ગુજરાતમાં HMPV (હ્યુમન મેટાન્યુમોવાઈરસ)નો વધુ એક કેસ નોંધાયો છે. સાબરકાંઠા જિલ્લામાં 8 વર્ષનું બાળક HMPV સંક્રમિત થયું હોવાનું સામે આવ્યું છે. આ સાથે જ રાજ્યમાં HMPVના કુલ કેસની સંખ્યા ત્રણ પર પહોંચી ગઈ છે. જેમાં, સાબરકાંઠાના હિંમતનગરમાં 8 જાન્યુઆરીના રોજ એક 8 વર્ષના બાળકમાં HMPVના શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા હતા. બાળકની તબિયત લથડતાં તેને તાત્કાલિક હિંમતનગરની એક ખાનગી હોસ્પિટલના ICUમાં દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ બાળકના લોહીના નમૂના પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા, જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલમાં બાળક ICUમાં સારવાર હેઠળ છે.
અગાઉ, બાળકના લોહીના નમૂના ખાનગી લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા હતા, જ્યાં તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જો કે, આરોગ્ય વિભાગ દ્વારા તેની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી ન હતી. ત્યારબાદ સરકારી લેબોરેટરીમાં પરીક્ષણ કરાવ્યા બાદ પણ રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગે તેની પુષ્ટિ કરી છે. બાળક પ્રાંતિજ તાલુકાના એક ખેતમજૂર પરિવારનું છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં HMPVનો પ્રથમ કેસ 6 જાન્યુઆરીના રોજ નોંધાયો હતો. ત્યારબાદ 10 જાન્યુઆરીના રોજ અમદાવાદમાં 80 વર્ષના વૃદ્ધનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. રાજ્યમાં HMPVના કેસોમાં થઈ રહેલા વધારાને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ દ્વારા જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. લોકોને સાવચેત રહેવા અને શરદી, ખાંસી જેવા લક્ષણો જણાય તો તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવા અપીલ કરવામાં આવી છે.
શું કરવું :
1. જ્યારે ઉધરસ અથવા છીંક આવે ત્યારે મોં અને નાકને રૂમાલ અથવા ટિસ્યુથી ઢાંકવું.
2. નિયમિત રીતે હાથ સાબુ અને પાણીથી ધોવા અથવા સેનેટાઈઝરનો ઉપયોગ કરવો.
3. ભીડભાડવાળા સ્થળોથી દૂર રહેવું અને ફ્લૂથી પીડિત વ્યક્તિઓથી ઓછામાં ઓછું એક હાથનું અંતર રાખવું.
4. તાવ, ઉધરસ કે છીંક આવે તો જાહેર સ્થળો પર જવાનું ટાળવું.
5. વધુ પાણી પીવું અને પૌષ્ટિક ખોરાક ખાવો.
6. મજબૂત રોગપ્રતિકારક શક્તિ માટે પૂરતી ઊંઘ લેવી.
7. બીમારીઓ ફેલાતી અટકાવવા માટે યોગ્ય વેન્ટિલેશનવાળા વાતાવરણમાં રહેવું.
8. શ્વસનને લગતા લક્ષણો જણાય તો ઘરમાં જ રહેવું, બીજાઓ સાથે સંપર્ક મર્યાદિત કરવો અને તાત્કાલિક નજીકના દવાખાનાનો સંપર્ક કરવો.
શું ન કરવું :
1. જરૂરી ન હોય તો આંખ, કાન કે મોંને સ્પર્શ કરવો નહીં.
2. ચેપગ્રસ્ત વ્યક્તિની ચીજવસ્તુઓ જેમ કે ટુવાલ, રૂમાલ અથવા અન્ય વાસણો બીજા વ્યક્તિના ઉપયોગમાં ન આવે તેનું ધ્યાન રાખવું.
3. જાતે દવા લેવાનું ટાળવું, લક્ષણોમાં વધારો દેખાય તો આરોગ્ય કર્મચારીનો સંપર્ક કરવો.