આવી ચોરી આજ પહેલા ક્યારેય નહિ જોઈ હોય, JCB અને ટ્રક લઈને આવ્યા ચોર, કટરથી કાપીને લઇ ગયા 60 ફૂટ લાંબો પુલ, શું કહેવું આ ચોરને ?

ચોર ચોરી કરવા માટે ગજબના દિમાગ વાપરતા હોય છે. ઘણા ચોરના એવા એવા જુગાડ આપણે જોઈએ છીએ કે તે જોઈને આપણે પણ હેરાન રહી જઈએ. ત્યારે હાલ એક મામલો સામે આવ્યો છે જેમાં એક ચોરે એવી વસ્તુની ચોરી કરી છે જેના વિશે કોઈ સપનામાં પણ ના વિચારી શકે, આ ચોરે કોઈ ઘરમાં નહિ પરંતુ જાહેરમાં જ 60 ફૂટ લાંબો પુલ ચોરી લીધો.

બિહારમાંથી ચોરીનો આ વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. બિહારના રોહતાસ જિલ્લાના નસરીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના અમિયાવર વિસ્તારમાં એક નહેર છે. આ કેનાલ પર બનેલો લોખંડનો પુલ રાતોરાત ગાયબ થઈ ગયો. જ્યારે બ્રિજ ગાયબ થવાના સમાચાર સામે આવ્યા ત્યારે લોકોમાં આશ્ચર્ય ફેલાયું હતું. લોકોએ જઈને જોયું તો ખબર પડી કે કેનાલ પર બનાવેલો 60 ફૂટ લાંબો, દસ ફૂટ પહોળો અને બાર ફૂટ ઊંચો પુલ ગાયબ હતો. જણાવવામાં આવી રહ્યું છે કે ચોરોએ તે પુલને જેસીબીથી ઉખેડી નાખ્યો અને તેનું લોખંડ ટ્રકમાં ભરીને પોતાની સાથે લઈ ગયા.

ચોરોએ રાતોરાત આટલી મોટી ઘટનાને અંજામ આપ્યો અને પ્રશાસનને તેની જાણ સુદ્ધાં ન થઈ. રસપ્રદ વાત એ છે કે સિંચાઈ વિભાગના અધિકારી હોવાના બહાને ચોરોએ સ્થાનિક વિભાગીય કર્મચારીઓની પણ મદદ લઈને તેમની હાજરીમાં આખો બ્રિજ ચોરી લીધો હતો. તમને જણાવી દઈએ કે કેનાલ પર સ્થિત કોંક્રીટ પુલની સમાંતર 25 ફૂટના અંતરે લોખંડનો પુલ હતો, જે ઘણા દાયકાઓ જૂનો હતો. ગ્રામજનોએ જણાવ્યું કે આ પુલ પહેલા પણ ઘણી વખત ચોરો લોખંડ કાઢીને પીકઅપ પર ચઢાવી ચુક્યા છે. જોકે, આ વખતે ચોરોએ 60 ફૂટ લાંબા પુલની ચોરી કરી હતી. હાલ ચોર બ્રિજ પરથી કાઢેલું લોખંડ ક્યાં લઈ ગયા છે તે જાણી શકાયું નથી.

ગ્રામજનોએ જણાવ્યું કે સોમવારે ચોર જેસીબી અને ટ્રક લઈને આવ્યા હતા અને દિવસભર પુલને તોડી નાખતા હતા. જ્યારે ગ્રામજનોએ તેને પ્રશ્ન પૂછ્યો તો ચોરોએ કહ્યું કે તે સિંચાઈ વિભાગનો કર્મચારી છે. આ પછી તેમણે કટર વડે બ્રિજનું લોખંડ કાપીને ટ્રકમાં ચઢાવીને લઈ ગયા હતા. ગામના લોકોનું કહેવું છે કે પહેલા લોકો બોટ દ્વારા કેનાલ પાર કરતા હતા, પરંતુ વર્ષ 1966માં મુસાફરોથી ભરેલી બોટ કેનાલમાં ડૂબી ગઈ હતી.

આ પછી 1972થી 1975 વચ્ચે લોખંડનો પુલ બનાવવામાં આવ્યો હતો. જોકે બાદમાં લોખંડના પુલને આંશિક નુકસાન થયું હતું. પછી તેની સમાંતર કોંક્રીટ પુલ બનાવવામાં આવ્યો. જેના કારણે જૂના પુલ પરથી વાહનવ્યવહાર સદંતર બંધ થઈ ગયો હતો અને હવે તેનો ઉપયોગ થતો નથી. આ ઘટના પ્રકાશમાં આવ્યા પછી, જળ સંસાધન વિભાગના જેઈએ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવાનું કહ્યું છે.

Niraj Patel