ના મળી એમ્બ્યુલન્સ તો પિતાનો જીવ બચાવવા માટે 6 વર્ષનું બાળક રેંકડીમાં સૂવડાવી હોસ્પિટલ પહોંચ્યુ, વીડિયો તમારી આંખમાં પણ લાવી દેશે આંસુ

બીમાર પિતાને રેંકડીમાં સૂવડાવી હોસ્પિટલ પહોંચ્યો 6 વર્ષનો છોકરો, વીડિયો જોઇ ધ્રુજી ઉઠશે દિલ

હાલમાં સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો સામે આવ્યો છે, જેને જોયા પછી તમારું દિલ પણ ધ્રુજી ઉઠશે. વીડિયોમાં એક છ વર્ષનો બાળક તેના બીમાર પિતાને લાકડાની હાથલારીમાં સારવાર માટે સરકારી હોસ્પિટલ લઈ જતો જોવા મળી રહ્યો છે. આ મામલો શનિવારે પ્રકાશમાં આવ્યો હતો. જ્યારે કેટલાક લોકોએ છોકરાને તેની માતા સાથે આવી રીતે જોયો તો તે લોકોએ વીડિયો પોતાના મોબાઇલમાં રેકોર્ડ કરી તેને સોશિયલ મીડિયા પર શેર કર્યો, જે બાદ તે વાયરલ થઇ ગયો. આ ઘટના મધ્યપ્રદેશના સિંગરૌલી જિલ્લાના બલિયારી શહેરમાં બની હતી,

જ્યાં પરિવાર એક કલાકથી વધુ સમય સુધી એમ્બ્યુલન્સની રાહ જોતો હતો. જો કે, વાહન આવવામાં વિલંબ થતાં, છોકરાએ તેના પિતાને હાથલારીમાં હોસ્પિટલ લઈ જવા પડ્યા હતા. વાયરલ થયેલા વીડિયોમાં ટી-શર્ટ અને બ્લુ ડેનિમમાં સજ્જ એક છોકરો હાથલારી ખેંચવાનો પ્રયાસ કરતો જોવા મળે છે. છોકરા ત્રણ કિલોમીટર સુધી હાથલારી ધકેલી પિતાને હોસ્પિટલ લઇ પહોંચ્યો. એક છેડે દીકરો જ્યારે બીજા છેડે માતા ધક્કો મારતી જોવા મળી હતી. સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ સિંગરૌલી જિલ્લા પ્રશાસને આ મામલાની નોંધ લીધી અને શનિવારે સાંજે આ મામલાની તપાસના આદેશ આપ્યા.

જો કે, આ વીડિયો સામે આવ્યા બાદ લોકો સોશિયલ મીડિયા પર મધ્યપ્રદેશ સરકાર પર પ્રહારો કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે સિંગરૌલીમાં એક 6 વર્ષનો બાળક તેના બીમાર પિતા સાથે હાથગાડી પર હોસ્પિટલ પહોંચ્યો, શિવરાજ સિંહ ચૌહાણ સ્વાસ્થ્ય સેવાઓ ક્યાં છે ? બીજા યુઝરે લખ્યું કે શિવરાજ સિંહ ચૌહાણ મધ્યપ્રદેશમાં વિકાસ ક્યાંથી લાવ્યા ? અન્ય એક યુઝરે લખ્યું કે કદાચ મધ્યપ્રદેશની એમ્બ્યુલન્સ ગરીબો માટે નથી, તેથી દર્દીને હાથલારી પર સુવડાવીને હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા છે. વીડિયોમાં દર્દીની પત્ની અને પુત્ર હાથગાડીને ધક્કો મારી રહ્યા છે.

એક બીજા યુઝરે લખ્યું કે અહીંના ડોક્ટરો ગરીબોની સારવાર કેવી રીતે કરશે, જ્યારે તેઓ એમ્બ્યુલન્સ મોકલી શકતા નથી. જણાવી દઈએ કે વીડિયો વાયરલ થયા બાદ એડીએમએ મામલાની તપાસના આદેશ આપ્યા હતા. તપાસ બાદ માલુમ પડ્યું છે કે દર્દીના પરિવારજન હાથગાડીમાં ઉતાવળમાં દર્દીને જિલ્લા હોસ્પિટલ લઇ ગયા હતા. તેમણે એમ્બ્યુલન્સનો સંપર્ક કરવાનો પણ પ્રયાસ કર્યો ન હતો. તપાસ અધિકારીના જણાવ્યા અનુસાર, પરિવારના મોબાઈલ ફોન પણ ચેક કરવામાં આવ્યા હતા, જેમાં એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી ન હોવાનું જાણવા મળ્યું હતું. જો કે, હકિકત શું છે તે તો હવે આગળ જતા જ ખબર પડશે.

Shah Jina