એક સાથે ગામમાંથી નીકળી 5-5 નનામી, આખું ગામ હીબકે ચઢ્યું… વડોદરામાં અકસ્માતમાં એક જ પરિવારના 5 લોકોએ ગુમાવ્યો હતો જીવ

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘણી બધી ઘટનાઓ સામે આવી રહી છે. કેટલાય અકસ્માતમાં ઘણા લોકો કાળનો કોળિયો બની જતા હોય છે. ત્યારે ગત રોજ એવો જ એક અકસ્માત વહેલી સવારે વડોદરાના અટલાદરા-પાદરા રોડ નારાયણ વાડી પાસે સર્જાયો હતો જેમાં રિક્ષા તેમજ કાર વચ્ચે થયેલા આ અકસ્માતમાં એક જ પરિવારના 5 લોકોના મોત થતા ચકચારી મચી ગઇ. રીક્ષામાં સવાર એક જ પરિવારના 3 બાળકો અને માતા પિતાના મોત થયા હતા.

આ પરિવાર લગ્નમાં સામેલ થવા માટે ગયો હતો. ત્યારે વડોદરાથી પાદરા તરફ પરત ફરતા સમયે પાદરા તરફ આવી રહેલી કાર સાથે રીક્ષાની ટક્કર થઇ હતી અને રિક્ષાનો બુકડો બોલાઇ ગયો હતો અને રોડ પર લોહીના ખાબોચીયા ભરાઈ ગયા હતા. તમામ મૃતકો પાદરાના લોલા ગામના રહેવાસી હોવાનું સામે આવ્યું હતું. ભયાનક અકસ્માતને પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા પણ એકઠા થઈ ગયા હતા.

આ ઘટના અંગે  તાત્કાલિક પોલીસને પણ જાણ કરવામાં આવતા તે પણ દોડી આવી હતી અને ઇજાગ્રસ્ત બે બાળકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ બંનેનું મોત નિપજ્યું હતું. આ ગમ્ખવાર અકસ્માતમાં એક જ પરિવારના 5 લોકોના મોત નિપજ્યા જ્યારે એક માત્ર 11 વર્ષના બાળકનો બચાવ થયો હતો. મૃતકોમાં અરવિંદ પૂનમ નાયક, કાજલ અરવિંદ નાયક, શિવાની અલ્પેશ નાયક અને ગણેશ અરવિંદ નાયકનો સમાવેશ થાય છે.

ત્યારે હવે લોલ ગામની અંદર આ તમામ મૃતકોની અંતિમ ક્રિયા યોજાઈ હતી. જેમાં એક સાથે 5 નનામી નીકળતા જ આખું ગામ હીબકે ચઢ્યું હતું. લોલા ગામની અંદર આવો નજારો કદાચ પહેલા કોઈએ ક્યારેય નહિ જોયો હોય. એક સાથે 5 અર્થીઓ નીકળતા ગામમાં પણ સન્નાટો છવાઈ ગયો હતો અને દરેક ચહેરા ભાવુક જોવા મળ્યા હતા.

Niraj Patel