. ત્યાં સુધી હું તમારા કપડાંનું ધ્યાન રાખું છું. મને તમારા દીકરા જેવો જ સમજો!”

“તારું નામ?” ધોબીએ પૂછ્યું.

“વંટોળિયો!” ધૂળાએ જવાબ દીધો.

Image Source

ધોબી અને એનો છોકરો ગયા. આ બાજુ ધૂળાએ કપડાંની ગાંસડી બાંધી અને નીકળી ગયો! ચાલતા-ચાલતા બીજા ગામનું પાદર આવ્યું. એક ગોવાળ પોતાની સાંઢડીઓ ચારતો હતો. ધૂળો ત્યાં જઈને બેઠો-બેઠો ચણા ખાવા લાગ્યો. ગોવાળને આ જોઈને ભૂખ લાગી. તેણે ધૂળા પાસે ચણા માંગ્યા. ધૂળો કહે,

“હવે આમાં ગણીને બે-ત્રણ ચણા બચ્યા છે. આટલામાં થોડું પેટ ભરાય? એના કરતા ગામની બજાર ક્યાં આઘી છે? જઈને લઈ આવો તમતમારે. ત્યાં સુધી હું તમારી સાંઢડીઓનું ધ્યાન રાખીશ. હું તમારા દીકરા જેવો જ નથી શું?”

ગોવાળે નામ પૂછ્યું, ધૂળો કહે : “મારું નામ ઊંટધણી!”

ગોવાળ ગયો એટલે ધૂળો ઉઠ્યો અને એક પાણીદાર સાંઢડી પર કપડાંની ગાંસડી મૂકીને સાંઢડી મારી મૂકી!

Image Source

રસ્તામાં એક ડોશી અને તેની જુવાન દીકરી જતા હતા. છોકરી ઘણી થાકેલી જણાતી હતી. ધૂળાએ ડોશીને કહ્યું,

“જોતા નથી આ છોકરી ચાલી-ચાલીને થાકી ગઈ છે? તમે કહેતા હો તો હું એને મારી સાંઢડી પર બેસાડીને તમારે ઘરે પહોંચાડી દઉં!”

ડોશીએ પૂછ્યું, “તું મારી દીકરીને મારે ગામ પહોંચાડી દઈશ? તારું નામ?”

ધૂળાએ જવાબ આપ્યો, “જમાઈ!”

કન્યાને સાંઢડી પર બેસાડીને ધૂળાએ સાંઢડી પોતાના ગામ ભણી દોડાવી. ઘરે આવીને પોતાની ઘરડી માતાને કહ્યું, “મા! જો હું એક પૈસામાં વહુ લઈ આવ્યો!”

ડોશી રાજી થઈ.

Image Source

પણ બીજી બાજુ

ધોબીએ નદીના ઘાટે આવીને જોયું તો કપડાં ન મળે! એણે દોડતા જઈને થાણેદારને ફરીયાદ કરી કે ચોર કપડાં ઉઠાવી ગયો! થાણેદારે પૂછ્યું, “કોણ હતો ચોર?”

“વંટોળિયો!” ધોબીએ જવાબ આપ્યો.

“ડફોળ! વંટોળિયો ફૂંકાયો ને તારાં કપડાં ઉડી ગયાં એમાં હું શું કરું? પવન ઉપર કાયદો લગાડવો છે તારે? નીકળ!”

ધોબી વીલે મોઢે પાછો ફર્યો.

સાંઢડીવાળો ગોવાળ બજારમાં પેટપૂજા કરીને પાછો ફર્યો તો પદમણી જેવી સાંઢડી ગાયબ! એને જઈને પોલીસ-થાણામાં ફરિયાદ નોંધાવી. થાણેદારે પૂછ્યું, “કોણ ચોરી ગયું તારી સાંઢડી?”

ગોવાળ કહે, “ઊંટધણી!”

થાણેદારનો મગજ હલી ગયો, “બોથડ! ઊંટનો ધણી(માલિક) સાંઢડી લઈ ગયો એટલે એ ચોર થઈ ગયો? એની સાંઢડી એ ન લઈ જાય તો કોણ લઈ જાય? આવાને આવા ચાલ્યા આવે છે…નાસી જા!”

ગોવાળ શું બોલે?

આ તરફ ડોશી પોતાને ઘેર ગઈ તો દીકરી ન મળે! ડોશીએ દોડી જઈને થાણામાં ધા નાખી, “સા’બ! મારી છોરીને કોઈ ઉઠાવી ગયું!”

Image Source

“કોણ હતો એ?” થાણેદારે સવાલ કર્યો.

“જમાઈ!”

“વાહ રે ડોશી વાહ! સાંઠે બુધ્ધિ નાઠી! તારી છોકરીને તારો જમાઈ ન લઈ જાય તો બીજું કોણ લઈ જાય? ચાલી જા!”

ડોશી પણ નીમાણું મોં કરીને પાછી ફરી.

ધૂળાનું ધમાકેદાર પર્ફોમન્સ સારું લાગ્યું હોય તો લીંક આપના મિત્રોને પણ શેર કરજો, ધન્યવાદ!
Author: કૌશલ બારડ GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.