મુકેશ સોજીત્રા લેખકની કલમે

આ ડીવીડી ચોંટશે તો નહિ ને????!! ૧૯૯૦ નો એ દાયકો હતો..!! મનોરંજન માટેનો સુવર્ણયુગ સ્થાપિત થઇ ચુક્યો હતો. આમ તો તાલુકા પ્લેસનું સ્થળ હતું. એક જ લાઈનમાં પડખે પડખે ચાર દુકાનો હતી.

વાર્તા :- “આ ડીવીડી ચોંટે છે”

લેખક :- મુકેશ સોજીત્રા

“ હેલ્લો કોણ બોલો છો..?? ઓહ ભાણુભા મજામાં… જાજા દિવસે તમારો ફોન આવ્યો.. ઘણાં  દિવસથી વિચાર કરતો હતો કે ભાણુંભા ને ફોન કરવો છે.. પણ આ ફોનનું ડબલું હજુ કાલે જ રીપેર થયું છે અને આજ તમારો ફોન આવ્યો.. હા બોલો બોલો… શું કીધું… એમ..?? કાલે સવારે દસ વાગ્યે!! કોણ ગોહિલ સાહેબ આવવાના છે??? ઓકે કોઈ નવા આવ્યા છે એમ?? વાંધો નહિ!! હું આજે જ બધુ સંકેલી લઉં છું.. આવો તમતમારે કાલે દસ વાગ્યે…… અરે એ શું બોલ્યા.. તમે મને જાણ કરી એ મારી બાઈડી ને પણ ખબર ના પડે હો.. તમ તમારે મુંજાવમાં.. આ પેટમાં વાત જાય એ પછી સાત ભવેય બહાર નહિ નીકળે હો!! તમારો ખુબ ખુબ આભાર ભાણુભા.. હું તો એવો દેખાવ કરીશ કે તમનેય નથી ઓળખતો એમ!! તમ તમારે પધારો સાહેબ ને લઈને કાલે દસ વાગ્યે અને ઝપાટો બોલાવી દ્યો.. પછી હું નિરાંતે આવીને મળી જઈશ અને સમજી જઈશ!!” કિશોરે ફોનનું રીસીવર ક્રેડલ પર મુકતા કહ્યું.. એનો ચહેરો ચમકી રહ્યો હતો. મનમાં અપાર ખુશીના દીવડા સળગી રહ્યા હતા. એણે તરત જ સામે ઉભેલ કાદર ને હાંક મારી.

“કાદર એક સ્પેશ્યલ ચા આવવા દે… આદુ ડબલ નાંખજે.. અને હા છોકરાને કહી દે એક પાણીનો કળશ્યો મોકલી દે” આટલું કહીને એ બેસૂરી સિટીના સથવારે હિન્દી ફિલ્મનું ગીત ગણગણવા લાગ્યો.” એક દિન બીક જાયેગા માટીકે મોલ!! જગમે રહ જાયેંગે પ્યારે તેરે બોલ!! લાલા લાલાલા લાલાલા” કિશોરની આ ખાસિયત હતી કે જયારે એનું મન આનંદમાં હોય ત્યારે રાજકપૂરના ગીતો પોતાની બેસૂરી સિટીના સહારે લલકારવા માંડે!!

૧૯૯૦ નો એ દાયકો હતો..!! મનોરંજન માટેનો સુવર્ણયુગ સ્થાપિત થઇ ચુક્યો હતો. આમ તો તાલુકા પ્લેસનું સ્થળ હતું. એક જ લાઈનમાં પડખે પડખે ચાર દુકાનો હતી. બધી જ દુકાનોમાં સંગીત વેચાતું હતું.. કેસેટ નો અને ટેપ રેકોર્ડરનો યુગ આથમવાની તૈયારીમાં હતો.. સીડી, વીસીડી અને ડીવીડી નો જમાનો આવી રહ્યો હતો. એ વખતે વિસીપી અને વીસીઆર લક્ઝરી ગણાતી. આ ચારેય દુકાનોમાં વીસીઆર અને ડીવીડી ઓ ભાડે મળતી હતી..!! આમાં એક છેલ્લી દુકાન કિશોરની હતી!! દુકાનનું નામ હતું

“હર ભોલે મ્યુઝીક સેન્ટર” એક મોટા સાઈન બોર્ડ પર એક બાજુ વીસીઆર નું ચિત્ર અને બીજી બાજુ ડીવીડી અને વીસીડીના ફોટા હતા.. વચ્ચે લખ્યું હતું.

