સુરતના આ યુવકની લગ્ન કંકોત્રી બની સમાજ માટે પ્રેરણાની મિસાલ, રિસેપ્શનની શરૂઆત પણ કરી રાષ્ટ્રગાન દ્વારા, જુઓ તસવીરો

સુરતના યુવકે સગાઈમાં ખોટા ખર્ચના બદલે ગરીબ બાળકોને ભણાવવાનો ખર્ચ ઉઠાવી મહેકાવી હતી માનવતા, હવે લગ્ન કંકોત્રીમાં પણ કર્યું એવું કે લોકોએ કરી વાહ વાહ

હાલ દેશમાં લગ્નનો માહોલ ચાલી રહ્યો છે અને ઘણા બધા લોકો લગ્નના બંધનમાં પણ બંધાઈ રહ્યા છે. ત્યારે આ દરમિયાન ઘણા એવા લગ્ન પણ સામે આવી રહ્યા છે જે સમાજ માટે એક મિસાલ પણ કાયમ કરતા હોય છે અને આજની યુવા પેઢી માટે પ્રેરણારૂપ પણ બની જતા હોય છે. ત્યારે હાલ આવા જ એક લગ્ન સુરતમાંથી સામે આવ્યા છે.

લગ્નની શરૂઆત કંકોત્રી દ્વારા થતી હોય છે અને ઘણા લોકો આજે પોતાની લગ્નની કંકોત્રીમાં એવા એવા લખાણ લખાતા હોય છે જે લોકોના દિલ પણ જીતી લે છે અને સમાજ માટે પ્રેરણા સમાન પણ બની જતા હોય છે. સોશિયલ મીડિયામાં આવી કંકોત્રીની ઘણી તસવીરો અને વીડિયો પણ વાયરલ થતા હોય છે.

ત્યારે સુરત શહેરના એક જાગૃત યુવાન વિકાસ રાખોલીયાએ પણ તેમના લગ્નમાં એવી ખાસ કંકોત્રી બનાવી કે જેને લોકોના દિલ જીતવામાં કોઈ કસર બાઆકી ના રાખી. વિકાસ રાખોલીયાએ તેમના લગ્નની કંકોત્રીમાં સપ્તપદીના સાત વચન છપાવ્યા, જેમાં તેમને સમાજને એક અનોખો સંદેશ પૂરો પડ્યો હતો.

આ સાત વચનોમાં પહેલું વચન વૃક્ષો વાવીએ અને વવડાવીએ, બીજું વચન ટ્રાફિક નિયમોનું પાલન કરીએ અને કરાવીએ. ત્રીજું વચન વ્યસન અને વ્યાજખોરીથી દૂર રહીએ અને બીજાને દૂર રાખીએ. ચોથું વચન લોક જાગૃતિના કામ કરીએ અને કરાવીએ. પાંચમું વચન રક્તદાન કરીએ અને કરાવીએ. છઠ્ઠું વચન ચક્ષુદાન અને દેહદાનનો સંકલ્પ કરીએ અને સાતમા વચનમાં સમાજ કે રાષ્ટ્ર માટે હંમેશા વફાદાર રહીએ જેવા વચન લખાવ્યા હતા.

વિકાસ મૂળ અમરેલી જિલ્લાનો વતની છે પરંતુ તે હાલ સુરતમાં રહે છે. વિકાસની સગાઈ રિદ્ધિ વડોદરિયા સાથે નક્કી થઇ હતી. વિકાસે સગાઈમાં પણ ખોટા ખર્ચ કરવાના બદલે જે બાળકોને આર્થિક રીતે ભણવામાં મુશ્કેલી પડી રહી છે તેવા બાળકોનું સિલેક્શન કરીને તેમના ભણતરનો બધો જ ખર્ચ ઉપાડ્યો હતો.

ત્યારે આજે વિકાસ અને રિદ્ધિનું રિસેપશન સુરતના “દિવ્ય ફાર્મ” ખાતે રાખવામાં આવ્યું છે. જેમાં રિસેપ્શનની શરૂઆત પણ રાષ્ટ્રગાન દ્વારા કરવામાં આવશે તેવું પણ કંકોત્રીમાં જ લખાવ્યું હતું. ત્યારે હાલ તેના લગ્નનું આ કાર્ડ સોશિયલ મીડિયામાં પણ ખુબ જ વાયરલ થઇ રહ્યું છે અને લોકો પણ તેની વાહ વાહ કરી રહ્યા છે.

Niraj Patel