નવા વર્ષમાં થવા જઈ રહ્યા છે આ 6 મોટા બદલાવ, તમારા ખિસ્સાને પડવાનો છે વધારાનો માર, જાણી લો નહિ તો રડવાનો વારો આવશે

વર્ષ 2021ને પૂર્ણ થવામાં હવે માત્ર 2 દિવસ જ બાકી છે. ત્યાર બાદ નવું વર્ષ 2022 આવશે. પરંતુ, નવું વર્ષ તમારા માટે ઘણા મોટા ફેરફારો લઈને આવી રહ્યું છે. આ ફેરફારો તમારા રોજિંદા જીવનને પણ અસર કરશે. ચાલો અમે તમને જણાવીએ કે કયા ફેરફારો થશે અને તે તમારા ખિસ્સા પર કેવી અસર કરશે.

ATMમાંથી કેસ કાઢવા ઉપર લાગશે વધારાનો ચાર્જ:
ભારતીય રિઝર્વ બેંકે બેંકોને ફ્રી ટ્રાન્ઝેક્શન પછી રોકડ ઉપાડ પર ચાર્જ વધારવાની મંજૂરી આપી છે. હાલમાં બેંકો ગ્રાહકો પાસેથી 20 રૂપિયા પ્રતિ ટ્રાન્ઝેક્શન ચાર્જ કરે છે. તેમાં કરનો સમાવેશ થતો નથી. આરબીઆઈના ફ્રી ટ્રાન્ઝેક્શન પછી, બેંકોને તેમના ગ્રાહકો પાસેથી 20 રૂપિયાને બદલે 21 રૂપિયા પ્રતિ ટ્રાન્ઝેક્શન વસૂલવાની છૂટ આપવામાં આવી છે. આ નિયમ 1 જાન્યુઆરી, 2022થી લાગુ થશે.

કપડાં અને બુટ-ચપ્પલ પણ થશે મોંઘા:
1 જાન્યુઆરી, 2022થી કપડાં અને ફૂટવેર પર 12 ટકા GST લાગશે. કેન્દ્ર સરકારે કાપડ, રેડીમેડ અને ફૂટવેર પરનો GST 7% વધાર્યો છે. આ સાથે હવે ઓનલાઈન ઓટો રિક્ષા બુકિંગ પર 5% GST ચૂકવવો પડશે. તમને જણાવી દઈએ કે, ઓલા, ઉબેર જેવા એપ આધારિત કેબ સર્વિસ પ્રોવાઈડર પ્લેટફોર્મ પરથી ઓટો રિક્ષા બુક કરાવવી હવે મોંઘી થશે. જોકે, ઑફલાઇન મોડ દ્વારા ઓટો રિક્ષાના ભાડામાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. તેને જીએસટીના દાયરાની બહાર રાખવામાં આવ્યો છે.

ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકે રોકડ જમા કરાવવા અને ઉપાડવા માટેના દરમાં વધારો કર્યો:
ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક (IPPB) ખાતાધારકોએ 1 જાન્યુઆરીથી ચોક્કસ મર્યાદાથી વધુ રોકડ ઉપાડવા અને જમા કરાવવા માટે ચાર્જ ચૂકવવો પડશે. બેઝિક સેવિંગ્સ એકાઉન્ટમાંથી રોકડ ઉપાડ દર મહિને 4 વખત ફ્રી થશે. પરંતુ આ પછી, દરેક ઉપાડ પર 0.50% ચાર્જ ચૂકવવો પડશે, જે ઓછામાં ઓછા 25 રૂપિયા હશે. જોકે, બેઝિક સેવિંગ્સ એકાઉન્ટમાં પૈસા જમા કરાવવા માટે કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં. મૂળભૂત બચત ખાતા ઉપરાંત, અન્ય બચત ખાતાઓ અને ચાલુ ખાતાઓમાં 10,000 રૂપિયા સુધીની થાપણો માટે કોઈ ફી ચૂકવવાની જરૂર રહેશે નહીં. 10 હજાર પછી 0.50% ફી લેવામાં આવશે. જે ઓછામાં ઓછા 25 રૂપિયા પ્રતિ ટ્રાન્ઝેક્શન હશે. બચત અને ચાલુ ખાતામાં દર મહિને રૂ. 25,000 સુધીની રોકડ ઉપાડ મફત હશે અને ત્યારપછીના દરેક વ્યવહાર પર 0.50% ચાર્જ કરવામાં આવશે.

નવા વર્ષમાં કાર ખરીદવી મોંઘી થશે
નવા વર્ષમાં તમારે મારુતિ સુઝુકી, રેનો, હોન્ડા, ટોયોટા અને સ્કોડા સહિત લગભગ તમામ કાર કંપનીઓની કાર ખરીદવા માટે વધુ કિંમત ચૂકવવી પડશે. ટાટા મોટર્સ 1 જાન્યુઆરી, 2022થી કોમર્શિયલ વાહનોના ભાવમાં 2.5% વધારો કરશે.

હવે તમે Amazon Prime પર લાઈવ ક્રિકેટ મેચ જોઈ શકશો
હવે એમેઝોનના ઓટીટી પ્લેટફોર્મ પ્રાઇમ વીડિયો પર લાઈવ ક્રિકેટ મેચો પણ જોઈ શકાશે. એમેઝોન પ્રાઇમ વીડિયો આવતા વર્ષે 1 જાન્યુઆરી, 2022થી ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચેની ટેસ્ટ શ્રેણી સાથે લાઇવ ક્રિકેટ સ્ટ્રીમિંગ પ્લેમાં પ્રવેશ કરી રહ્યું છે.

કોરોના રસીની નોંધણી 15 થી 18 વર્ષના બાળકો માટે શરૂ થશે
3 જાન્યુઆરી, 2022 થી કોરોના રસી 15 થી 18 વર્ષની વયના બાળકોને આપવામાં આવશે. આ માટે 1 જાન્યુઆરીથી કોવિન એપ પર રજીસ્ટ્રેશન કરાવી શકાશે. શાળા દ્વારા જારી કરાયેલ આઈડી કાર્ડ પણ નોંધણી માટે ઓળખ પુરાવા તરીકે માન્ય રહેશે.

Niraj Patel