દુઃખદ સમાચાર: ગુજરાતમાં અહીંયા સ્કૂલના કમ્પાઉન્ડમાંથી 6 વર્ષીય વિદ્યાર્થીનીનો મળ્યો મૃતદેહ, વાલીઓમાં ફફડાટ

દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના તોરણી ગામમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. તોરણી પ્રાથમિક શાળામાં પ્રથમ ધોરણમાં અભ્યાસ કરતી 6 વર્ષની બાળકીનો મૃતદેહ શાળાના કમ્પાઉન્ડમાંથી મળી આવ્યો છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે.

બાળકી સવારે નિયમિત રીતે શાળામાં ગઈ હતી, પરંતુ શાળા છૂટ્યા બાદ મોડી સાંજ સુધી ઘરે ન પહોંચતા તેના પરિવારજનો ચિંતામાં મૂકાયા હતા. પરિવારે બાળકીની શોધખોળ હાથ ધરી હતી અને અંતે તેનો મૃતદેહ શાળાના કમ્પાઉન્ડમાંથી મળી આવ્યો હતો.

તાત્કાલિક, પરિવારજનો બાળકીને લીમખેડા રેફરલ હોસ્પિટલ લઈ ગયા હતા. ત્યાં ફરજ પરના તબીબોએ બાળકીને મૃત જાહેર કરી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ અધિક્ષક (SP) અને લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)ની ટીમો હોસ્પિટલ પહોંચી હતી.

બાળકીના મૃતદેહને વધુ તપાસ માટે લીમખેડાથી દાહોદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. બાળકીનો મૃતદેહ શંકાસ્પદ સ્થિતિમાં મળી આવતા પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લીધી છે અને ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. જોકે, હાલ પૂરતો અકસ્માતે મોતનો કેસ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પ્રાથમિક તપાસમાં એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે બાળકી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોઈ શકે છે. જો કે, આ અંગેની ચોક્કસ માહિતી પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ જાણી શકાશે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાળકીના મૃત્યુનું સાચું કારણ સામે લાવશે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ઊભો કર્યો છે. સ્થાનિક રહીશો અને બાળકીના પરિવારજનો ન્યાયની માંગ કરી રહ્યા છે. પોલીસે આશ્વાસન આપ્યું છે કે તેઓ આ કેસની ઝીણવટભરી તપાસ કરશે અને દોષીઓને કડક સજા અપાવવા માટે પ્રતિબદ્ધ છે.

kalpesh