ખબર

છઠ્ઠે નોરતે કાત્યાયની : જાણો શું છે માતાની કથા અને પૂજા કરતી વખતે ધ્યાનમાં રાખવાની ખાસ બાબતો

નવરાત્રીનો છઠ્ઠા દિવસે નવદુર્ગાનાં છઠ્ઠા સ્વરૂપ એવાં કાત્યાયની માતાની પૂજા કરવામાં આવે છે. વ્રજમંડળની અધિષ્ઠાત્રી મનાતી માઁ કાત્યાયની શક્તિનું એક અમોઘ સ્વરૂપ છે. ભવ્ય કાંતિમાન સ્વરૂપ ધારણ કરનારી કાત્યાયની માતાએ જ મહિષાસુરનો વધ કરેલો!

‘કાત્યાયની’ કેમ કહેવાયા?

મહિષાસુર નામના દાનવનો ત્રણેલોકમાં હાહાકાર વર્તવા માંડ્યો ત્યારે જગદંબાએ મહર્ષિ કાત્યાયનનાં ઘરે અવતાર લીધો હતો. આ રીતે તેમણે મુનિ કાત્યાયનની ઇચ્છા પણ પૂરી કરેલી. અનેક વર્ષો સુધી તપ કરીને કાત્યાયને દેવી પાસે વરદાન મેળવેલું કે, માતાજી તેમને ઘેર દીકરી થઈને અવતરશે!

આમ, છઠ્ઠને દિવસે માતાજી પ્રગટ્યાં. એ પછી સાતમ, આઠમ અને નવમી(નોમ) સુધી કાત્યાયને તેમની પૂજા કરી અને દશમ અર્થાત્ દશેરાના દિવસે માતાજીએ મહિષાસુરનો વધ કર્યો. આમ, કાત્યાયન મુનિને ત્યાં અવતરવાને લીધે તેમનું નામ ‘કાત્યાયની’ પડ્યું.

કેવું છે માતાનું સ્વરૂપ? —

સિંહ પર અસવાર થયેલાં કાત્યાયની માતાને ચાર ભુજાઓ છે. એક હાથ અભયની મુદ્રામાં અને બીજો વરદાનની મુદ્રામાં છે. ત્રીજા હાથે કમળ ધારે છે અને ચોથા હાથમાં તલવાર શોભી રહી છે.

માતાની પૂજાથી થતી ફળપ્રાપ્તિ —

માતાજીની સાચાં હ્રદયથી પ્રાર્થના કરનાર ભક્તનો ઉધ્ધાર નિશ્વિત છે. આ જન્મારે જ દરેક પ્રકારનાં ફળો તે મેળવવાને સક્ષમ બને છે. મનમાંથી ભય દૂર થાય છે. રોગાદિ વ્યાધિઓ પણ નાસી જાય છે. કુંવારી કન્યાઓ માઁ કાત્યાયનીની પૂજા કરે તો સુયોગ્ય વર મળવાનો યોગ સર્જાય છે. માતાના અભયદાન અને વરદાન આપતા હાથોથી ભક્તો પર એની કૃપા હંમેશા વરસતી રહે છે.

આજ્ઞાચક્ર —

મહાપર્વ નવરાત્રીના છઠ્ઠા દિવસે માતા કાત્યાયનીની પૂજા કરતા સાધકનું મન ‘આજ્ઞાચક્ર’માં સ્થિત થાય છે. યોગસાધનામાં આ ચક્રને બહુ મહત્ત્વનું ગણવામાં આવ્યું છે. એક વાર સાધક પોતાનું તન-મન-ધન માતાનાં ચરણોમાં અર્પિત કરીને પૂરાં વિધાન સાથે, હ્રદયથી માતાની આરાધના કરે એટલે ચોક્કસથી ઇચ્છીય ફળ મળી રહે છે.

પૂજા માટેની નોંધનીય બાબતો —

નવદુર્ગા સ્વરૂપ અન્ય દેવીઓની જેમ માતાની પૂજા પણ ‘ગોધૂલી’ કાળે કરવી જોઈએ. માતા કાત્યાયનીને મધ બહુ પ્રિય છે. આથી પૂજાવિધિ વખતે તેમને મધનો ભોગ જરૂરથી લગાવવો જોઈએ. એ ઉપરાંત લાલ વસ્ત્રનું પણ વિધાનમાં મહત્ત્વ છે.

મંત્રજાપ —

चन्द्रहासोज्ज्वलकरा शार्दूलवरवाहना |

कात्यायनी च शुभदा देवी दानवघातिनी ||

બીજમંત્ર : “ક્લીં શ્રીત્રિનેત્રાયૈ નમ :”.

જય માઁ કાત્યાયની!

Author: Kaushal Barad GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.