આપણે મોટાભાગના લોકોને કહેતા સાંભળ્યા છે કે પ્રેમ આંધળો હોય છે, અને એજ આંધળા પ્રેમમાં લોકો ડૂબી પણ જતા હોય છે, પરંતુ જ્યારે આવા જ આંધળા પ્રેમમાં ડૂબી રહેલા લોકોને પરિસ્થિતિ અને હકીકતની થપ્પડ વાગે છે ત્યારે તેમને સમજાય છે કે આંધળો પ્રેમ કરવો એ પણ ગુન્હો હતો. આવો જ એક કિસ્સો હાલ ઇન્ડોનેશિયામાંથી સામે આવ્યો છે. જેમાં એક 78 વર્ષના વૃદ્ધે 17 વર્ષની છોકરી સાથે લગ્ન કરીને ચર્ચામાં આવ્યા હતા, હવે તેમના છૂટાછેડાની ચર્ચાઓ ચાલી રહી છે.

ગયા મહિને ઇન્ડોનેશિયામાં અબાહ સરના નામના એક 78 વર્ષીય વૃદ્ધે 17 વર્ષની છોકરી નોની નવિતા સાથે લગ્ન કર્યા હતા. આ ચર્ચિત લગ્નના 22 દિવસ બાદ જ હવે આ વૃદ્ધે પોતાની પત્નીથી અલગ થવાનો નિર્ણય કરી લીધો છે. લગ્નના બહુ ઓછા એવા કિસ્સાઓ જોવા મળે છે જેમાં ઉંમરનું આટલું મોટું અંતર હોય. જેના કારણે સોશિયલ મીડિયા ઉપર પણ આ લગ્ન ખુબ જ ચર્ચામાં રહ્યા હતા.

પરંતુ હવે વૃદ્ધે જયારે તે છોકરીથી અલગ થવાનો નિર્ણય કરી લીધો છે ત્યારે છોકરીના પરિવારને પણ આ વાતથી ઝટકો લાગ્યો છે. કારણ કે આ બંનેના સંબંધોમાં લગ્ન સમયે છોકરી વાળાને પણ ત્યારે કોઈ સમસ્યા નહોતી આવી.

રિપોર્ટ પ્રમાણે દુલ્હનની બહેન ઇયાને મીડિયાને જણાવ્યું હતું કે: “હું આ બધું જાણીને હેરાન છું. કારણ કે બંને વચ્ચે અત્યાર સુધી બધું જ સારું ચાલી રહ્યું હતું. પરંતુ અચાનક લેવામાં આવેલા આ નિર્ણયે મને ચોંકાવી દીધી છે. પરિવારને અબાહ સરનાથી કોઈ પરેશાની નથી. જોકે, અબાહના પરિવારના લોકોને આ લગ્નથી થોડી સમસ્યા જરૂર હતી.”

દુલ્હન ઉપર આરોપ લગાવવામાં આવ્યો છે કે તે લગ્ન પહેલા જ ગર્ભવતી હતી. જેના કારણે 78 વર્ષીય અબાહે તેનાથી અલગ થાવનો નિર્ણય કર્યો છે. જોકે નોનીની બહેને આ આરોપોને તદ્દન ખોટા ગણાવ્યા છે.

એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે અબાહ સરનાએ લગ્ન સમયે દુલ્હન માટે 50 હજાર રૂપિયા, મોટરસાઇકલ અને ગાદલા પણ મોકલ્યા હતા. તો રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે લગ્ન માટે નોનીના પરિવાર તરફથી મોટી રકમ પણ આપવામાં આવી હતી.