“અમારે ત્યાંથી દરેક ગુજરાતી, હિન્દી ,અંગ્રેજીની  ફિલ્મોની, ડાયરાની તેમજ લોક સંગીત , ભજનો , પ્રભાતિયાની  ડીવીડી વેચાતી તેમજ ભાડે મળશે. ઓરીજનલ કંપનીની તમામ પ્રકારની સીડી અને ડીવીડી મેળવવા માટેનું એક માત્ર પ્રાપ્તિ સ્થાન: ગ્રાહકનો સંતોષ એ જ અમારો નફો છે!! પ્રો .કિશોરકુમાર કારેલીયા… મેઈન બજાર સ્ટેશન રોડ!!!”

કિશોર કારેલીયા નાનપણથી સંગીતનો શોખ!! છેલ્લા છ માસથી જ એણે દુકાન શરુ કરી હતી. અગાઉ આ જ લાઈનમાં આવેલી પેલી દુકાન “ ભોલેનાથ મ્યુઝીક સેન્ટર” માં કામ કરતો હતો. ભોલેનાથ મ્યુજિક સેન્ટર ના માલિક બચુ ભાઈ સાથે એ લગભગ ચડ્ડી પહેરતોને ત્યારથી કામ કરતો. આ વીસીઆર અને વિસીપી તો બહુ મોડા આવ્યા એ પહેલા બચુભાઈ ગ્રામોફોન રેકર્ડ વેચતા. પછી કેસેટ વેચતા.. નાગપાલ અને મર્ફીના રેડિયો વેચતા. એમની પાસે વરસો પહેલાનું એક સાઉન્ડ સીસ્ટમ હતું. જે નવરાત્રી કે ભવાયા ના ખેલ હોય ત્યાં ભાડે આપતા.. આજથી વીસેક  વરસ પહેલા બચુંભાઈ એક અંતરિયાળ વિસ્તારમાં આવેલ ગામડામાં માઈક ભાડે લઈને ગયેલા.. ત્યાં આ દસ વરસનો કિશોર મળી આવેલ. ગામના સરપંચ પાસેથી જાણવા મળેલ કે છોકરા ના મા બાપ બને અવસાન પામ્યા છે. અને આ કિશોર ગામના કામ કરે અને પેટ ભરે છે અને બચું ભાઈને લાગી આવ્યું,તે પોતાની સાથે અહી લાવ્યા ને દુકાને બેસાર્યો. કિશોર બધું ઝપાટાબંધ શીખવા લાગ્યો. બચુભાઈનો ધંધો પણ સારો ચાલવા લાગ્યો. પછી તો ચોવીસેક વરસ થયા કિશોરના એટલે બચુભાઈએ પરણાવી પણ દીધો. કિશોરે પોતાનો ઘર સંસાર માંડ્યો. વરસ દિવસ પહેલા એને બચુભાઈ સાથે મતભેદ થયો અને પછી મનભેદ!! અને કિશોર બધા જ ઉપકાર  ભૂલી ગયો..!! અને બચુભાઈની સામેજ એને પછાડવા માટે મ્યુઝીકની જ દુકાન નાંખી અને ડીવીડી વેચવા લાગેલો!!

