અદ્દભુત-અજબગજબ ખબર

બ્રાઝિલની લગભગ 80 ટકા ગાયોમાં દોડી રહ્યું છે ભારતીય આખલાનું રક્ત, 1 દિવસમાં આપે છે 60 લીટર દૂધ

ભારતમાં ગાયની પૂજા કરવામાં આવે છે, પરંતુ અહીંથી ખૂબ દૂર બ્રાઝિલમાં પણ ભારતીય ગાયોનું એટલું જ સન્માન કરવામાં આવે છે. બ્રાઝિલ અને ભારત વચ્ચેનો સંબંધ ગુજરાત સાથે જોડાયેલો છે અને તેનો પાયો પચાસના દાયકાના અંતમાં નંખાયો હતો, જયારે સેલ્સો ગાર્સિયા સિડ નામના બ્રાઝિલના ખેડૂત અને ભાવનગરના મહારાજા વચ્ચે ગાઢ મિત્રતા હતી.

Image Source

મિત્રતાના નામે મહારાજે કૃષ્ણા નામનો એક આખલો સેલ્સોને ભેટ તરીકે આપ્યો હતો. સેલ્સો આ આખલાને બ્રાઝિલ લઇ આવ્યો, ખૂબ સારસંભાળ પછી પણ 1961 માં કૃષ્ણા મૃત્યુ પામ્યો. પરંતુ હાલમાં બ્રાઝિલની લગભગ 80 ટકા ગાયોની નસોમાં કૃષ્ણાનું લોહી વહી રહ્યું છે. આજે, ગુજરાતની ગીર જાતિની ગાયને બ્રાઝિલમાં વિશેષ દરજ્જો પ્રાપ્ત છે.

Image Source

કૃષ્ણા ગુજરાતના ગીરનો દેશી આખલો હતો. જેથી બ્રાઝિલની મોટાભાગની ગાય ગીર પ્રજાતિની જ છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે બ્રાઝિલની ગીર ગાયની ચર્ચા માત્ર ભારત અને બ્રાઝિલમાં જ નથી, પરંતુ વિશ્વના ઘણા ખૂણામાં ભારતની આ પ્રજાતિની ગાયની ચર્ચાઓ થાય છે.

બ્રાઝિલના એક ડેરી ફાર્મમાં છેલ્લી ગાય બચી છે, જે ભારત સાથે સંબંધ ધરાવે છે. આ ગાયનું નામ ઇલ્હાબેલા છે. ઇલ્હાબેલા એ આખલાની વંશજ છે જેના કારણે ગુજરાતની ગીર ગાય બ્રાઝિલમાં પ્રખ્યાત થઈ હતી અને જેના કારણે અહીં ગાયની જાતિ સુધરી છે.

Image Source

સેલ્સોના પૌત્રનું કહેવું છે કે બ્રાઝિલની લગભગ 80 ટકા ગાયની નસોમાં કૃષ્ણા નામના આ ગુજરાતી ગીર આખલાનું લોહી વહે છે. માત્ર આ ફાર્મમાં જ નહિ, પણ અહીંથી બહાર પણ ગીર પ્રજાતિની ગાયોની બોલબાલા છે.

એક અંગ્રેજી વેબસાઇટ અનુસાર, મેનાસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બ્રાઝિલમાં ગાયના સંવર્ધન માટે જેનેટિક ટેક્નિકનો ઉપયોગ કરવામાં આવે છે. અહીં વૈજ્ઞાનિકો વિટ્રો ફર્ટિલાઇઝેશન ટેક્નિકની મદદથી ગીર ગાયના ગર્ભનો વિકાસ કરે છે, જેનાથી જન્મ લેનારી ગાયો વીસ વર્ષ સુધી દૂધ આપે છે.

Image Source

ખાસ વાત એ છે કે બ્રાઝિલનું વાતાવરણ પણ આ ગાયો માટે ઘણું સારું છે. તેમને અહીં બીમારીઓ નથી થતી અને અહીંની લેબોમાં તેમની જાતિને વધુ સારી બનાવવામાં આવે છે.

બ્રાઝિલમાં વધતા જતા દૂધના કારોબારનો મોટો શ્રેય ભારતની આ દેશી પ્રજાતિની ગાયને પણ જાય છે. એક હિન્દી વેબસાઇટ અનુસાર, આ ગાયો એક દિવસમાં 60 લિટર દૂધ આપે છે. છેલ્લા એક દાયકાથી, આ rite જન્મેલી ગાયોનું અહીં ધૂમ ખરીદ-વેચાણ થાય છે. ગીરની મદદથી હવે બ્રાઝિલમાં દૂધના વ્યવસાયનો વિકાસ થઇ રહ્યો છે. મિનાસ ગિરાસના આ ડેરી ફાર્મની આશરે 1,200 જેટલી ગાય તેનું ઉદાહરણ છે.

Image Source

વર્ષો પહેલા ગુજરાતથી લાવવામાં આવેલી ગાયોની વિશ્વના આ ભાગમાં પૂજા કરવામાં આવી રહી છે. તેનું એક કારણ એ છે કે આ ગાયોની મદદથી, આ દેશમાં લોકોની આર્થિક વૃદ્ધિ થઈ છે અને લોકોની ભૂખ પણ સંતોષાઈ રહી છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.