ખબર

આઠમું નોરતું (મહાગૌરી) : સાક્ષાત્ જગદંબાના એક મંત્રજાપથી આધિ-વ્યાધિ-ઉપાધિ સમૂળગી ભાગી જશે!

નવરાત્રિનું મહાપર્વ વિદાય લેવાની તૈયારીમાં હોય ત્યારે આઠમે નોરતે માતા મહાગૌરીની પૂજા કરવામાં આવે છે. આ દિવસ મહાગૌરીનો છે. નવદુર્ગાનું આઠમું સ્વરૂપ એટલે મહાગૌરી. સંપૂર્ણ ગોરો વર્ણ છે જેનો જે એ માતા એટલે મહાગૌરી!

માતાનો વાન આખો ગોરો છે. જેની સરખામણી ડોલરના સફેદ ફૂલ સાથે થઈ શકે તેવો! મુખમુદ્રા પણ એકદમ શાંત છે. ભક્તોના જીવનનાં તમામ કષ્ટોને નષ્ટ કરીને પરમશાંતિની અનુભૂતિ કરાવનાર આ દેવી છે.

‘મહાગૌરી’ નામ કેમ પડ્યું? —

પાર્વતી માતાએ શિવજીને પામવા માટે અત્યંત કઠોર તપ કરેલું. (આ વાત બ્રહ્મચારિણી માતાના આર્ટિકલમાં આ વેબસાઇટ પર આખી મૂકેલી છે.) આ હજારો વર્ષોનાં શરીરને કષ્ટ આપનાર વાયુભક્ષી તપને પરિણામે માતાનું શરીર એકદમ કાળું પડી ગયેલું. આખરે શિવજી પ્રસન્ન થયા અને એમણે ગંગાજળના અભિષેક વડે પાર્વતીજીના શરીરનો વાન એકદમ ધવલવર્ણો બનાવી દીધો. એ પછી માતાજી ‘મહાગૌરી’ કહેવાયાં.

કેવું છે માતાનું રૂપ? —

સૌમ્ય મુદ્રાધારી મહિગૌરી વૃષભ પર બેઠાં છે. વસ્ત્રો અને અલંકારો પણ શ્વેત છે. આખો વાન ધવલ છે. ચાર ભુજાઓ છે. એક અભયમુદ્રામાં, એક વરમુદ્રામાં, એક ત્રિશૂળધારી અને એક ડમરુંધારી છે. માતાનું આ રૂપ ભક્તોનાં ભવ-ભવનાં દુ:ખ સમાપ્ત કરીને શાંતિ આપનારું છે.

શિતળતાનો પરમ અનુભવ —

મહાગૌરી માતાનું સાચા હ્રદયે સ્મરણ અને યોગ્ય વિધિવિધાન સાથે પૂજા કરવાથી સાધકને ઇચ્છીત ફળ મળે છે. મનનાં તમામ ખોટા વિચારોનો નિકાલ થઈ જાય છે. માતાના વાન જેવો જ સાધકના અંતરનો વાન પણ બદલાય જાય છે. આમ, મહાગૌરી અનેક સિધ્ધીઓની દાત્રી છે. સૌભાગ્યવતી સ્ત્રીઓ આજે માતાને ચુંદડી અર્પણ કરી પોતાનું સૌભાગ્ય અખંડ રાખવાને પ્રાર્થના કરે છે. આપણો શાસ્ત્રો આ સદામંગલ કરનારી દેવી વિશે ગાય છે : સર્વમંગલ્ય માંગલ્યે, શિવે સર્વાર્થસાધિકે; શરણ્યે ત્ર્યંબકે ગૌરી, નારાયણી નમોસ્તુતે!

સોમચક્ર —

આઠમાં નોરતે માઁ મહાગૌરીની ઉપાસના કરતા સાધકનું મન સોમચક્રમાં સ્થિત થાય છે. આ મહત્ત્વનું ચક્ર સાધકને શિતળતા, પરમાનંદની ક્ષણોમાં લઈ જાય છે. મહાગૌરીની ભક્તિ સિવાય સાધકને કંઈ સૂઝતું નથી. આ દિવ્યપળ છે. આવી સાધના કરનાર પર માતાની અક્ષય કૃપા રહે છે.

મંત્રજાપ —

श्वेते वृषे समारुढा श्वेताम्बरधरा शुचिः |
महागौरी शुभं दद्यान्महादेवप्रमोददा ||

“યા દેવી સર્વભૂતેષુ મહાગૌરીરૂપેણ સંસ્થિતા, નમસ્ત્યૈ નમસ્ત્યૈ નમસ્ત્યૈ નમો નમ:”

બીજમંત્ર આ છે : “શ્રી ક્લીં હ્રીં વરદાયૈ નમ: |”

જય માઁ મહાગૌરી!

Author: Kaushal Barad GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App