બચુભાઈએ એને એક લગ્ન પ્રસંગમાં સાઉન્ડ લઈને મોકલેલો.. અને ત્યાં કિશોરે રૂપાળી છોકરીઓ ભાળીને લખણ ઝળકાવ્યા અને ફરિયાદ બચુભાઈ પાસે આવી અને બચુભાઈ એને એક તમાચો ઝીંકી દીધેલો..!! આમ તો આટલા વરસો દરમ્યાન ધંધો શીખવાડવા માટે બચુભાઈ એ કેટલીય વાર ધોલ થપાટ કરેલી પણ આ વખતે કિશોરની પત્નીની હાજરીમાં આ ઘટના બની અને કિશોર સમસમી ગયો.  પછી તો બચુભાઈ એ પણ માંફી માંગી અને સમજાવ્યું કે આ ધંધામાં આવું આપણને ના શોભે!! વગેરે વગેરે પણ તિરાડ તો પડી જ ગઈ હતી. કિશોરે એનો હિસ્સો લઇ લીધો. આ સિવાય આટલા વરસો દરમ્યાન એણે દુકાનમાંથી મહીને મહીને ધાપ મારીને બચાવેલી મૂડીમાંથી એક દુકાન એ જ લાઈનમાં લઇ લીધી અને નામ રાખ્યું “ હર ભોલે મ્યુઝીક સેન્ટર”

એ વખતે ડુપ્લીકેટ ડીવીડીનું વ્યાપક વેચાણ થતું. કારણ કે કંપની ની ડીવીડી અને સીડી ખુબ જ મોંઘી આવતી.. ઓરીજનલ અને ડુપ્લીકેટ વચ્ચે એવડો મોટો ભાવ ફરક કે ગાડાના ગાડા વહ્યા જાય. એટલે દરેક વેપારી બહાર શો કેસમાં ઓરીજનલ સીડી ઓ રાખે અને બાકી ની ડુપ્લીકેટ માલ કાઉન્ટરની પાછળ રાખે.. મોટાભાગે ગ્રાહકો આવી ડીવીડી ઓ ભાડે લઇ જતા.. સાથોસાથ વીસીઆર કે ડીવીડી પ્લેયર પણ ભાડે લઇ જતા.. ભાડું ખુબ જ સારું મળતું એટલે આમ જોવા જઈએ તો આ ધંધો કસ વાળો અને મલાઈદાર હતો ….  પણ બીતા બીતા ધંધો કરવાનો.. નો જોવાની ડીવીડી અને સીડીઓ પણ વેચવાની એટલે તંત્ર સાથે ભાગ બટાઈ કરી લેવાની તોય ક્યારેક જીલ્લા વાળાની ટુકડી જો અચાનક ચેકિંગ કરે ને તો મોટો તોડ થયા વગર ના રહે!!

કિશોરે આનો રસ્તો પણ કાઢી લીધેલ હતો. જીલ્લાના એક આવી રેડ પાડવા વાળા સાહેબની જીપનો ડ્રાઈવર બધા એને ભાણુંભા કહેતા એને સાધી લીધેલો. એટલે જ્યારે રેડ પડવાની હોય ત્યારે એ અગાઉ કિશોરને કહી દે એટલે એ બધો જ ગેરલાયક અને પાઈરસી વાળી ડીવીડીઓ દુકાનમાંથી કાઢીને સલામત જગ્યાએ બે દિવસ મૂકી આવે.. ચારેય દુકાનના માલિકો વચ્ચે એક મોનોપોલી હતી કે એકને ખબર પડે એટલે બીજા બધાને એ ચેતવી દે!! પરિણામે રેઇડ પડે એટલે વાંધાજનક કશું ના મળે!! બધા પોતપોતાની રીતે છેડા મેળવતા!! પણ આ વખતે કિશોરના મનમાં પાપ પેઠું.. ખાસ તો એને દાઝ બચુભાઈ પર જ હતી.. એને ગમે તેમ કરીને પછાડી દેવો છે એવી અગનજ્વાળા એના ચિતમાં સતત પ્રકટતી હતી.

