ખબર

આજની પોઝિટિવ સ્ટોરી: પરિવારના 11 સભ્યો હતા કોરોના સંક્રમિત, છતાં વડોદરાના 90 વર્ષના માજીએ હરાવ્યો કોરોનાને

કોરોનાની બીજી લહેર દિવસેને દિવસે ખુબ જ ઘાતક બની રહી છે, ગુજરાતમાં રોજના હજારો લોકો કોરોના સંક્રમણનો ભોગ બની રહ્યા છે અને ઘણા લોકોએ આ સંક્રમણથી પોતાનો જીવ પણ ગુમાવ્યો છે. આ સમયે હોસ્પિટલ અને સ્મશાનના ઘણા બધા વીડીયો અને તસવીરો પણ સામે આવી રહી છે, પરંતુ આ નકારાત્મકતા વચ્ચે એક હકારાત્મક ખબર પણ સામે આવી છે. જેમાં વડોદરાના 90 વર્ષના માજીએ કોરોનાને હરાવીને એક ઉમદા ઉદાહરણ પૂરું પડ્યું છે.

મૂળ જામનગર અને વડોદરાના પંડિત દીનદયાળ વિસ્તારમાં રહેતા 90 વર્ષના જગીબેન અઠવાડિયા પહેલા શ્વાસની તકલીફ થવાના કારણે સુરતના સિંગણપોર મલ્ટીપર્પઝ કોમ્યુનિટી હોલના આઇસોલેશન સેન્ટર ખાતે લવાયાં હતાં.

જગીબેનના પરિવારના બીજા 11 સભ્યો પણ કોરોના સંક્રમિત આવ્યા હતા. જેમને વિવિધ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે જગીબેનને જોવા માટે તેમના પરિવારમાંથી પણ કોઈ આવી શક્યું નહોતું. ત્યારે આઇસોલેશન સેન્ટરના સ્વયંસેવકો દ્વારા તેમને ઘર જેવું વાતાવરણ પૂરું પાડવામાં આવ્યું હતું. જેના કારણે તેઓ એકદમ સ્વસ્થ થઇ ગયા હતા અને તેમને આજે મંગળવારે રજા આપી દેવામાં આવશે.

શરૂઆતમાં પરિવારથી વિખુટા પડી જવાના કારણે 4 દિવસ સુધી જગીબેને ખાવાનું પણ છોડી દીધું હતું. જેના કારણે તેમની તબિયત પણ વધારે બગડી ગઈ હતી. પરંતુ આઇસોલેશન સેન્ટરના સ્વયં સેવકો દ્વારા તેમને ઘર જેવું વાતાવરણ અને હૂંફ પુરી પાડવામાં આવતા તેઓ જલ્દી સ્વસ્થ થઇ ગયા હતા.