BREAKING : અમેરિકામાં શિકાગોમાં આઝાદીના જશ્ન દરમિયાન અંધાધુંધ ફાયરિંગમાં આટલા લોકોની મોત, પોલિસે સંદિગ્ધને લીધો કસ્ટડીમાં

અમેરિકાના શિકાગોમાં ફ્રીડમ ડે પરેડ દરમિયાન અંધાધૂંધ ગોળીબારમાં છ લોકોના મોત થયા છે અને 20થી વધુ લોકો ઘાયલ થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર અમેરિકાના શિકાગોમાં ફ્રીડમ ડે પરેડ દરમિયાન એક ગોરા વ્યક્તિએ ગોળીબાર કર્યો હતો. શિકાગોના હાઈલેન્ડ પાર્ક વિસ્તારમાં ફ્રીડમ ડે પરેડ કાઢવામાં આવી રહી હતી. આ પરેડ દરમિયાન જ ફાયરિંગ થયું હતું. ગોળીબાર બાદ શિકાગોના હાઈલેન્ડ વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. અમેરિકામાં 4 જુલાઈના રોજ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવે છે.

આ દરમિયાન દેશભરમાં પરેડનું આયોજન કરવામાં આવે છે. આ સંદર્ભે, ઇલિનોઇસ શહેરના હાઇલેન્ડ પાર્કમાં સ્વતંત્રતા દિવસ પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન શૂટરે ફ્રીડમ ડે પરેડમાં ભાગ લઈ રહેલા લોકો પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. રિપોર્ટ અનુસાર શૂટરે છત પરથી ગોળીબાર કર્યો હતો. શૂટર છૂટક દુકાનની છત પર ચઢી ગયો અને ત્યાંથી લોકો પર ગોળીબાર શરૂ કર્યો. હાલના લેટેસ્ટ રીપોર્ટ્સ અનુસાર 31 જેટલા લોકો ઘાયલ થવાની ખબર છે.ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.કેટલાક મીડિયા રીપોર્ટમાં એવું પણ સામે આવ્યુ છે કે, પોલિસે એક સંદિગ્ધ હુમલાખોરને કસ્ટડીમાં લીધો છે.

પરેડ સવારે 10 વાગ્યે શરૂ થઈ હતી, પરંતુ 10 મિનિટના ફાયરિંગ પછી તેને બંધ કરી દેવામાં આવી હતી. પરેડને જોવા માટે સેંકડો લોકો ઉમટી પડ્યા હતા. પોલીસે સ્થાનિક લોકોને ઘટનાસ્થળેથી દૂર રહેવા જણાવ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર હુમલાખોરે એક સ્ટોરની છત પરથી અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. વિસ્તારને કોર્ડન કરીને હુમલાખોરની શોધ ચાલુ કરી હતી. અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને આ ઘટના પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું- હું આ નિર્દય હિંસાથી સ્તબ્ધ છું.

હાઈલેન્ડ પાર્ક સિક્યુરિટી ચીફ ક્રિસ ઓ’નીલના જણાવ્યા અનુસાર હુમલાખોર 18 થી 20 વર્ષનો યુવક છે. તે રંગમાં ગોરો છે અને લાંબા વાળ ધરાવે છે. તેણે સફેદ કે વાદળી ટી-શર્ટ પહેરેલ છે. પોલીસને ઘટનાસ્થળેથી એક બંદૂક મળી આવી છે. લોકોને ઘરની અંદર જ રહેવા માટે કહેવામાં આવ્યું છે.શિકાગો સન-ટાઈમ્સના અહેવાલ મુજબ ઘટનાસ્થળે એક વ્યક્તિ જમીન પર પડેલો હતો. તેનું શરીર ધાબળાથી ઢંકાયેલું હતું. તે જ સમયે, લગભગ 5-6 લોકો લોહીથી લથપથ જમીન પર પડેલા હતા.

તમને જણાવી દઈએ કે, તાજેતરમાં જ અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને ‘એન્ટી-ગન વાયોલન્સ બિલ’ને મંજૂરી આપી હતી. બિલને ડેમોક્રેટિક અને રિપબ્લિકન બંને રાજકીય પક્ષો તરફથી સમર્થન મળ્યું હતું. ટેક્સાસની એક શાળામાં એક બંદૂકધારીએ અંધાધૂંધ ગોળીબારમાં 19 વિદ્યાર્થીઓ અને બે શિક્ષકોની નિર્દયતાથી હત્યા કરી નાખી. આ ઘટના બાદથી સરકાર પર દેશમાં હથિયારોની ખરીદી સંબંધિત કડક કાયદા માટે દબાણ કરવામાં આવ્યું હતું. ત્યારે હવે ફ્રીડમ ડે પરેડમાં ફાયરિંગની ઘટના સામે આવી.

Shah Jina