અનોખા લગ્ન! 6 સગા ભાઈઓએ 6 સગી બહેનો સાથે કર્યા લગ્ન, વીડિયો થયો વાયરલ

હાલ પાકિસ્તાનનો એક લગ્નનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેની ખાસિયત એ છે કે, આ લગ્નમાં 6 સગા ભાઈઓએ 6 સગી બહેનો સાથે લગ્ન કર્યા હતા. આ અનોખો કાર્યક્રમ 100 થી વધુ મહેમાનોની હાજરીમાં અત્યંત સાદગી સાથે યોજાયો હતો. આ લગ્નમાં ન તો દહેજ લેવામાં આવ્યું કે ન તો કોઈ બિનજરૂરી ખર્ચ કરવામાં આવ્યો. ખાસ વાત એ હતી કે આ સમારોહ માટે તમામ ભાઈઓએ લાંબો સમય રાહ જોવી પડી હતી, કારણ કે સૌથી નાનો ભાઈ જ્યાં સુધી પુખ્તવયનો ન થાય ત્યાં સુધી લગ્ન કરી શકે નહીં.

આવી રીતે પસંદ કર્યું કુટુંબ

આ ભાઈઓએ એક કુટુંબ પસંદ કર્યું જ્યાં 6 સગી બહેનો હતી. તેમના પરિવારને સંબંધની માહિતી આપી સંમતિ મેળવવામાં આવી હતી. આ પછી લગ્નની વિધિઓ નક્કી કરવામાં આવી હતી અને ખૂબ જ સાદગી અને પ્રેમથી કાર્યક્રમ યોજાયો હતો. મોટા ભાઈએ નક્કી કર્યું કે બધા 6 ભાઈઓ એક જ દિવસે લગ્ન કરશે. તેમણે કહ્યું કે આજકાલ લોકો લગ્ન માટે લોન લે છે અથવા તેમની જમીન વેચે છે. અમે બતાવવા માગતા હતા કે લગ્નને કોઈપણ આર્થિક બોજ વિના યાદગાર અને સુખી બનાવી શકાય છે.

માત્ર 30 હજાર રૂપિયામાં લગ્ન

24NewsHD ચેનલ અનુસાર, આ સમૂહ લગ્નનો કુલ ખર્ચ માત્ર 1 લાખ પાકિસ્તાની રૂપિયા હતો, જે ભારતીય ચલણમાં માત્ર 30 હજાર રૂપિયા છે. આ ઓછી કિંમતનું આયોજન ખર્ચાળ લગ્નોની પરંપરાને પડકારે છે. લગ્નનો આ વીડિયો પાકિસ્તાનના સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. લોકો આ સાદા લગ્નના વખાણ કરી રહ્યા છે અને તેને નવી વિચારસરણી અને પ્રેરણાનું પ્રતીક માની રહ્યા છે.

Twinkle