ખબર

ચોથે નોરતે માતા કૂષ્માણ્ડા : બ્રહ્માંડનું સર્જન કરનારી આ દેવી ભક્તોનાં દુ:ખનો પણ ત્વરીત નાશ કરે છે, જાણો તમામ વિગતો

નવરાત્રીના ચોથા દિવસે સમસ્ત બ્રહ્માંડને ઉત્પન્ન કરવાનું જેને શ્રેય જાય છે એવા માતા કૂષ્માંડાનું પૂજન થાય છે. નવદુર્ગાનાં આ ચોથા સ્વરૂપની આ દિવસે પૂજા કરવામાં આવે છે. સિંહ પર સવાર માતા કૂષ્માણ્ડાએ પોતાના મંદ હાસ્ય વડે બ્રહ્માંડનું સર્જન કર્યું છે.

સમસ્ત બ્રહ્માંડની જનની —

જ્યારે બ્રહ્માંડનું અસ્તિત્વ જ નહોતું ત્યારે દેવી કૂષ્માણ્ડાએ પોતાનાં મંદ હાસ્ય વડે બ્રહ્માંડનું સર્જન કર્યું હતું. એમનું મૃદુ હાસ્ય તેમને ‘કૂષ્માણ્ડા’ કહેવડાવે છે. પોતાનાં ઉદરમાંથી ‘અંડ’ એટલે કે ‘બ્રહ્માંડ’નું સર્જન કરનાર એટલે માતા કૂષ્માણ્ડા!

સૂર્યલોકમાં છે માતાનો નિવાસ —

ચોતરફ અંધકાર છવાયેલો હતો, નામમાત્રનું કંઈ જ અસ્તિત્વ હતું નહી એ વખતે માતાએ બ્રહ્માંડનું સર્જન કર્યું હોય એને ‘આદિશક્તિ’ કહેવામાં આવે છે. આ સૃષ્ટિમાં-સર્વત્રમાં પ્રકાશનું ઉદ્ગમ સ્થાન પણ એ જ છે. અને એટલે જ જ્યાં કોઈ દેવ-માનવને રહેવાની તાકાત નથી એ સૂર્યલોકના ભીતરમાં માતાનો નિવાસ છે.

કેવું છે માતાનું રૂપ? —

સિંહ પર શોભાયમાન દેવી કૂષ્માણ્ડાને આઠ હાથ છે. આઠ હાથોમાં ધનુષ-બાણ, કમંડળ, અમૃતસભર કળશ, કમળ, ચક્ર અને ગદા છે. આથમાં હાથમાં અષ્ટ સિધ્ધી અને નવ નિધીની દાત્રી એવી અક્ષમાળા શોભે છે. માતાનું મુખ પ્રકાશના ધોધ સમાન તેજોમય અને ભક્તોનાં દુ:ખ હરવાને સદાય તત્પર છે.

તુજ સરીખી તું હી જ હે! —

માતા કૂષ્માંડાની મૂર્તિ અત્યંત તેજસ્વી છે. એનાં તેજ આગળ નજર માત્ર કરવાની ખરેખર કોઈની તાકાત નથી. સમગ્રલોકમાં એનાં જેવું તેજ અન્ય કોઈ પણ દેવી-દેવતાઓનું નથી. માતાનાં મુખની કાંતિ દિવ્ય છે, એનો દેખાવ ભવ્ય અને દેદિપ્યમાન છે. બ્રહ્માંડ માત્રમાં વ્યાપેલો પ્રકાશ એમની જ દેણ છે.

અનાહત ચક્ર —

માતા કૂષ્માણ્ડાની પૂજા કરતી વેળા સાધકનું મન અનાહત ચક્રમાં સ્થિત થાય છે. મનને પવિત્ર રાખી, બુધ્ધિને એકાગ્ર રાખીને આજે માતાની સાધના કરવાની હોય છે. સાચા હ્રદયથી માતાની સેવા કરો તો દેવી અલ્પ ભક્તિથી પણ પ્રસન્ન થઈ જનાર છે. તેમનાં નામજાપથી આયુષ્ય, બળ, સ્વાસ્થય અને યશમાં વૃધ્ધિ થાય છે.

શું કરવું જોઈએ? —

માતાજીને માલપૂડાનો ભોગ ધરીને કોઈપણ મંદિરના બ્રાહ્મણોને એનો પ્રસાદ વહેંચવો જોઈએ. માતાને લાલ વસ્ત્ર, લાલ પુષ્પ અને લાલ ચૂડલાનો શણગાર અર્પણ કરવો. પૂજન પછી માતાના મંત્રોનો જાપ કરવો. આ અનન્ય તેજયુક્ત દેવી ભક્તોનાં તમામ દુ:ખ હરી અને સુખમાં વૃધ્ધિ કરનારી છે.

મંત્રજાપ —

सुरासम्पूर्णकलशं रुधिराप्लुतमेव च |
दधाना हस्तपद्माभ्यां कूष्माण्डा शुभदाऽस्तु मे ||

[ અર્થાત્ : જે કળશ મદિરા અને રક્તથી લથબથ ભરેલો છે, એને બંને હાથે ધારણ કરનારી માતા કૂષ્માણ્ડા મને શુભ્રતા-કલ્યાણ પ્રદાન કરે. ]

યા દેવી સર્વભૂતેષુ કૂષ્માણ્ડારૂપેણ સંસ્થિતા |
નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમ : ||

જય હો માતા કૂષ્માણ્ડા!

Author: Kaushal Barad GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App