ન્યૂજર્સીમાં એકલાં રહેતાં ગુજરાતી વૃદ્ધાનું લૂંટ વીથ મર્ડર, ગુજરાતી ભાડૂઆતે જ કરી ઘાતકી હત્યા

વિદેશમાં એક ગુજરાતીને પોતાનું મકાન ભાડે આપવું મકાન માલિકને ભારે પડ્યું છે. વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતા અને અમેરિકામાં ન્યૂજર્સી શહેરના પેરામાસમાં સ્થાઈ થયેલાં વૃદ્ધાએ મૂળ ગાંધીનગરનો અને ન્યૂજર્સીમાં અભ્યાસ કરતા યુવકને પોતાના મકાનમાં ભાડૂઆત તરીકે રાખ્યો હતો. તે ભાડુઆત યુવકે વૃદ્ધાની હત્યા કરી વૃદ્ધાના ડેબિટ કાર્ડમાંથી 4500 ડૉલર (અંદાજે 3.80 લાખ રૂપિયા) બૅન્કમાંથી ઉપાડી વૃદ્ધાની કાર લઈને ભાગી ગયો હતો. હાલ, ન્યૂજર્સી પોલીસે હત્યારાને ઝડપી પાડ્યો છે.

મળતી માહિતી મુજબ, વડોદરામાં માંજલપુર વિસ્તારમાં રહેતા વિનોદભાઈ આચાર્ય જે વર્ષો પહેલાં ન્યૂયોર્કનાં ટ્વીન સિટી ન્યૂજર્સીમાં સ્થાયી થયા હતા અને પેરામાસમાં મકાન લઈ 2 પુત્ર અને પત્ની સાથે રહેતા હતા. વિનોદભાઈ આચાર્યનું 10 વર્ષ અગાઉ અવસાન નિપજ્યા બાદ 74 વર્ષીય રીટાબહેન આચાર્ય એકલાં રહેતાં હતાં. આ દરમિયાન ન્યૂજર્સીની ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટૅક્નૉલોજીમાં ગાંધીનગરનો 24 વર્ષીય કિશન શેઠ અભ્યાસ કરી રહ્યો હતો. રીટાબહેને કિશન ગુજરાતી હોવાથી પોતાના મકાનમાં દોઢ વર્ષ અગાઉ એક રૂમ ભાડે આપ્યો હતો.

File Pic

ગત સોમવારના રોજ રીટાબહેન આચાર્યની પેટમાં ચપ્પુના ઘા મારેલ હાલતમાં ઘરના સોફા ઉપરથી લાશ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં રીટાબહેન આચાર્યની હત્યા તેમના જ ભાડુઆત કિશન શેઠે કરી રીટાબહેનનું ડેબિટ કાર્ડ અને કાર લઈને ભાગી ગયો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે આસપાસના વિસ્તારમાં આવેલ સીસીટીવી કેમેરાના ફૂટેજની ચકાસણી કરતા હત્યારો કિશન શેઠ મૃતક રીટાબહેનની કાર લઈને ભાગતો નજરે પડ્યો હતો. બેરગે કાઉન્ટી પોલીસે હત્યારા કિશન શેઠ પર લૂંટ અને હત્યાનો આરોપ મૂકી કિશન શેઠને ઝડપી પાડ્યો છે.

Twinkle