કાદરની ચા પીને એણે હળવેક થી બધી જ વાંધા લાયક અને ગેરકાયદેસર ડીવીડી અને વીસીડીઓ અલગ કરી નાંખી. અને એક મોટા કોથળા માં ભરી લીધી. આખો કોથળો ભરાઈ ગયો હતો. કોથળો બરાબર બાંધીને એણે કાઉન્ટર ની પાછળ મૂકી દીધો.. રાતે આઠ વાગ્યે દુકાન બંધ કરી દીધી.અત્યારે એ કોથળો લઇ જાય ને બીજા ને ખબર પડી જાય તો??? રાતે એક વાગ્યે પાછો એ દુકાને આવ્યો અને રાજદૂત પર કોથળો ઘરે લઇ ગયો.. કાલ પોતાની સિવાય બાકીના બીજા પકડાઈ જશે અને મોટો તોડ થશે એમ હરખાતો હરખાતો એ સુઈ ગયો..!!

બીજે દિવસે આઠ વાગ્યે દુકાન ખોલી.. બધી સાફસફાઈ કરીને..ફરી ચેક કરી લીધું કે કશું વાંધા જનક રહી તો નથી જતુને?? સબ સલામત છે એવી ખાતરી કરીને એણે પાછી એક બુમ પાડી!!

“કાદર એક સ્પેશ્યલ કોફી બનાવ એય ને ડબલ ઈલાયચી સાથે” આટલું કહીને એણે “ મન કયું બહકારે બહકા આધી રાત કો” સિસોટી વગાડતા વગાડતા એને એટલો આનદ થતો હતો કે રોડ પર રીતસરનું નાચવાનું મન થઇ ગયું.

આજ દુકાનમાં કિશોરનું મન લાગતું નહોતું. એનું મન તો જમણી બાજુ આવેલ રોડ પર હતું. જીલ્લામાંથી કયારે જીપ આવે અને ક્યારે રેઇડ પડે એની રાહ જોઈ રહ્યું હતું. સવાદસની આજુબાજુ અચાનક બે જીપ્ આવી. દુકાનો આગળ ઉભી રહી ને ચારેય દુકાનમાં ત્રણ ત્રણ માણસો ઘુસી ગયા.. આઈ કાર્ડ બતાવીને કીધું કે એન્ટી પાયરસી સ્કવોડ  ડીસ્ટ્રીક માંથી આવી છે!! સઘન ચેકિંગ શરુ થયું.. ત્રણ દુકાનોમાંથી ઘણો માલ પકડાયો… પણ કિશોરની દુકાનમાંથી કશું ના પકડાયું.. કિશોરે દૂર ઉભેલા ભાણુંભા સામે આંખ મિચકારીને હસ્યા..!! બે સાહેબો મેઈન હતા એણે કિશોરની દુકાની ફરીને ઝડતી લીધી.. પણ કોથળો તો કિશોર રાતે ઘરે લઇ ગયો હતો એટલે કશું જ ના મળ્યું!! બચુભાઈ સહિતના ત્રણ દુકાનદારોને ત્રીસ ત્રીસ હજારનો તોડ કર્યો!! ઉપરાંત જપ્ત કરેલો વાંધાજનક માલ પણ પાછો ના આપ્યો.. સાહેબોએ કિશોરના વખાણ કર્યા. અને કિશોર મૂંગો રહે તો ઠીક પણ એને કમત સુજી.. મંડ્યો બોલવા!!

“સાહેબ આપણે કાયદેસર હાલવા વાળા.. આપણે નીતિથી ધંધો કરવા વાળા..કોઈ ડુપ્લીકેટ સીડી કે ડીવીડી કે અશ્લિલ વસ્તુ આપણે રાખતા જ નથી.. બધું જ ઓરીજનલ અને ભારે માંહ્યલું રાખવાનું લોકો પાસેથી ભાડું પણ વાજબી લેવાનું.. તમે નહિ માનો સાહેબ બેનું દીકરીયુંનું જાગરણ હોય ત્યારે આપણે મફત ડીવીડી પ્લેયર આપીએ.. ભલે દીકરીયું ખુશ થાય.. આપણે હમેશા વેવારે વર્તવાનું અને હકે હાલવાનું.. જાકુબના ધંધા આપણ ને નો પોહાય!! કિશોર બરાબરનો કોળ્યો હતો!!

