ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી મહિલાઓ અને યુવતી સાથે દુષ્કર્મના મામલો સતત સામે આવી રહ્યા છે. ઘણા હવસખોરો તો માસુમ બાળકીઓ અને કિશોરીઓને પણ પોતાની હવસનો શિકાર બનાવતા હોય છે, ત્યારે હાલ એક તાજો મામલો બોટાદમાંથી સામે આવ્યો છે, જેમાં એક 9 વર્ષની બાળકીને ઉઠાવી જઈ એક હવસખોરે પોતાની હવસ સંતોષ્યા બાદ તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી.
આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર ગત 15 જાન્યુઆરીના રોજ એક દેવીપૂજક પરિવારની દીકરી સાંજના સમયે પતંગ લૂંટવા માટે ગઈ હતીત્યારે જ શિવનગર સોસાયટીમાં રહેતા રાજુ ચૌહાણ નામના વ્યક્તિએ આ બાળકીને ITIની પાછળ આવેલા ખંડેરમાં લઇ ગયો હતો અને ત્યાં બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. એટલેથી ના અટકતા નરાધમે બાળકીની હત્યા કરી અને પછી ત્યાંથી નાસી છૂટ્યો હતો.

બાળકીની લાશ મળી આવતા ચકચારી મચી ગઈ હતી. ઘટના અંગે જાણ થતા જ જિલ્લા પોલીસવડા સહીતની ટિમો પણ ઘટના સ્થળે તાબડતોબ દોડી આવી હતી અને બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. બાળકીના પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પણ અલગ અલગ ટિમો બનાવી ઘટનાની ગંભીરતા સમજતા જ તાત્કાલિક તપાસ પણ હાથ ધરી હતી.
બાળકીની હત્યાના સમાચાર ગામમાં વાયુવેગે ફેલાઈ ગયા હતા અને લોકો પણ રોષે ભરાયા હતા. હત્યાને લઈને દેવીપૂજક સમાજ દ્વારા બોટાદ શહેરના નાગલપર દરવાજા પાસે ધરણા અને રેલીઓ પણ કાઢવામાં આવી હતી. જેના બાદ પોલીસ પણ એક્શન મોડમાં આવી ગઈ અને બાતમીના આધારે ગણતરીના કલાકોમાં જ આરોપી રાજેશ ઉર્ફે રાજુ ચૌહાણની તુરખા રોડ ભડિયા પાસેથી ધરપકડ કરી લીધી હતી.