હવામાં ઉડતા જ બિલ્ડિંગ સાથે ટકરાયુ હેલિકોપ્ટર, 4 લોકોના મોત- જુઓ દર્દનાક વીડિયો

22 ડિસેમ્બર રવિવારે દક્ષિણપશ્ચિમ તુર્કીમાં એક એમ્બ્યુલન્સ હેલિકોપ્ટર એક હોસ્પિટલ બિલ્ડિંગ સાથે અથડાયું અને પછી જમીન પર પડી ક્રેશ થયું. આ અકસ્માતમાં 4 લોકોના મોત થયા હતા. તુર્કીના સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર એમ્બ્યુલન્સ હેલિકોપ્ટર મુગલા ટ્રેનિંગ એન્ડ રિસર્ચ હોસ્પિટલથી ઉડાન ભરી રહ્યું હતું. જેમાં બે પાયલોટ, એક ડોક્ટર અને અન્ય તબીબી કર્મચારી સવાર હતા.

મુગલાના પ્રાદેશિક ગવર્નરે મીડિયાને જણાવ્યું કે હેલિકોપ્ટર પહેલા હોસ્પિટલના ચોથા માળે અથડાયું અને પછી જમીન પર પડ્યું. જો કે, આ દરમિયાન હોસ્પિટલની ઇમારતની અંદર અથવા જમીન પર કોઈને ઈજા થઈ નથી. આ ભયાનક અકસ્માતનું કારણ વિસ્તારમાં ગાઢ ધુમ્મસ જણાવાઇ રહ્યુ છે. હેલિકોપ્ટર ગાઢ ધુમ્મસ અને ઓછી દૃશ્યતાની સ્થિતિમાં હોસ્પિટલની છત પરથી ઉડી રહ્યું હતું.

હેલિકોપ્ટર ટેકઓફ પછી થોડી મિનિટો જ ધુમ્મસમાં મંડરાતું દેખાયુ અને આ પછી હોસ્પિટલ સાથે અથડાઈને ક્રેશ થઇ ગયુ. ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, આ અકસ્માત તાજેતરના સમયમાં તુર્કીમાં બીજો મોટો હેલિકોપ્ટર અકસ્માત છે. લગભગ બે અઠવાડિયા પહેલા, તુર્કીના ઇસ્પાર્તા પ્રાંતમાં સેનાના તાલીમ અભ્યાસ દરમિયાન બે હેલિકોપ્ટર અથડાતા છ સૈનિકોના મોત થયા હતા.

Shah Jina