સાહેબ જવા રવાના થયા હતા. ફરીથી કિશોરનો વાહો થાબડ્યો  પણ કિશોર તો ઉકરડે ચડ્યો હોય એમ ડબલ ફોર્મમાં આવી ગયો.

“સાહેબ એક કામ કરો તમે આ દુકાનમાં પેલી વાર આવ્યા છો એટલે ચા પાણી અને નાસ્તો કરતા જાવ!! સાહેબ તમે ના રોકાવ તો મારા સોગંદ!! સાહેબ તમે ઠંડુ પીતા જાવ!! સાહેબ આ નાના બસ સ્ટેન્ડ પર ગાંઠીયા સારા બને છે તો સાહેબ તમે ખાતા જાવ” કિશોર તો સાહેબનો હાથ પકડીને રીતસરનો કરગરવા લાગ્યો. અંતે હારી થાકીને સાહેબો કિશોરની દુકાનમાં બેઠા.. કિશોરે ગાંઠીયા . ચા કોફી સાથે થમ્સઅપ પણ મંગાવી લીધી હતી!! બધા જ નાસ્તો કરી રહ્યા હતા. વળી કિશોર પુર બહારમાં ઝળક્યો!!

“સાહેબ આ હર ભોલે મ્યુઝીક વાળા બચું ભાઈ સાથે હું કામ કરતો હતો.. પણ એ મોટે ભાગે ખરાબ ડીવીડી અને સીડીઓ વેચવા લાગ્યા.. મેં એને ઘણા સમજાવ્યા કે આવું નો વેચાય.. ભારતનું યુવાધન બગડી જાય.. આપણે સંસ્કારી સમાજમાં રહીએ છીએ.. ભગવાન કોઈ કાળે નહિ છોડે પણ જેને રળી જ લેવું છે ને એ કાઈ મારું માને?? ઈ નો માન્યા ઉલટાનો મને લાફો માર્યો અને આપણે ભાગીદારી છોડી દીધી સાહેબ.. અને મનમાં નક્કી કર્યું કે સંગીત વેચવું નથી વહેંચવું  છે.. એ પણ સારું અને સંસ્કારી સંગીત!! તમે જુઓ મોટે ભાગે મારી દુકાનમાં લોક ડાયરો . ભજનો અને સારા સારા પારિવારિક ફિલ્મની જ ડીવીડી છે!! હું તો ભગવાનથી ડરનારો માણસ!! બે પૈસા ઓછા મળે એ મને પાલવે!! બાકી આવા ઉઘાડા ફિલ્મો વેચીને નૈતિકતાને તળિયે મૂકી દેવાનું મને નો પાલવે” કિશોર ડિંગ ઉપર ડિંગ હાંક્યે જાતો હતો ને ત્યાં એક આધેડ આવ્યો દુકાનમાં… માથે પાઘડી પગમાં પાંચ પાંચ કિલોના ગારો ચોંટેલા જોડા.. પીળા પડી ગયેલા દાંત અને એક કાપડની થેલીમાં થી ત્રણ ડીવીડી કાઢીને ટેબલ પર મૂકી ને કિશોર સામું જોઇને બોલ્યો!!

