મોરબીના ઝુલતા પુલે છીનવ્યા 4 વર્ષના માસૂમના માતા-પિતા, પરિવારમાં એકમાત્ર બચ્યો જિયાંશ

સેકન્ડોમાં જ છીનવાઈ ગયા મમ્મી પપ્પા, 4 વર્ષનો જિયાંશ અનાથ થયો- જાણો સમગ્ર મામલો

મોરબીની શાન ગણાતા ઝુલતો પુલ તૂટવાની ઘટનામાં અનેક લોકોના મોત થયા છે, જ્યારે કેટલાકને બચાવી પણ લેવાયા છે. ત્યારે રવિવારના રોજ બનેલી આ ઘટનાએ અનેક પરિવારને નોંધારા બનાવ્યા છે. મોરબીમાં રહેતો હાર્દિક ફળદુ રવિવારે સાંજે પત્ની મિરલ અને ચાર વર્ષના પુત્ર જિયાંસ સાથે ફરવા ગયો હતો. ત્રણેય સાંજે લગભગ 6 વાગ્યે પુલ પર પહોંચ્યા અને થોડી જ વારમાં પુલ તૂટી ગયો અને ત્રણેય નદીમાં પડી ગયા. અકસ્માતમાં હાર્દિક અને તેની પત્ની મિરલનું મોત થયું હતું. જ્યારે ડૂબતા જીયાંશને બચાવી લેવાયો હતો. જિયાંશનો જીવ તો બચી ગયો, પણ હવે તેના માથે મા-બાપની છત્રછાયા નથી.

દિવાળી નિમિત્તે જ્યાં ગઈકાલ સુધી સમગ્ર શહેર રોશનીથી ઝગમગી રહ્યુ હતું. ત્યાં રવિવારે સાંજે બનેલી ઘટનાથી શહેરીજનો શોકના અંધારામાં ડૂબી ગયા હતા. લોકોએ ઘરોની ચમકતી લાઇટો બંધ કરી દીધી હતી. હાલ તો સરકારી ચોપડે મૃતકોનો અંક 134 છે, જેમાં 50થી વધુ બાળકો છે. આ દુર્ઘટના જ્યારે બની ત્યારે જિયાંશ પણ અન્ય લોકોની જેમ તેના માતા-પિતા સાથે ઝૂલતા પુલ પર મજા માણી રહ્યો હતો. અચાનક આ પુલ તૂટવાને કારણે તે પણ તેના માતા-પિતા સાથે નદીમાં ખાબક્યો

અને આ ગોઝારી દુર્ઘટનામાં તે તો બચી ગયો પણ તેના માતા-પિતાએ જીવ ગુમાવ્યો. જો કે આ એક ઘટના નથી અનેક અનેક પરિવારોએ આ ગોઝારી દુર્ઘટનામાં પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે. દીવાળીના તહેવારને લઇને રજાનો દિવસ હોવાને કારણે ઘણા લોકો અહીં આવ્યા હતા. મૂળ હળવદના પ્રમુખસ્વામી નગરના અને હાલ મોરબીમાં સીએ તરીકે કામ કરતા હાર્દિક ફળદુ પણ પત્ની મિરલ અને ચાર વર્ષના જિયાંશ સાથે ઝૂલતા પુલ પર ફરવા ગયાં હતાં.

ઉલ્લેખનીય છે કે, ઝૂલતા પુલની દુર્ઘટનામાં પોતાના પરિવારના 6 લોકો ગુમાવનારા રાપરનાં હલીમાબેનનું જાણે સર્વસ્વ લૂંટાઈ ગયું. તેઓ પરિવાર સાથે રાપરથી દીકરીની નણંદની સગાઇમાં આવ્યાં હતાં અને દીકરી, જમાઈ, તેમની 7 વર્ષની દીકરી અને 4 વર્ષનો દીકરો, તેમના જેઠ અને તેમના દીકરાને ગુમાવ્યો છે. ઘણા લોકો એવા છે જેમણે પરિવારના મોભી ગુમાવ્યા છે અથવા તો બાળકો ગુમાવ્યા છે. કેટલાક બાળકોએ તેમના માતા કે પિતા પણ આ દુર્ઘટનામાં ગુમાવ્યા છે.

Shah Jina