107 યુગલોએ ઘરના આંગણેથી સમૂહ લગ્નમાં લીધો ભાગ, 50થી પણ વધારે દેશોમાં 2 લાખ સમાજના લોકોએ નિહાળ્યા આ અનોખા લગ્નને,જુઓ તસવીરો

કોરોના કાળમાં ગયા વર્ષે બહુ લગ્નો યોજાયા નહીં, પરંતુ હવે કોરોનામાં થોડી રાહત મળવાની સાથે જ લગ્નો થવા લાગ્યા છે, ત્યારે હવે સમૂહ લગ્નોના આયોજનો પણ થઇ રહ્યા છે. જેમાં હાલમાં જ સૌરાષ્ટ્ર પટેલ સમાજ દ્વારા 62માં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું.

એક રીતે તો આ સમૂહ લગ્ન હતા, પરંતુ આ સમૂહ લગ્નમાં કોરોનાના નિયમોનું પણ ખાસ પાલન હતું, જેમાં 107 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા.

પરંતુ આ લગ્નની એક ખાસ વાત એ હતી કે તમામ યુગલોએ પોતાના ઘરના બારણેથી જ લગ્ન કર્યા હતા. સમારોહ સ્થળ ઉપરથી તો માત્ર ત્રણ યુગલોએ જ લગ્ન કર્યા હતા.

સૌરાષ્ટ્ર સમાજ દ્વારા યોજાયેલા આ ખાસ સમૂહ લગ્નને 50 જેટલા દેશના પટેલ સમાજના લોકોએ પોતાના ઘરે બેઠા ઓનલાઇન જ માણ્યા હતા. જેમાં 2 લાખ કરતા પણ વધારે લોકોએ ઓનલાઇન લગ્નમાં હાજરી આપી હતી અને નવદંપતીઓને આશીર્વાદ પણ આપ્યા હતા.

આ સાથે જ આ સમૂહ લગ્નના આયોજન દ્વારા સમાજને પણ એક ઉમદા સંદેશ આપવામાં આવ્યો હતો. એકતરફ જ્યાં ઘણા લોકો હજુ કુરિવાજો અને કેટલીક માન્યતાઓમાં જીવી રહ્યા છે ત્યારે પટેલ સમાજ દ્વારા એક મોટો સંદેશ આપવામાં આવ્યો.

સમાજ દ્વારા આ 62માં સમૂહ લગ્નોનો દીપ પ્રાગટ્ય ઉદ્દઘાટન ગંગા સ્વરૂપ (વિધવા) બહેનો દ્વારા કરવામાં આવ્યું હતું. જેના દ્વારા એક નવી પહેલીની શરૂઆત અને આવનારી પેઢીને એક સંદેશ પણ પૂરો પાડવામાં આવ્યો.

આ લગ્નની અંદર 107 યુગલોએ પ્રભુતામાં પગલાં મંડ્યા, જેમાંથી 94 લગ્ન મંડપ સુરતના જ વિવિધ વિસ્તારોમાં હતા. જેમાંથી 3 સમારંભ સ્થળે હતા. બાકીના 13 લગ્ન મંડપ સૌરાષ્ટ્રના વિવિધ સ્થળે હતા. જેને ડીઝીટલ માધ્યમ દ્વારા જોડીને અનોખા સમુહલગ્ન યોજવામાં આવ્યા હતા.

આ અનોખા સમૂહલગ્નનું આયોજન મિનીબજાર સૌરાષ્ટ્ર પટેલ ભવન કહતે કરવામાં આવ્યું હતું. સાથે જ આ લગ્ન સ્થળ ઉપર સૌરાષ્ટ્ર અને સુરતનું થીમ પણ બનાવવામાં આવ્યું હતું.

લગ્નમાં જોડાનારા તમામ યુગલોને સંસ્થા તરફથી 20 હજાર રોકડા, 20 હજારનું કરિયાવર અને કુંવર બાઈના મોમેરા સ્વરૂપે 20 હજાર સમેત કુલ 60 હજાર રૂપિયાની સહાય પણ કરવામાં આવી હતી.

આ ઉપરાંત પણ લગ્નમાં જોડાયેલા યુગલોને અલગ અલગ સંસ્થાઓ અને દાતાઓ તરફથી ભેટ તેમજ ચાંદલા સ્વરૂપે રોકડ રકમ પણ આપવામાં આવી હતી.

Niraj Patel