ઘણા એવા પરિવાર હોય છે જ્યાં પતિ પત્ની બંને કામ કરતા હોય છે અને જયારે તેમના પરિવારમાં કોઈ બાળક જન્મે ત્યારે કેરટેકર રાખી અને તેમની દેખરેખ રખાવતા હોય છે. ઘણીવાર કેરટેકર દ્વારા બાળકો ઉપર જુલ્મ કરવાની ઘટનાઓ પણ સામે આવતી હોય છે. બે દિવસ પહેલા જ સુરતમાંથી એક એવી ઘટના સામે આવી હતી.
સુરતના રાંદેર પાલનપુર પાટિયા હિમગિરિ સોસાયટીમાં શિક્ષકના 8 માસના બે ટ્વિન્સ બાળકોને સાચવવા કેરટેકર રાખી હતી અને તેણે વ્યક્તિગત ગુસ્સો એક માસૂમ બાળક પર કાઢ્યો હતો. તેણે 5 મિનિટ સુધી એક બાળકને પલંગ પર 4થી 5 વાર પછાડ્યો. આ ઉપરાંત તેના કાન પણ મચેડ્યા અને તેને પાટ પર ફેંકીને માર માર્યો, જેને કારણે બાળક બેભાન થઈ ગયું જે બાદ કેરટેકરે બાળકનાં માતા-પિતાને જાણ કરી હતી. માતા-પિતા બાળકને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયાં હતાં, જ્યાં તેને માથામાં ઈજા થતાં બ્રેન હેમરેજ થયાનું સામે આવ્યુ હતું.
આ કેરટેકર મહિલાને શુક્રવારના રોજ તેની સાસુ સાથે ઝઘડો થયો હતો અને પોતાનો ગુસ્સો તેને સાચવવા માટે આપેલા આ માસુમ બાળકો ઉપર ઉતરાયો હતો. બાળકને માથામાં પાછળના ભાગે 3 જગ્યાએ ગંભીર ઈજાઓ પહોંચી હતી. બાળકનું મેડિકલ તપાસ કરતા તેના માથામાં બે ફ્રેક્ચર અને બે હેમરેજ હોવાનું પણ સામે આવ્યું હતું.
હોસ્પિટલમાં જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહેલું આ 8 માસના આ બાળકનો રવિવારે પાછો સીટી સ્કેનનો રિપોર્ટ કઢાવી તપાસ કરવામાં આવી હતી જો રિપોર્ટમાં કોઈ મોટો ઇશ્યુ ન આવે તો બાળકની અઠવાડિયામાં રિકવરી આવી શકે છે. એવું બાળરોગ ચિકિત્સક ડો.ચેતન શાહે જણાવ્યું હતું