11માં ધોરણના વિદ્યાર્થીએ કરી 8 વર્ષના બાળકની હત્યા, કારણ તમને અંદરથી હલાવીને રાખી દેશે…જે કારણે સગીર બન્યો ક્રાઇમ માસ્ટર

Sonipat Student Murder Case : ગુજરાત સમેત દેશભરમાંથી અવાર નવાર હત્યાના મામલા સામે આવે છે. કેટલીકવાર અંગત અદાવતમાં તો કેટલીકવાર અન્ય કારણોસર હત્યા કરવામાં આવે છે. જો કે, ઘણીવાર હત્યાના એવા મામલા સામે આવે છે કે કોઇના પણ રૂંવાડા ઊભા થઇ જાય.

સોનીપતથી 8 વર્ષના બાળકના અપહરણ અને હત્યાનો મામલો સામે આવ્યો છે. આ મામલામાં સોનીપત પોલીસે ચોંકાવનારો ખુલાસો કર્યો છે, કારણ કે આ હત્યાને અંજામ આપનાર વ્યક્તિ કોઈ મોટો અપરાધી નહિ પરંતુ ધોરણ 11માં ભણતો એક સગીર વિદ્યાર્થી છે.

જેણે ખૂબ જ ફિલ્મી સ્ટાઈલમાં બાળકનું અપહરણ કરીને તેની હત્યા કરી. પોલીસની તપાસમાં આ હત્યા પાછળનું જે કારણ સામે આવ્યું છે, તે ઘણું આશ્ચર્યજનક છે. આરોપી સગીરે આ હત્યા એટલા માટે કરી કારણ કે તે જલ્દીથી અમીર બનવા માંગતો હતો, તેથી તેણે આ સમગ્ર મામલાને અંજામ આપ્યો.

આ આખો મામલો સોનીપત જિલ્લાના બહાલગઢ પોલીસ સ્ટેશન વિસ્તારની TDI એસ્પિનિયા સોસાયટીનો છે. જ્યાં ભોંયરામાં બનેલી પાણીની ટાંકીમાંથી લોહીથી લથપથ હાલતમાં 8 વર્ષના બાળકની લાશ મળી આવી હતી. પોલીસે બાળકની ઓળખ અર્જીત ઉર્ફે હન્નુ તરીકે કરી. મૃતક સોનીપતમાં પેટીએમના એરિયા સેલ્સ મેનેજરનો પુત્ર હતો.

જેનું સોમવારે સાંજે એક સગીર આરોપી દ્વારા અપહરણ કરવામાં આવ્યુ હતુ. અપહરણ કર્યા બાદ આરોપી સગીરે ખંડણીનો પત્ર લખીને પીડિતના પરિવારના ઘરે ફેંકી દીધો હતો. જેના કારણે બાળકના અપહરણનું સત્ય જાણી શકાયું હતું. આ કેસની તપાસ કરી રહેલા ડીસીપીએ જણાવ્યું હતું કે મુખ્ય આરોપી સગીરની ધરપકડ કરવામાં આવી છે.

અપહરણ અને હત્યાની આ ભયાનક ઘટનાનું કારણ વધુ ચોંકાવનારું છે. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે કે આરોપી સગીર બાળકના પિતા માનસિક રીતે બીમાર છે અને ઘરની આર્થિક સ્થિતિ પણ સારી નથી. પરિવારનો ખર્ચ પણ યોગ્ય રીતે ચાલી શકતો ન હોવાને કારણે જ કિશોરે આ ઘટનાને અંજામ આપ્યો હતો. આરોપીએ હત્યા પહેલા પીડિતના પરિવાર પાસેથી 6 લાખની ખંડણી માંગતો પત્ર પણ લખ્યો હતો,

જેથી તે તેના પિતાની સારવાર અને પરિવારનો ખર્ચ ઉઠાવી શકે. મૃતક બાળક અને આરોપી બંને એક જ શાળામાં અભ્યાસ કરતા. હાલ તો આરોપી કિશોરને બાળ સુધાર ગૃહમાં મોકલવામાં આવ્યો છે. બાળકના ગુમ થવા અંગે અને ખંડણીની માંગણી અંગે પરિજનોએ પોલીસને જાણ કરી હતી. આ સાથે જ આસપાસના લોકોના સહયોગથી બાળકની શોધખોળના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા.

ત્યારે નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરાની શોધખોળ કરવામાં આવી પણ મોડી રાત સુધી બાળકનો કોઈ પત્તો લાગ્યો નહિ. તે બાદ મંગળવારે સવારે પણ બાળકની શોધખોળ શરૂ કરવામાં આવી અને આ દરમિયાન પોલિસ અને પરિવારના સભ્યો ટીડીઆઈ સિટીના ભોંયરામાં પહોંચ્યા અને પાણીના ડ્રમમાંથી બાળકની લાશ મળી આવી. બાળકને માથાના ભાગે ફટકા મારવામાં આવ્યા હતા અને તેના માથામાં 15થી વધુ ઈજાના નિશાન મળ્યા હતા.

Shah Jina