સુરતની વતની એક યુવતીનો મૃતદેહ નવસારીની એક હોટલના રૂમમાંથી મળી આવતાં ગુજરાતમાં ખળભળાટ મચી ગયો છે. નર્સિંગમાં અભ્યાસ કરતી આ યુવતી તેના દોસ્ત સાથે ઓયો હોટલમાં ગઈ હતી. ત્યારબાદ તે જ હોટલના રૂમમાં યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે. હોટલના માલિકને ઘટનાની જાણ થતાં પોલીસને બોલાવવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલાવ્યો હતો.
પોલીસે આ ઘટના અંગે યુવતીના પરિવારને જાણ કરી હતી. પરિવારના સભ્યો દીકરીના રહસ્યમય મૃત્યુથી સ્તબ્ધ છે. આ ઘટનાને લઈને અનેક અટકળો થઈ રહી છે. મિત્ર યુવતીને છોડીને જતો રહ્યો હોવાથી શંકાની સોય તેના તરફ પણ ફરી રહી છે. યુવતીના ભાઈ અને પિતાએ પણ હત્યાની શંકા વ્યક્ત કરી છે.
આ ઘટનાને લઈને કેટલાક મહત્વના પ્રશ્નો ઉભા થયા છે. જેમ કે, બંને હોટલના રૂમમાં કેમ ગયા હતા? દોસ્ત અને યુવતી વચ્ચે કેવો સંબંધ હતો? અને બંને વચ્ચે એવું શું થયું કે યુવતીએ જીવન ગુમાવવાનો વારો આવ્યો? યુવતીના મૃત્યુ પર રહસ્ય યથાવત છે. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
યુવતીના પિતા અને ભાઈએ હત્યાની આશંકા વ્યક્ત કરી છે. બંને વચ્ચે પ્રેમ સંબંધ હોવાની ચર્ચા પણ થઈ રહી છે. શક્યતા છે કે બંને વચ્ચે કોઈ વિવાદ સર્જાયો હોય અને યુવક યુવતીને હોટલમાં છોડીને જતો રહ્યો હોય અને યુવતીએ આત્મહત્યા કરી હોય, અથવા યુવકે જ યુવતીની હત્યા કરીને નાસી ગયો હોય. પોલીસ હાલ દરેક દિશામાં તપાસ કરી રહી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે યુવતીના શરીરમાંથી વધુ પડતું લોહી વહી જવાથી મૃત્યુ થયું છે. યુવતીને પહેલા સારવાર માટે ખાનગી હોસ્પિટલ અને પછી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. સિવિલ હોસ્પિટલના ડૉક્ટરે યુવતીને મૃત જાહેર કરી હતી. ત્યારબાદ યુવક યુવતીનો મૃતદેહ ત્યાં જ મૂકીને ફરાર થઈ ગયો હતો.