“ પરમ દિવસે પાંચ લઇ ગયો હતો ને તે એમાં આ ત્રણ તો ચોંટે છે.. હરામ બરોબર કાઈ દેખાતું હોય તો.. ખાલી અવાજ જ આવે!! અવાજને શું ધોઈ પીવાનો આ ત્રણ બદલાવી દ્યો એટલે આજ રાતે જોઇને કાલે પાંચેય પાછી દઈ જઈશ અને નવી લઇ જઈશ.. મારે આજ આની હાટુ જ ધક્કો થયો છે.” કિશોરે ઘણા ઈશારા કર્યા કે અત્યારે તું ભલો થઈને જા.. આ સાહેબો છે પછી આવ્ય..પણ પેલો કાઈ સમજ્યો જ નહિ એ ઉલટાનો બોલ્યો…

“ એમ ઇશારા શું કામ કર્ય છો ભાઈ..!!! બદલાવી તો તારા બાપને ય દેવી પડે હો…!! અમે તારા કાયમના ઘરાક…!! અમે કેટલાય ને ભલામણ કરી છે કે કિશલાની દુકાને થી ડીવીડીયુ ભાડે લેવાય” બસ કિશોરનું મોઢું પડી ગયું. મુખ્ય અધિકારી ઝાલા સાહેબે  આવનાર ને બધું પૂછ્યું અને એ પણ પૂછ્યું કે આ શેની ડીવીડી છે.. વળી સાહેબે થોડા વધેલા ગાંઠીયા અને ચા પણ પીવરાવી એટલે પેલો બધું પોપટની જેમ બોલી ગયો કે આ નો જોવાની ડીવીડી છે.. બધાય કરતા સારી ડીવીડી આ કિશલાને ત્યાં જ મળે છે.. વળી ત્રણ ડીવીડી ભાડે લ્યો એટલે બે મફત આપે જોવા માટે.. આજુબાજુના ગામડા વાળા રાતે ખેતરમાં પાણી વાળવાનું હોય ત્યારે આવું બધું જોઇને મોજમાં રે બીજું શું..?? હવે કિશોર ઉકળી ઉઠ્યો. હાથ જોડીને બોલ્યો.

“સાહેબ આ પેલા બચુની ચાલ છે.. મને ભૂંડો લગાડવા માટે એણે તાત્કાલીક તરકટ ગોઠવ્યું છે. આને હું ઓળખતો નથી. આ રહ્યો ચોપડો જોઈ લો એમાં એનું નામ નીકળે તો.. આ સાવ ખોટાડીનો છે”

“ખોટાડીનો એ છે સાહેબ.. આ ચોપડો નહિ એક લાલ ચોપડો છે એ બેસે છે ને એની ખુરશીની ગાદીની નીચે રાખે છે.. એ જોઈ લ્યો… એમાં પરમ દિવસે ચાર વાગ્યે આપણું નામ નીકળે છે કે નહિ.. નામ છે તેજા કાળા ૫૦૦ રૂપિયા ડીપોઝીટ આપી છે કાઈ મફત નથી લઇ ગયા જોવા હો.. મને કાઈ રાંકો ના સમજતા હો” પેલો મૂછે હાથ દઈને બોલ્યો અને વધેલી થમ્સ અપ પી ગયો.

ઝાલા સાહેબે કિશોર જે ખુરશી પર બેઠો હતો એની નીચેની ગાદી ચેક કરી તો ગાદી તોડેલી હતી અને એમાં એક લાલ કલરનો ચોપડો હતો.. એમાં તેજા કાળાનું નામ પણ નીકળ્યું.. અને બીજા ઘણા બધા નામ નીકળ્યા… ટપુ ગીગા.. બે ડીવીડી… વશરામ કાનજી ચાર ડીવીડી… પાર વગરના નામ નીકળ્યા.. હવે ઝાલા  સાહેબ ઉભા થયા અને કિશોરને સાત કે આઠ થપાટ આંટી ગયા.. પેલા તેજા કાળા ને આંખ બતાવી એટલે એ તો ઉભી પૂંછડી એ ભાગ્યો.. અને ઝાલા સાહેબ બોલ્યાં.

