વરસાદને લઇને ફરી એકવાર હવામાન વિભાગે કરી આગાહી, ખેડૂતો માટે આવ્યા ખુશીના સમાચાર

રાજયમાં ઘણી જગ્યાએ વરસાદની રમઝટ જોવા મળી છે, તો કેટલીક જગ્યાએ હાલ પણ વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યુ છે અને વરસાદ તો જાણે હાથતાળી આપી જતો રહેતો હોય તેમ લાગી રહ્યુ છે. વરસાદને લઇને હવે ફરી એકવાર હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, 20 સપ્ટેમ્બર સુધીમાં સારો વરસાદ વરસી શકે છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર ની અસરથી 14 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદ પડી શકે છે તેમજ બુધવાર સુધીમાં વરસાદી સિસ્ટમ પણ સક્રિય થઇ શકે છે.

ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનાની શરૂઆતથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્ર અને રાજસ્થાનમાં તો સાઇક્લોન સર્ક્યુલેશન સક્રિય થતા ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. જણાવી દઇએ કે, 6 સપ્ટેમ્બરના રોજ  પંચમહાલ, દાહોદ, વલસાડ, નવસારી, ડાંગ, સુરત, તાપી, દમણ અને દાદરા નગર હવેલી, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં વરસાદની આગાહી છે. તેમજ 7 સપ્ટેમ્બરના રોજ મંગળવારે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદની સંભાવના જણાવવામાં આવી છે. જેમાં અનેક જિલ્લાઓ સહિત અમદાવાદમાં સામાન્ય વરસાદની સંભાવના છે.

ઉલ્લેખનીય છે કે, 8 સપ્ટેમ્બરના રોજ બુધવારે વલસાડ, નવસારી, સુરત, તાપી, ડાંગ, ભરુચ અને દમણમાં ભારે વરસાદની આગાહી છે. તેમજ આ સાથે સૌરાષ્ટ્ર-કચ્છ, દીવ, દમણ તથા દાદરા નગર હવેલી સહિત સમગ્ર ગુજરાતમાં સારો એવો વરસાદ વરસી શકે તેવી સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન નિષ્ણાંત અનુસાર, આગામી 24 કલાકમાં બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થતા 8 સપ્ટેમ્બર સુધી ડિપ્રેશન અને વોલમાર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થઇ શકે છે જેને કારણે ગુજરાતમાં ભારે વરસાદ પડશે. 8 સપ્ટેમ્બર બાદ લો-પ્રેશર બંગાળની ખાડીથી આગળ વધીને રાજસ્થાનની આજુબાજુ પહોંચશે આથી આ લો-પ્રેશર વેલમાર્ક લો-પ્રેશરથી લઇને ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે, જેની અસર 8થી 14 સપ્ટેમ્બર સુધી રહેશે. જેને કારણે રાજ્યભરમાં વરસાદ પડશે

Shah Jina