રામગઢ જિલ્લામાં 19 વર્ષની એેક છોકરી પર દુષ્કર્મ કરવા અને સોશિયલ મીડિયા પર કથિત રીતે આ કૃત્યનો વીડિયો પોસ્ટ કરવા બદલ ચાર કિશોરોની અટકાયત કરવામાં આવી છે. એક પોલીસ અધિકારીએ આ માહિતી આપી હતી, આ ઘટના 21 એપ્રિલે બની હતી, પરંતુ પીડિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી ન હતી કારણ કે છોકરાઓએ ધમકી આપી હતી કે જો તેણ તેની આપવીતી કોઈને કહી તો તે દુષ્કર્મનો વાંધાજનક વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કરી દેશે.
પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, આરોપી છોકરાઓની ઉંમર 15 થી 17 વર્ષની વચ્ચે હોવાનું કહેવાય છે, રામગઢના પોલીસ અધિક્ષકે જણાવ્યું કે છોકરાઓએ 3 મેના રોજ આ વાંધાજનક વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. પોલીસ અધિક્ષકે કહ્યું, “પીડિત યુવતીના પરિવારે 4 મેના રોજ રામગઢ પોલીસ સ્ટેશનમાં આ ઘટના અંગે ફરિયાદ નોંધાવી.
ફરિયાદના આધારે ચારેય આરોપીઓને પકડીને સુધાર ગૃહમાં મોકલી દેવામાં આવ્યા.” યુવતીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું કે આ ઘટના 21 એપ્રિલે બની હતી જ્યારે ચાર છોકરાઓ તેને રામગઢના કોયલા ડમ્પિંગ યાર્ડમાં સુમસામ સ્થળે ખેંચી લઈ ગયા હતા અને તેના પર દુષ્કર્મ ગુજાર્યો.