ખબર

ગુજરાતનાં આ સ્થળ પરથી ડિઝાઇન કરાયો છે SBIનો લોગો!

અમુક ચીજો એવી હોય છે, જે હજારો વખત આંખ આગળ આવી હોય છે પણ તે વખતે આપણે તેની અંદર રહેલાં રહસ્યનો ખ્યાલ પણ નથી હોતો! ભારતની સૌથી મોટી અને સૌથી પ્રસિધ્ધ બેન્ક SBIનો લોગો તો સૌએ જોયો જ હશે. પણ કદી વિચાર કર્યો છે ખરો કે શા માટે આવો જ લોગો SBI એ પસંદ કર્યો? એની પાછળ કોઈ ખાસ કારણ ખરું?

હા, બહુ રસપ્રદ કારણ છે. આવો જાણીએ અહીં આ લોગોની બનાવટનો અને તેના આઇડિયાનો એકદમ રોચક ડેટા :

પહેલાંના લોગોની થઈ હતી નીંદા:

Image Source

આમ તો SBI ભારતની સૌથી જૂની બેન્ક છે. તેનો પાયો અંગ્રેજોના રાજમાં અને અંગ્રેજો દ્વારા જ છેક ૧૮૦૬માં નખાયો હતો. તે વખતે નામ ‘બેન્ક ઓફ કલકત્તા’ હતું, પછી ‘બેન્ક ઓફ બંગાળ’ થયું. પછી આ બેન્ક ૧૯૪૪માં ‘ઇમ્પીરીયલ બેન્ક ઓફ ઇન્ડીયા’માં મર્જ થઈ અને છેવટે ‘સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડીયા’ બની.

સને ૧૯૫૫માં SBIએ પોતાનો નવો લોગો ડિઝાઇન કર્યો, જેમાં વચ્ચે વડનું ઝાડ હતું. મતલબ એવો થતો કે, આ બેન્કનો પાયો વડલાના મૂળીયાં જેવો અડગ છે. તે કોઈ પણ મુશ્કેલીઓ સામે ટકી શકે છે. પણ લોકોની જીભે ક્યાં તાળાં દેવાય છે? વાતો વહેતી થઈ કે, જેમ વડલાની ઘનઘોર છાયામાં બીજાં ઝાડવાંને ઉગવાનો મોકો જ નથી મળતો તેમ SBIનું પણ છે!

હાલના લોગોની ડિઝાઇન:

Image Source

એ પછી ૧લી ઓક્ટોબર, ૧૯૭૧ના દિવસે SBIએ મુંબઈની તેની હેડ ઓફિસમાં નવો લોગો અપનાવ્યો, જે આજે પણ SBIની ઓળખ છે. લોગો બનાવનાર શેખર કામત હતા, જેઓ અમદાવાદની નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ડિઝાઇન સાથે જોડાયેલા હતા. તેમણે ડિઝાઇન કરેલો લોગો પણ અમદાવાદના જ એક ઐતિહાસિક બાંધકામ પરથી પ્રભાવિત હતો. એ બાંધકામ એટલે : કાંકરિયા તળાવ!

કાંકરિયા તળાવના સ્ટ્રક્ચરને અને સ્ટેટ બેન્કના લોગોને સરખાવી જૂઓ. બંનેમાં રહેલી સમાનતા ઉડીને આંખે વળગશે. કાંકરિયા લેકની મધ્યમાં નગીનાવાડી આવેલ છે અને ત્યાં સુધી જવાનો એક તરફી રસ્તો બાંધેલો છે, એ જ ડિઝાઇન SBIના લોગોમાં પણ જોવા મળે છે.

શું દર્શાવે છે SBIનો લોગો?:

ફરતું ગોળ વર્તુળ, વચ્ચે નાનું વર્તુળ અને નાના વર્તુળ સુધી પહોંચતી ત્રિજ્યા જેવી એક લાઇન એટલે SBIનો લોગો. આ મોટા રાઉન્ડની અંદર રહેલ નાનો રાઉન્ડ દર્શાવે છે, કે SBIની દેશભરમાં ફેલાયેલા વહીવટના કેન્દ્રમાં ગ્રાહક છે. વચ્ચે જે આડી લાઇન અને નાનું વર્તુળ મળીને ચાવી જેવી ડિઝાઇન બનાવે છે એ દર્શાવે છે કે બેન્ક તાળાં-ચાવી જેવી સુરક્ષિત છે. અહીં આવેલા પૈસા પાછાં એક જ રસ્તે મળે છે, અને તે ગ્રાહક પોતે લેવા આવે ત્યારે; આડી લાઇનનો મતલબ આવો પણ થાય છે.

કાંકરિયા તળાવ કોણે બનાવેલું?:

Image Source

અમદાવાદનું કાંકરિયા તળાવ તો બહુ જૂનું છે. ૧૪૫૧માં તેનું બાંધકામ પુરું થયેલું. કુતુબુદ્દીન અહેમદશાહ બીજાએ તેને બંધાવેલું. આથી તે ‘હોજ-એ-કુતુબ’ તરીકે ઓળખાતું. એ પછી ઘણીવાર એનાં બાંધકામમાં સુધારોવધારો થતો રહ્યો. ૨૦૦૮થી અહીં ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયામાં ‘કાંકરિયા કાર્નિવલ’ પણ યોજાય છે.

[ આશા છે તમને આ જાણકારી ગમી હશે. આપના મિત્રો સાથે પણ આ લીંક શેર કરજો. ધન્યવાદ! ]

Author: કૌશલ બારડ – GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks