ધોરાજી નજીક 60 ફૂટ ઊંચા પુલ પરથી કાર નીચે ખાબકતા ગમખ્વાર અકસ્માત, 3 મહિલા સહિત ચારના દર્દનાક મોત

ધોરાજી નજીક 60 ફૂટ ઊંચા પુલ પરથી કાર નદીમાં ખાબકી, એક જ પરિવારના 4 સભ્યોના મોત

ગુજરાતમાંથી ઘણીવાર અકસ્માતના કિસ્સા સામે આવે છે, જેમાં કેટલાક ચોંકાવનારા હોય છે. આજે સવારે ધોરાજી નજીકથી એક દર્દનાક અકસ્માતની ખબર સામે આવી. એક કાર અચાનક નદીના પુલ પરથી નીચે ખાબકી અને 4 લોકોના મોત થયા. ઘટના બાદ પંથકમાં ચકચાર મચી ગઈ. પ્રાપ્ત જાણકારી મુજબ, કાર પર કાબૂ ગુમાવ્યા બાદ આ અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે.

જો કે, ઘટનાને લઈ મૃતકના પરિવારમાં ઘેરા શોકની લાગણી ફેલાઇ છે. રાજકોટના ધોરાજી ખાતે ભાદર નદીના પુલ પાસે I-20 કારનું ટાયર ફાટતા કાર પુલની રેલિંગ તોડી 60 ફૂટ નીચે નદીમાં ખાબકી હતી. આ અકસ્માતમાં 3 મહિલા સહિત 4 લોકોના મોત થયા છે. ઘટનાની જાણ થતાં તાત્કાલિક સ્થાનિક પોલીસ દોડી ગઈ હતી અને તરવૈયાઓની મદદ વડે તમામનાં મૃતદેહોને બહાર કાઢ્યા હતા.

તરવૈયાઓની મદદથી લાશોને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે ધોરાજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. ધોરાજી પોલીસ ઘટના સ્થળે દોડી આવી કાર્યવાહી હાથ ધરી હતી.

ભાદર નદીમાં પડેલી કારને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવી હતી. ઘટનાને પગલે ભાજપ-કોંગ્રેસના અગ્રણીઓ પણ હોસ્પિટલ દોડી આવ્યા હતા. અકસ્માતને પગલે લોકોનાં ટોળેટોળાં પણ એકઠાં થઈ ગયાં હતાં. ફાયર વિભાગની મદદથી કાર અને તેમાં સવાર લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. અકસ્માતમાં બે મહિલા, એક યુવતી અને એક પુરુષ સહિત ચાર વ્યક્તિનાં મોત નીપજ્યાં છે.

મૃતકોમાં 55 વર્ષીય સંગીતાબેન કોયાણી, 52 વર્ષીય લીલાવંતીબેન ઠુમ્મર, 55 વર્ષીય દિનેશભાઈ ઠુમ્મર અને 22 વર્ષીય હાર્દિકાબેન ઠુમ્મરનો સમાવેશ થાય છે. પ્રાથમિક જાણકારી અનુસાર કાર માંડાસણથી ધોરાજી તરફ જઈ રહી હતી અને ત્યારે જ આ અકસ્માત સર્જાયો. મૃતકો ધોરાજીના જેતપુર રોડ નજીકના રહેવાસી હોવાનું સામે આવ્યુ છે.

ઘટનાની જાણ પરિવારને કરવામાં આવતા તેઓ ધોરાજી સરકારી હોસ્પિટલ પહોંચ્યા હતા. આ ગોઝારા અકસ્માતને લઈ મૃતકોના પરિવારની સાથે સાથે સમગ્ર ધોરાજી પંથક અને આસપાસનાં ગામોમાં પણ શોકનો માહોલ છવાયો છે. હાલ તો પોલીસે મૃતદેહોને પીએમ માટે ખસેડ્યા છે અને વધુ તપાસ હાથ ધરી છે.

Shah Jina