...
   

ઓપરેશન ચેકમેટ ! ફિલ્મી સ્ટાઇલમાં વિદ્યાર્થીનું અપહરણ કરી હિમાચલ પહોંચ્યો એન્જીનિયર, પોલિસે….

રાજધાની જયપુરના બ્રહ્મપુરી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એન્જિનિયરિંગના વિદ્યાર્થીના અપહરણની ઘટનાનો ખુલાસો કરતા પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે વિદ્યાર્થી અનુજને સુરક્ષિત રીતે મુક્ત કરાવ્યો છે અને અપહરણની ઘટનામાં સંડોવાયેલા મહિલા સહિત 5 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે ધરપકડ કરેલા આરોપીઓમાં વીરેન્દ્ર સિંહ, વિનોદ, અમિત કુમાર, જિતેન્દ્ર ભંડારી અને જમુના સરકારનો સમાવેશ થાય છે.

આ બાબતનો ખુલાસો કરતા જયપુર પોલીસ કમિશ્નરે જણાવ્યું કે 18 ઓગસ્ટના રોજ અનુજ તેના મિત્ર સાથે નાહરગઢ પહાડીઓ પર ફરવા ગયો હતો. આ દરમિયાન ત્યાં હાજર કેટલાક યુવકોએ અનુજ અને તેના સાથીને જોયા. અનુજનો લુક જોઇ યુવકોએ તેને સમૃદ્ધ પરિવારનો હોવાનું માની તેના મોં પર ટેપ લગાવી, હાથ-પગ બાંધી તેનું અપહરણ કર્યું અને કારમાં પોતાની સાથે લઈ ગયા. આ ઉપરાંત અનુજના મિત્ર સોની સિંહને માર માર્યો અને તેને રસ્તા પર છોડી દીધો. અનુજ ઘરે ન પહોંચતા પરિવારે અપહરણનો કેસ નોંધાવ્યો હતો.

માહિતી મળતાં જ પોલીસની ટીમ પહોંચી, સોની સિંહની પૂછપરછ કરી અને ડ્રોન વડે પહાડીની શોધખોળ પણ કરી. પોલીસની ઘણી ટીમો ઓપરેશનમાં રોકાયેલી હતી. પોલીસ અનુજને શોધી રહી હતી ત્યારે અપહરણકર્તાઓએ અનુજના પરિવારનો સંપર્ક કર્યો અને 20 લાખ રૂપિયાની ખંડણી માંગી. પરિવારે તેમની પાસે આટલા પૈસા હોવાનો ઇનકાર કર્યો અને પૈસા ભેગા કરવા માટે સમય માંગ્યો. આ દરમિયાન પોલીસે ઓપરેશન ચેકમેટ શરૂ કર્યું અને ફોન નંબર ટ્રેસ કરીને અપહરણકારોને શોધવાનું શરૂ કર્યુ પણ અપહરણકારો પોલીસથી બચવા માટે તેમનું લોકેશન બદલતા રહ્યા.

અંતે તેમણે પૈસા લઇ કાલકા-શિમલા એક્સપ્રેસ ટ્રેનના છેલ્લા ડબ્બામાં બેસવાનું કહ્યું. પ્લાન મુજબ ટ્રેનના રૂટ પર પોલીસ ટુકડીઓ તૈનાત કરવામાં આવી હતી અને અપહરણકારોએ ધરમપુર રેલ્વે સ્ટેશન પાસે પૈસાની બેગ ફેંકવાનું કહેતા જ ત્યાં ઉભેલા પોલીસકર્મીઓએ એક આરોપીને પકડી લીધો હતો. આરોપીની પૂછપરછ કર્યા બાદ પોલીસે અન્ય એક આરોપીની પણ ધરપકડ કરી. પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટનાનો માસ્ટરમાઇન્ડ સોફ્ટવેર એન્જિનિયર વીરેન્દ્ર સિંહ છે.

વિરેન્દ્રસિંહ અગાઉ ધંધો કરતો હતો અને તેને ધંધામાં ઘણું નુકસાન થયું હતું, જેની ભરપાઈ કરવા તેણે તેના સાગરિતો સાથે મળીને અપહરણનું સંપૂર્ણ કાવતરું ઘડ્યું હતું. હાલમાં પોલીસ આ કેસમાં ફરાર અન્ય આરોપીને શોધવામાં વ્યસ્ત છે. અનુજે જણાવ્યું કે, નાહરગઢથી અપહરણ કર્યા બાદ બદમાશોએ તેને નશીલી દવા પીવડાવી હતી. આ પછી તેણે હોશ ગુમાવી દીધો. જ્યારે તે હોશમાં આવ્યો ત્યારે તે એક રૂમમાં બંધ હતો અને હિમાચલના કોઈ શહેરમાં તેને બંધક બનાવી રાખવામાં આવ્યો હતો. તેને રૂમમાં આખો સમય ત્રણ લોકોની નજર હેઠળ રાખવામાં આવ્યો હતો અને જો તે શોર મચાવતો તો તેને મોં બંધ કરી ગળુ દબાવી મારવાની ધમકી આપવામાં આવતી.

Shah Jina