“બહું સતવાદી નો દીકરો થતો હતો નહિ!! નીતિનો દીકરો થતો હતો.. તારી વાત પર જ તને ઓળખી ગયો હતો કે આ મોટી વિકેટ છે.. પણ તારી દુકાનમાંથી તે બધું સગેવગે કરી નાંખ્યું હતું.. આજ નહિ તો કાલ તને પકડી તો લે ત જ !! કારણકે આ ધંધામાં શું હાલે એની મને તારા જન્મ પહેલાની ખબર હોય!! દગાબાજ દોઢો નમે એ આજ જોવાઈ ગયું..!! એક વાત સાંભળી લે !!ખોટા કામ કરે એને હું નફરત કરું છું. પણ ખોટા કામ કરીને હરિચંદ્રના દીકરા થાય એને હું સાત ગણી નફરત કરું છું..ડફોળચંદ્ર!! આ ચોપડા પ્રમાણે તો તારી પાસે ઘણો ડુપ્લીકેટ માલ છે… ક્યા છે એ માલ????” અને ફરી બે ગાલ પર પડી!!! દસ જ મીનીટમાં કિશોરના ઘરેથી બે જણા આખો કોથળો લઇ આવ્યા..!!! જેટલો માલ પેલી ત્રણ દુકાનમાંથી પકડાયો હતો એના કરતા ડબલ માલ આની પાસેથી પકડાયો હતો..

પછી તો કાગળિયાં કરવાની તૈયારી થઇ.. પાંચ વરસની જેલ તો થશે જ.. અને કિશોરના મોતિયાં મરી ગય.. પગમાં પડ્યો અને પછી નક્કી થયું કે એક લાખથી નીચે તો નહિ જ પતે… વળી બચું શેઠ આવ્યા.. વિગતો જાણી… ઓછું કરવાનું કીધું.. પણ એંશી નીચે તો નહીં જ… છેવટે એંશી હજારનો તોડ થયો…આટલા પૈસા તો કિશોર પાસે હતા નહિ.. ઘર આખું ઊંધું કરી નાંખ્યું ત્યારે માંડ ચાલીશ હજાર થયા.. વળી બચુભાઈને દયા આવી એણે ચાલીશ હજાર ઉછીના આપ્યા.. કિશોરનું મોઢું જોવા જેવું થઇ ગયું હતું.. પાંચસો રૂપિયાનો તો ચા ગાંઠીયા અને થમ્સ અપના થયા હતા… બધું જ પતાવીને સહુ રવાના થયા.. આ વાતની બધાને ખબર પડી ગઈ  અને કિશોર બે દિવસ તો ઘરની બહાર જ ના નીકળ્યો…

જેવો બહાર નીકળ્યો કે તરત જ કોઈ બોલ્યું.. “ કિશોર ભાઈ આ ડીવીડી ચોંટે છે” અને કિશોર ગમ ખાઈ જાય.. કશું જ ના બોલે.. રગડ ધગડ મહિનો દુકાન ચલાવી.. પછી તો એ દુકાન બચુભાઈને આપીને કિશોર બીજે ગામ જવા રવાના થયો.. બચુભાઈ એ આગ્રહ કર્યો કે હવે મારી સાથે રોકાઈ જાને ક્યાય જવું નથી..આંખમાં આંસુ સાથે કિશોર રોકાઈ ગયો .. પણ એનું નામ પડી ગયું કિશોર “ડીવીડી”!!! અને પછી  પણ ઘણા સમય સુધી બચુભાઈની દુકાને કોઈ જુનો ગ્રાહક જાય અને કિશોર એને ડીવીડી બતાવે ત્યારે પેલો હસતા હસતા બોલે!!

આ ડીવીડી ચોંટશે તો નહિ ને????!!

લેખક:- મુકેશ સોજીત્રા

૪૨ , હાશ , શિવમ પાર્ક સોસાયટી સ્ટેશન રોડ

ઢસા ગામ તા. ગઢડા જી. બોટાદ પીન ૩૬૪૭૩૦

Author: GujjuRocks Team
દરરોજ આવી અનેક લાગણીસભર વાર્તાઓ વાંચો ફક્ત ગુજ્જુરોક્સ પેજ પર.