ખબર

શરમજનક: આ મામલે ભારતે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

દેશમાં કોરોનાની બીજી લહેર વધુ ખતરનાક થઈ જઈ રહી છે. દેશમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા દરરોજ નવા રેકોર્ડ બનાવી રહી છે. છેલ્લા 24 કલાકમાં નવા દર્દી અને મોતના આંકડાએ જૂના તમામ રેકોર્ડ તોડી દીધા છે. આવું બીજી વાર થયું છે જ્યારે એક દિવસમાં કોરોનાના 4 લાખથી વધુ કેસ સામે આવ્યા છે. આ પહેલા 30 એપ્રિલે 4 લાખ 2 હજાર 14 કેસ સામે આવ્યા હતા. તે દિવસે 3525 દર્દીઓનાં મોત થયા હતા.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશભરમાંથી કોરોના વાયરસના નવા 4,12,262 દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ કુલ કેસનો આંકડો 2,10,77,410 પર પહોંચ્યો છે. જેમાંથી 35,66,398 લોકો હજુ પણ સારવાર હેઠળ છે. એક દિવસમાં 3,29,113 દર્દીઓ રિકવર પણ થયા છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ 24 કલાકમાં કોરોનાએ 3980 લોકોનો ભોગ લીધો છે. આ સાથે કુલ મૃત્યુનો આંકડો 2,30,168 પર પહોંચ્યો છે. દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 16 કરોડ 25 લાખ 13 હજાર 339 ડોઝ આપવામાં આવ્યા છે.

ICMRએ ગુરુવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, 5 મે સુધીમાં ભારતમાં કુલ 29,67,75,209 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે બુધવારના 24 કલાકમાં 19,23,131 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.