5 વર્ષના બાળકના હાથમાં મોબાઈલ બ્લાસ્ટ થતા ડાબા હાથની આટલી આંગળીઓ સીધી કપાઈ ગઈ, આંખ ઉઘાડનારો કિસ્સો વાંચો આજે
ગુજરાત સહિત સમગ્ર દેશમાંથી ઘણીવાર મોબાઇલ બ્લાસ્ટના કિસ્સા સામે આવે છે, જેમાં કેટલીકવાર ચાર્જિંગના ઇસ્યુને કારણે તો કેટલીક વાર અન્ય કારણોસર મોબાઇલ બ્લાસ્ટ થતો હોય છે. ત્યારે હાલમાં રાજસ્થાનના બાડમેરના ગોળીયાર ગામમાં એક 5 વર્ષના બાળકના હાથમાં રહેલ મોબાઈલની બેટરીમાં બ્લાસ્ટ થતાં તે ગંભીર ઇજાગ્રસ્ત થયુ હતુ અને તેને લઇને તેને બનાસકાંઠાના ડીસાની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયો હતો.
મોબાઈલમાં થયેલા બ્લાસ્ટથી કાચના ટુકડાને કારણે બાળકના ચહેરા પર પણ ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ ઉપરાંત બાળકની એક હાથની પાંચ આંગળીઓ અને બીજા હાથનો અંગૂઠો ગંભીર રીતે ઘવાયો હતો. આ કિસ્સો માતા-પિતા માટે ચેતવણી રૂપ છે. જણાવી દઇએ કે, આ પહેલા મોરબીના વાંકાનેરમાં મોબાઈલ બ્લાસ્ટ થતા ભાઈ-બહેનને ગંભીર ઈજાઓ પહોંચવાને કારણે ભાઇને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો અને સારવાર આપવામાં આવી હતી.
આ ઉપરાંત બહેનને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, ઘણીવાર આપણે સાંભળીએ કે વાંચીએ છે કે મોબાઈલ બેટરી ફાટવાના કારણે બ્લાસ્ટ થાય છે. ડિવાઇસનો વધારે ઉપયોગ કરવાથી બેટરી જલ્દી પૂરી થાય છે અને તેને કારણે તેને વારંવાર ચાર્જ કરવી પડે છે. ત્યારે ફોન ચાર્જ કરવાની સાથે આપણે ઘણી ભૂલ પણ કરતા હોઇએ છીએ.
આને કારણે ખરાબ પરિણામ પણ આપણે ભોગવવું પડતુ હોય છે. જો કે, પહેલીવાર આવું નથી થયુ કે કોઇ સ્માર્ટફોનમાં આગ લાગી હોય કે વિસ્ફોટ થયો હોય આવા બનાવ પહેલા પણ ઘણીવાર સામે આવી ચૂક્યા છે.