કુદરતનો કરિશ્મા : અંકલેશ્વરમાં 5 વર્ષનું બાળક રમતા રમતા ચોથા માળની ગેલેરીમાંથી નીચે પડી ગયું છતાં થયો આબાદ બચાવ

એક કહેવત આપણે સાંભળતા આવ્યા છે કે “રામ રાખે તેને કોણ ચાખે ?” જેના ઘણા  ઉદાહરણો પણ આપણે જોયા હશે, હાલ એવી જ એક ઘટના અંક્લેશ્વરમાંથી સામે આવી છે, જ્યાં એક પાંચ વર્ષનું બાળક ચોથા માળની ગેલેરીમાંથી રમતા રમતા નીચે પડી ગયું છતાં પણ તેનો આબાદ બચાવ થયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરમાં આવેલાં સમડી ફળીયાના મુળજી કલ્યાણ ટાવરના ચોથા માળની ગેલેરીમાંથી અંદાજે 40 ફૂટ ઉપરથી શુક્રવારે સવારના 11.15 વાગ્યાના અરસામાં 5 વર્ષનો એક બાળક અકસ્માતે નીચે પટકાયો હતો. ચોથા માળેથી પડતી વેળાં ત્રીજા માળે આવેલી પ્લાસ્ટિકની છાજલી પર પડ્યાં બાદ બાળકના હાથમાં કેબલનો વાયર આવી જતાં તે વાયર પકડી નીચે પડ્યો હતો.

આ દુર્ઘટનામાં બાળકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી,ઘટનાને પગલે તેના પરિવારજનો તેમજ આસપાસના લોકો તુરંત દોડી આવતાં તેમણે તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે. તબીબોના જણાવ્યા અનુસાર તેને મોઢાના ભાગે તેમજ શરીરમાં અન્ય ભાગોમાં સામાન્ય ઇજાઓ જ થઇ હતી.

Niraj Patel