ખબર

સાતમે નોરતે કાળરાત્રી(ચામુંડા) : આજના દિવસે આ ચીજોથી દૂર જ રહેજો, અઢળક સિધ્ધીઓનાં દ્વાર ખુલશે!

નવરાત્રીના સાતમા દિવસે માઁ કાળરાત્રીની પૂજા કરવામાં આવે છે. નવદુર્ગાનું આ સાતમું સ્વરૂપ છે. અને સ્વરૂપ પણ કેવું? ભયંકર વિશેષણ પણ જેને પૂરું ના પડે તેવું! માતા કાળરાત્રી એટલે જેની આંખોમાંથી જ્વાળામુખીનો ધધકતો લાવા બહાર નીકળે છે, વાળ વેરવિખેર છે, હાથમાં ઉગામેલું ખપ્પર જાણે હમણાં કાળજા સોંસરવું નીકળી જશે!

કાળરાત્રી એટલે માતાનું સૌથી ભયંકર રૂપ. જેટલું આ રૂપ દેખાવમાં ભયાવહ છે, એટલું જ ભક્તો માટે લાભકારક પણ છે. એટલે માતાજીનાં આ રૂપથી ડરવાની કે ગભરાવવાની જરૂર નથી. ઉલ્ટું, ભક્તને વિશેષ સિધ્ધીઓ મેળવવા માટેનું કારક આ રૂપ જ બની શકે! ખાસ કરીને આજે મનમાં નબળા, વ્યભિચારી કે એવા કોઈ પણ પ્રકારના ખરાબ વિચારોને સ્થાન ના આપશો. મન શુધ્ધ રાખવું બહુ જરૂરી છે.

કેવું છે માતાનું ભયાવહ રૂપ? —

કાળરાત્રી માતાની સવારી ગદર્ભ પર છે. માતાનો વર્ણ એકદમ ઘનઘોર અંધારા જેવો શ્યામ છે. ઘનઘોર આભમાં વીજળીના ઝડેડાટ જેવી માતાની ત્રણ આંખો છે. ત્રણ નેત્રો ત્રણે લોકનું પ્રતિનિધિત્ત્વ કરે છે. માતાજીને ચાર હાથ છે. એક હાથ વરદાનની મુદ્રામાં છે તો એક અભયની મુદ્રામાં; ત્રીજા હાથમાં લોખંડી કાંટો છે જ્યારે ચોથા હાથમાં રક્તવર્ણું ખપ્પર ધારણ કર્યું છે. માતાનું આ રૂપ દુષ્ટો, પાપીઓનો મૂળ સહિત નાશ કરવાને સદાય તત્પર છે. ક્રોધાગ્નિ ઝરતી માતાની મૂર્તિ જોઈને અસુરો ધ્રૂજી ઉઠે છે.

ચામુંડા ચંડી ધ્રજા પ્રચંડી! —

કાળરાત્રીનું આ રૂપ માઁ દુર્ગાની ક્રોધાયમાન અવસ્થાએ પ્રગટેલું સ્વરૂપ છે. આ જ રૂપમાં માતાએ પૃથ્વી પર કેર વર્તાવનાર ચંડ-મુંડ અને રક્તબીજ જેવા રાક્ષસોને હણ્યા હતા. ચડ-મુંડને હરનારી આ જ તે ચામુંડા! માતાનું બીજું નામ ‘ચામુંડા’ પણ છે. રક્તબીજને હણીને માતાએ તેનું રક્ત પાત્રમાં લઈને પીધું હતું. ચંડ-મુંડની પણ આ જ દશા કરેલી.

સહસ્ત્રાર ચક્ર —

સાતમી નવરાતે કાળરાત્રીનાં રૂપનું અનુષ્ઠાન કરતા સાધકનું મન ‘સહસ્ત્રાર ચક્ર’માં સ્થિત થાય છે. આ સ્થિતી સાધક માટે ઘણી મહત્ત્વની છે. વિશ્વની બધી જ સિધ્ધીઓ અહીંથી પ્રાપ્ત થાય છે. આધિ-વ્યાધિ સહિત સર્વ પ્રકારનાં દુ:ખોનો માતાની કૃપાથી નાશ થાય છે. શરત એટલી જ, કે તન-મનથી શુધ્ધ રહી, મન પર સંયમ રાખીને માતાની સાધના કરવી.

માતાની ભક્તિથી મળે છે અદ્ભુત પરિણામો —

દેવી કાળરાત્રીની ઉપાસનાથી મળતા લાભો વિશે વર્ણન ટૂંકું પડે એમ કહો તો પણ ચાલે. સાચાં હ્રદયથી અને સ્વચ્છ મનથી માતાની ભક્તિપૂજા કરવામાં આવે તો તમામ પ્રકારની નડતી ગ્રહબાધાઓ દૂર થાય છે. ભય તો નામમાત્રનો રહેતો નથી. કોઈ પ્રકારના ભયનું સાધકનાં મનમાં સ્થાન રહેતું જ નથી. મનમાં રહેલા તમામ કુવિચારો વગેરે પણ માતાની ઉપાસનાથી દૂર થાય છે.

માતાજીના મંત્રો —

(1) મુખ્ય મંત્ર છે :

एकवेणीजपाकर्णपुरानना खरास्थिता |
लम्बोष्ठीकर्णिकाकर्णीतैलाभ्यङ्गशरीरिणी ||

वामपादोल्लसल्लोहलताकण्टकभूषणा |
वर्धनामूर्धजा कृष्णा कालरात्रिर्भयङ्करी ||

(2) યા દેવી સર્વભૂતેષુ કાલરાત્રીરૂપેણ સંસ્થિતા | નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્ત્યૈ નમો નમ: ||

(3) બીજમંત્ર : ક્લીં ઐં શ્રીકાલિકાયૈ નમ: ||

હે માઁ કાળરાત્રી! સૌનું કલ્યાણ કરજો!

Author: Kaushal Barad GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.