ગિરનારની લીલી પરિક્રમા દરમિયાન 2 દિવસમાં 9 લોકોના હાર્ટ એટેકથી મોત, મચી ગયો ખળભળાટ

લીલી પરિક્રમાનો વિધિવત પ્રારંભ, 9 લોકોના હાર્ટ એટેકથી મોત, અત્યાર સુધી 6 બાળકો સહિત 43 લોકો ગુમ

ગિરનારની લીલી પરિક્રમાનો વિધિવત પ્રારંભ થઈ ચૂક્યો છે, પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ લાખોની સંખ્યામાં ભાવિકો વહેલા આવી પહોંચ્યા હતા. જો કે આ દરમિયાન માઠા સમાચાર સામે આવી રહ્યા છે. લીલી પરિક્રમા દરમિયાન હાર્ટ એટેકથી 2 દિવસમાં જ 9 લોકોના મોત નિપજ્યા, જેને લઇને ખળભળાટ મચી જવા પામ્યો.

11 અને 12 તારીખ એમ 2 દિવસમાં પરિક્રમાના અલગ અલગ રૂટ પર 9 આધેડ વયના લોકોનાં હાર્ટ-એટેકથી મોતની ખબર સામે આવી. માત્ર બે દિવસમાં નવ પરિક્રમાર્થીનાં મોતની ઘટનાથી ખળભળાટ મચી ગયો છે. મૃતકોમાંથી આઠ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે જૂનાગઢ સિવિલ જ્યારે એકને ભેંસાણ સિવિલ ખાતે લાવવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં તમામ મૃત્યુ કુદરતી હોવાનું સામે આવ્યું છે અને મોતનું કારણ હાર્ટ એટેક છે.

મૃતકોમાં મુળજી લોખીલ, (રાજકોટ) મનસુખ ભાઈ, (રાજકોટ) અરવિંદ સિંધવ (રાજકોટ) પરસોત્તમભાઈ ભોજાણી (જસદણ) હમીર લમકા (અમરસર) રસિક ભરડવા (દેવળા) આલા ચાવડા (ગાંધી ધામ) અરુણ ટેઈલર (મુંબઈ) અને નટવર લાલ પટેલ (અમદાવાદ)નો સમાવેશ થાય છે.

જૂનાગઢ જિલ્લા કલેક્ટરે પરિક્રમાર્થીઓને અપીલ કરતાં જણાવ્યું હતું કે, ગિરનારની લીલી પરિક્રમા લોકો એક જ દિવસમાં વહેલી પૂર્ણ થાય એવા ભાવ સાથે એકસાથે ચાલે છે અને તેને કારણે હાર્ટ-એટેક, ચક્કર આવવાના બનાવો બની શકે છે. જે ન બને એ માટે લોકોએ ધીરે-ધીરે આરામ લઇને ચાલવું જોઇએ. જો શરીરમાં કંઇ પણ અજુગતુ લાગે તો તાત્કાલિક આરોગ્ય ટીમનો સંપર્ક કરવો જોઇએ. આરોગ્યકર્મીઓને પણ આ બાબતે અવેરનેસ ફેલાવવા સૂચન કરવામાં આવ્યું છે.

Shah Jina