અમદાવાદનો આખો નજારો રોમાંચક બન્યો, 600 સ્વદેશી ડ્રોને આકાશમાં ઉડીને એવી પ્રતિકૃતિઓ બનાવી કે લોકોની નજર થંભી ગઈ, જુઓ વીડિયો

ગુજરાત સમેત દેશભરમાં હાલ નવરાત્રીનો માહોલ જામ્યો છે જેના કારણે હવે રાત્રિઓ પણ દિવસોમાં ફેરવાઈ ગઈ છે. નવરાત્રીમાં ગરબા રમવા માટે રાત્રે મોટી સંખ્યામાં લોકો પાર્ટીપ્લોટ અને ગરબા સ્થળે પહોંચી રહ્યા છે. ત્યારે આ દરમિયાન ગઈકાલે અમદાવાદમાં એક ખુબ જ અદભુત આકાશી નજારો જોવા મળ્યો હતો.

આ વખતે અમદાવાદમાં રિવરફ્રન્ટ પર નેશનલ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો ગઈકાલે ઉદ્ઘાટન સમારંભ યોજવામાં આવ્યો હતો. જેમાં સાબરમતી રિવરફ્રન્ટ ઉપર 600 સ્વદેશી ડ્રોન દ્વારા નેશનલ ગેમ્સને લઈને લોકોમાં ઉત્સાહ વધારવા માટે એક ખાસ શોનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ 600 ડ્રોન દિલ્હીની આઈઆઈટીના વિદ્યાર્થીઓ દ્વારા મેક ઈન ઇન્ડિયા એટલે કે સ્વદેશી ડ્રોન બનાવવામાં આવ્યા છે. આ 600 ડ્રોને આકાશમાં ઉડી અને અમદાવાદનો નજારો જ બદલી નાખ્યો હતો. આકાશની અંદર વિવિધ પ્રતિકૃતિઓ બનાવીને એક અજાયબી સર્જી હતી. જેને જોવો પણ એક લ્હાવો હતો. આ જોવા માટે લોકોની નજર પણ આકાશ તરફ થંભી ગઈ હતી.

રિવરફ્રન્ટ ઉપરથી આકાશમાં ઉડેલા ડ્રોન દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી, વેલકમ પીએમ મોદી, ભારત દેશનો નકશો, વંદે ગુજરાત, આઝાદી કા અમૃત મહોત્સવ અને નેશનલ ગેમ્સનો લોગો જેવી પ્રતિકૃતિઓ બનાવી હતી. આ ડ્રોન શો સાબરમતી રિવરફ્રન્ટ પર અટલ બ્રિજના પૂર્વ છેડા ઉપર આયોજિત કરવામાં આવ્યો હતો. આ ડ્રોન શો જોવા માટે મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ ડ્રોન શોને રમતગમત અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

તમને જણાવી દઈએ કે આજે એટલે કે ગુરુવારના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 36માં નેશનલ ગેમ્સનું ઉદ્ઘાટન વડાપ્રધાન મોદીના હાથે કરવામાં આવશે. નેશનલ ગેમ્સને લઈને અમદાવાદને પણ શણગારવામાં આવ્યું છે. આ ઉપરાંત લોકોમાં નેશનલ ગેમ્સને લઈને ઉત્સાહ વધારવા માટે અલગ અલગ આયોજનો પણ કરવામાં આવ્યા છે. ડ્રોન શો આ આયોજનોની એક મહત્વનું પાસું હતું. જેને અમદાવાદ વાસીઓએ ગતરોજ માણ્યું.

Niraj Patel