હિન્દુ ધર્મમાં ગાયનું મહત્ત્વ સર્વોત્તમ છે. ગાયમાં ૩૩ કોટિ દેવતાનો વાસ છે એવું આપણાં ધર્મશાસ્ત્રોએ કહ્યું છે. એ હિસાબે આપણે ગાયને દેવતાઓની સમાન જ પૂજ્ય માનીએ છીએ. પણ આજે સ્થિતી શી છે તે આપણે સૌ જાણીએ છીએ. ‘ગરજ સરી ને વૈદ્ય વેરી’એ નાતે વસૂકેલી ગાયોને લોકો હરાયા ઢોરની જેમ છોડી મૂકે છે. તો બીજી તરફ અનેક યાત્રાધામો અને દાતાઓ ગૌશાળા ચલાવીને અનેક નિરાધાર ગાયોને આશરો અને ચારોપાણી આપે છે.

આપણે આજે અહીં વાત કરવી છે સુરેન્દ્રનગરની પાંચાળ ધરતી પર આવેલા એક મંદિરની ગાયની. ગાય બીજી ગાયોની જેમ નથી, એનામાં કશુંક અસામાન્ય છે. સામાન્ય ગાય સહિતના દરેક પાલતુ પ્રાણીને શિંગડાં બે હોય, આ ગાયને ત્રણ છે! બીજું આશ્વર્ય વધારે હેરતજનક છે : ગાય સહિતના લગભગ બધાં પ્રાણીને આંખ બે હોય, આ ગાયને આંખ પણ એક વધારે છે!
લોમેવધામની ‘ત્રિનેત્રી’ ગાય —

વાત છે સુરેન્દ્રનગર જીલ્લાના સાયલા તાલુકામાં આવેલ ધજાળા ગામની. અહીં ગેબીનાથ સંપ્રદાયના સંત શ્રીલોમબાપુનો વસાવટ હતો એટલે આજે તો ધજાળા ગામ લોકોમાં ‘લોમેવધામ’ તરીકે પ્રખ્યાત બની ચૂક્યું છે. અહીંનું વિશાળ મંદિર અને શાંત પરિસર યાત્રાળુઓને ખેંચી લાવે છે. મંદિરનું અને જગ્યાનું માહાત્મય ગુજરાત આખામાં પ્રસિધ્ધ છે. મુખ્યમંત્રીથી માંડીને સામાન્ય નાગરિક સુધીના લોકો અહીં ભાવિક બનીને આવે છે.

આ લોમેવધામ પાસે રહેલી ગાય ખાસ્સી આશ્વર્યજનક હક્કીકત છે. અગાઉ કહ્યું તેમ, ગાયને બે શિંગ છે અને કપાળની ઉપરની તરફ ત્રીજું પણ શિંગડું છે! બે આંખ છે અને કપાળમધ્યે સહેજ ડાબી બાજુ ત્રીજી આંખ પણ છે અને તે પણ અદ્દલ સાચી જ આંખ! લોકો આને ચમત્કાર માને છે અને તે સ્વાભાવિક છે. કદી આવું સાંભળ્યું કે ભાળ્યું નથી પણ અહીઁ ખરેખર છે. ત્રણ આંખને લીધે ઘઉંવર્ણી ગોરી ગાયને લોકો ‘ત્રિનેત્રી’ તરીકે ઓળખે છે.
ક્યાંથી આવી આ ગાય? —

નરબાવાના ચિલુભાઈ ઘાટભાઈ દરબાર પાસે આ ગાય હતી. એમણે કંઈક માનતા રાખેલી જે ફળીભૂત થાય તો ગાયને લોમેવધામને અર્પણ કરવાની. ઈશ્વરકૃપા અને માનતા ફળી એટલે ચિલુભાઈ દરબાર આ ગાય લોમેવધામમાં મૂકી ગયા. તે દિવસથી ગાય અહીં છે અને મંદિર આવતા લોકોમાં કૂતુહલતા જન્માવી રહી છે. લોકોની ભારી માત્રામાં ગાયમાતાના દર્શન કરવા પણ ભીડ જામે છે.
ગાયને પ્રતાપે ગામનો દિ’ ફર્યો —

લોમેવધામની ગાદીના હાલના મહંત પૂજ્ય શ્રીભરતબાપુ છે. તેઓ જણાવે છે, કે ગાયના આવવાથી શ્રધ્ધાળુઓની ભીડ વધી છે. ગામમાં પણ માતાની કૃપાથી જ સમૃધ્ધિ વધી છે. ધજાળા ગામ માટે આ ખરેખર ગૌરવની વાત છે.
ઉલ્લેખનીય છે, કે લોમેવધામ ધજાળામાં આવેલી લોમબાપુની આ જગ્યા યાત્રાળુઓ માટે શ્રધ્ધાનું કેન્દ્ર છે. લોમબાપુ નાથ સંપ્રદાયના ગુરૂ ગેબીનાથની પરંપરામાં થઈ ગયા છે. જેઓ પાંચાળની ધરતીના પ્રખ્યાત સંતો આપા જાદરા અને આપા મેપાના પુરોગામી છે.
[ આર્ટિકલ માહિતીપૂર્ણ અને રસપ્રદ લાગ્યો હોય તો લીંક આપના મિત્રો સાથે પણ શેર કરજો, ધન્યવાદ! ]
Author: કૌશલ બારડ – GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks