...
   

ગાંધીનગર : દશામાની મૂર્તિનું વિસર્જન કરવા જતા 5 લોકો સાબરમતી નદીમાં ડૂબ્યા- જુઓ દર્દનાક તસવીરો

ગાંધીનગરમાં દુર્ઘટનાઃ સાબરમતી નદીમાં દશામાની મૂર્તિનું વિસર્જન કરતા 5 લોકો ડૂબ્યા, 3ના મોત

ગાંધીનગરમાં એક ગોઝારી ઘટના બની, દશામાની મૂર્તિ પધરાવવા જતા પાંચ લોકો સાબરમતી નદીમાં ડૂબી ગયા. વહેલી સવારે સેક્ટર 30 પાસે આવેલ સાબરમતી નદીમાં આ ઘટના બની હતી. ઘટનાની જાણ થયા બાદ ફાયર વિભાગની ટીમે ભારે શોધખોળ બાદ ત્રણના મૃતદેહ બહાર કાઢ્યા. જણાવી દઇએ કે, મંગળવારે દશામાના વ્રતની પૂર્ણાહિતી થઇ હતી અને તે બાદ રાતે જાગરણ કરવામાં આવ્યું હતુ.

પ્રાપ્ત જાણકારી અનુસાર, બુધવારે વહેલી સવારે ગાંધીનગરમાં સેક્ટર 30 પાસે આવેલ સાબરમતી નદીમાં દશામાની મૂર્તિ પધરાવતા પાંચ લોકો ડૂબી ગયા, આ પછી ઘટનાની જાણ ફાયર વિભાગને કરાઇ. ફાયરની ટીમે ભારે જહેમત બાદ ત્રણ લોકોના મૃતદેહ બહાર કાઢ્યા. એક રીપોર્ટ અનુસાર એવું કહેવાઇ રહ્યુ છે કે મૂર્તિ નદીમાં પધરાવવા જતાં બેલેન્સ બગડતા એક વ્યક્તિ પાણીમાં ડૂબી અને તેને બચાવવા જતા પાંચ લોકો પાણીમાં ડૂબ્યા.

જેમાંથી 2 લોકોને ત્યાં કામ કરતા સ્થાનિકોએ તો બચાવી લીધા હતા, જ્યારે અન્ય ત્રણ લોકો પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. જે લોકોના મૃતદેહ મળી આવ્યા છે તેમાં 30 વર્ષિય અજયભાઈ વણજારા, 34 વર્ષિય ભારતીબેન પ્રજાપતિ અને 12 વર્ષિય પૂનમબેન પ્રજાપતિનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા પોઇચા ગામમાં પણ આવી જ ગોઝારી ઘટના ઘટી હતી. નર્મદાના રાજપીપળા પાસે પોઇચા ગામમાં સ્વામિનારાયણ મંદિર પાસે નર્મદા નદીમાં સુરતના એક જ પરિવારના સાત સભ્યો ડૂબી ગયા હતા.

Shah Jina